<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th May 2024

મમ્‍મી હું મરી જાઉ છું...મને માફ કરી દેજો...હનીટ્રેપમાં ફસાવાતાં મેટોડાના યુવાને નદીમાં કૂદી મોત મેળવ્‍યું

મારા મરવાનું કારણ કિરૂડી અને રાહુલીયો બે જ છે, મારી પાછળ રોતા નહિ... હનીટ્રેપમાં ફસાવાતાં અજયનો આપઘાત

કિર્તી નામની યુવતિ અને જીઆરડી રાહુલે રૂપિયા પડાવ્‍યાનો આક્ષેપઃ વિડીયો બનાવ્‍યા બાદ પગલુ ભર્યુઃ મેટોડા પોલીસે તપાસ આદરી

તસ્‍વીરમાં અજયએ જ્‍યાં આપઘાત કર્યો તે વાગુદડની નદીમાં શોધખોળ કરતાં તરવૈયા, શોકમય સ્‍વજનો અને આપઘાત કરનાર અજય તથા તેના વિડીયોનું દ્રશ્‍ય જોઇ શકાય છે (ફોટોઃ ભીખુપરી ગોસાઇ-ખીરસરા)

રાજકોટ તા. ૧૦: ‘મમ્‍મી હું બાલાજીના પૂલે છું અને હું મરી જાઉ છું, મારા મરવાનું કારણ કિરૂડી અને રાહુલીયો બે જ છે, બીજા કોઇ નિર્દોષ હેરાન ન થાય. મારી પાછળ કોઇ રોતા નહિ, હું બહુ રોયો છું મા, મેં બધાયનું રોઇ લીધુ છે, મને માફ કરી દેજો બને તો'....આ પ્રકારનો મોબાઇલ ફોનમાં વિડીયો બનાવ્‍યા બાદ મેટોડા જીઆઇડીસી ગેઇટ નંબર-૧માં જીજ્ઞેશ પાર્કમાં અને કારખાનામાં મજૂરી કરતાં અજય માવજીભાઇ ખાંભલા (ઉ.વ.૨૨) નામના યુવાને મેટોડાના વાગુદડ ગામની નદીમાં પડતું મુકી આપઘાત કરી લેતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. મેટોડાની કિર્તી નામની યુવતિ અને રૈયાધારમાં રહેતાં જઆરડી રાહુલે હનીટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવી સતત હેરાન પરેશાન કરતાં અજય મરવા માટે મજબૂર થયાનો આક્ષેપ પરિવારજનોએ કરતાં મેટોડા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

જાણવા મળ્‍યા મુજબ મેટોડાના જીજ્ઞેશ પાર્કમાં રહેતો મુળ હાડાટોડા ગામનો વતની અજય ચોૈહાણ ગઇકાલે વાગુદડ રોડ પર અમરદીપ મેટલ પાછળ નદીમાં કૂદી જતાં બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડના શામળભાઇ, સુરેશભાઇ, મહાવીરસિંહ, હાર્દિકભાઇ, સંજયભાઇ, અજયભાઇ, મેહુલભાઇ સહિતે પહોંચી પાણીમાંથી મૃતદેહ શોધી કાઢી પોલીસને જાણ કરતાં કોટડા સાંગાણીના પીએસઆઇ કુલદિપસિંહ ગોહિલ સહિતના સ્‍ટાફે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો.

આપઘાત કરનાર અજય ચોૈહાણ બે ભાઇ અને બે બહેનમાં મોટો તથા કુંવારો હતો. તે મેટોડામાં જ આવેલા સિલ્‍વર કાસ્‍ટ નામના કારખાનામાં કામ કરતો હતો. ગઇકાલે સવારે તે ટિફીન લઇને કામે જવા નીકળ્‍યા બાદ કારખાને પહોંચી સાથે કામ કરતાં કર્મચારીઓએ ટિફીનમાં માત્ર રોટલી જ છે, શાક લઇને આવું તેમ કહીને નીકળ્‍યા બાદ મોડે સુધી પાછો ન આવતાં અને તેનો ફોન પણ બંધ આવતો હોઇ સાથી કર્મચારીઓએ તપાસ હાથ ધરી હતી.

એ દરમિયાન અજયએ મોબાઇલ ફોનમાં સ્‍ટેટસમાં એક વિડીયો મુક્‍યો હતો. તે જોઇને સોૈ ચોંકી ગયા હતાં. જેમાં અજયએ પોતે આપઘાત કરતો હોવાની વાત કહી હતી. પોલીસને જાણ કરવામાં આવતાં લોકેશનને આધારે પોલીસે તુરત જ ઘટના સ્‍થળે પહોંચી હતી. બનાવની જાણ થતાં અજયના પરિવારજનો, મિત્રો પણ દોડી આવ્‍યા હતાં. વાગુદડની નદીના મોટા ખાડા પાસેથી અજયનું બાઇક, ચપ્‍પલ, મોબાઇલ મળી આવ્‍યા હતાં. તરવૈયાઓએ મૃતદેહ બહાર કાઢતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. મૃતકના સ્‍વજનોએ આક્ષેપ કર્યો હતો કે મોબાઇલ સ્‍ટેટસમાં અજય જે નામ કીરૂડીનું બોલે છે તે મેટોડાની કિર્તી છે અને સગામાં જ થાય છે. જ્‍યારે રાહુલીયો એ જીઆરડી જવાન  રાહુલ બગડા છે અને તે રૈયાધાર તરફ રહે છે. આ બંનેએ મળી અજયને હનીટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવતાં અને હેરાન કરતાં અજય મરવા મજબૂર થયો છે.

અંતિમવિધી બાદ પોલીસ વિશેષ નિવેદન નોંધી ગુનો નો઼ધવા કાર્યવાહી કરે તેવી શક્‍યતા છે. યુવાન દિકરાના આપઘાતથી પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે.

(10:55 AM IST)