News of Friday, 10th May 2024
નિર્મલા રોડ પર શ્રીજી હોસ્પિટલના ડો. ચોક્સી પર હુમલો કરનાર ભાવેશ ચાવડાની શોધખોળ
માતાના મૃત્યુમાં ડોક્ટરની બેદરકારી હોવાનું લાગતાં પહેલા દસ લાખ માંગી ધમકી દીધી પછી પેપર કટરથી હુમલાનો પ્રયાસ કર્યોઃ ડોક્ટરે હાથ પકડી લેતાં ઇજા ન પહોંચી

રાજકોટ તા. ૧૦: નિર્મલા રોડ પર શ્રીજી હોસ્પિટલના ડોક્ટર પાસે એક શખ્સે દસ લાખની માંગણી કરી જોઇ લેવાની ધમકી દઇ બાદમાં પેપર કટરથી હુમલો કરતાં ચકચાર જાગી છે. આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે નિર્મલા કોન્વેન્ટ રોડ પર પારસ સોસાયટી-૩માં રહેતાં અને શ્રીજી હોસ્પિટલ ચલાવતાં જનરલ સર્જન ડો. રાકેશભાઇ મનહરલાલ ચોક્સી (ઉ.વ.૫૨)ની ફરિયાદ પરથી ભાવેશ વીભાભાઇ ચાવડા વિરૂધ્ધ આઇપીસી ૩૫૨, ૫૦૪, ૫૦૬ (૨), ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે.
ડો. રાકેશભાઇ ચોક્સીએ જણાવ્યું હતું કે પાંચેક મહિના પહેલા મારી શ્રીજી હોસ્પિટલમાં અમરબેન વીભાભાઇ ચાવડા નામના દર્દીને સારવાર માટે લાવવામાં આવ્યા હતાં. તેમને સારણ ગાંઠ હોઇ ઓપરેશન કરાવવાનું હતું. જેથી મેં ઓપરેશન કર્યુ હતું. બે દિવસ તેમને મારી હોસ્પિટલમાં સારવાર આપી બાદમાં રજા આપી હતી. તેઓ પોતાના ઘરે જતાં રહ્યા બાદ બીજા દિવસે દર્દીના સગા મારી પાસે આવ્યા હતાં અને દર્દીને પણ લાવ્યા હતાં. જેથી મેં તેને તાત્કાલીક સારવાર આાપી હતી. તેમને શ્વાસની તકલીફ હોઇ જેથી આઇસીયુમાં દાખલ કરવાની સલાહ આપી હતી.
આ પછી દર્દીને તેના સગા પોતાની જાતે જ એમ્બ્યુલન્સ મારફત એચ. જે. દોશી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતાં. બીજા દિવસે ત્યાં તેમનું મૃત્યુ થયું હતું. થોડા દિવસ બાદ દર્દીના દિકરા ભાવેશભાઇ ચાવડાએ મારી હોસ્પિટલે આવી રૂપિયા દસ લાખની માંગણી કરી હતી. જેથી મેં રૂપિયા આપવાની ના પાડતાં તેણે મને જોઇ લેવાની ધમકી આપી હતી. તેમજ મારા ઉપર બેદરકારી દાખવ્યાનો ખોટો આરોપ મુકી મારા ઉપર અરજી કરી હતી. જે અરજીનો મેં જવાબ પણ આપ્યો હતો. એ વખતે કોઇ ફરિયાદ કરી નહોતી.
દરમિયાન તા. ૭/૫ના રોજ સાંજે સાતેક વાગ્યે હું નિર્મલા રોડ પર મારી શ્રીજી હોસ્પિટલે હાજર હતો ત્યારે ભાવેશ ચાવડા ફરીથી આવ્યો હતો. જેથી મેં તેને તું અમરબેનનો દિકરો છો? તેમ પુછતાં જ તેણે ખિસ્સામાંથી પેપર કાપવાનું કટર કાઢી બોલાચાલી કરી હતી. મારા ઉપર ઘા કરતાં મેં હાથ પકડી લીધો હતો. બીજા દર્દીના સગા સંબંધીઓએ ભાવેશના હાથમાંથી કટર લઇ લીધુ હતું અને તેને બહાર કાઢી મુક્યો હતો. મને ઇજા થઇ નહોતી. તેના માતા મારી બેદરકારીથી મૃત્યુ પામ્યા છે તેવું માની તેણે ધમકી આપી કટરનો ઘા કર્યો હતો. તેમ વધુમાં ડોક્ટરે જણાવતાં પીઆઇ બી. ટી. અકબરીની રાહબરીમાં પીએસઆઇ યુ. આર. ભટ્ટે ગુનો નોંધતા હેડકોન્સ. કેલ્વીનભાઇ સાગરે વધુ તપાસ હાથ ધરી છે.
(2:40 PM IST)










