News of Friday, 10th May 2024
કોર્પોરેટરો - કાર્યકરો અને મતદારોનો નિરૂત્સાહ કારણ ?
વિધાનસભા કરતા લોકસભામાં ૧૨ વોર્ડમાં મતદાન ઘટયું !
ડિસેમ્બર-૨૦૨૨ની ચૂંટણીમાં વોર્ડ નં. ૧, ૨, ૪, ૫, ૬, ૭, ૧૨, ૧૩, ૧૫, ૧૬, ૧૭, ૧૮ તથા ૭ મે ૨૦૨૪ની ચૂંટણીમાં વોર્ડ નં. ૩, ૮, ૯, ૧૦, ૧૧, ૧૪ બંને પરસ્પર ચૂંટણીમાં અગ્રેસર રહ્યા : લોકસભા ચૂંટણીમાં વોર્ડ નં. ૧૧એ મેદાન માર્યું સૌથી વધુ ૬૨.૯૫ ટકા તથા સૌથી ઓછું ૫૪.૨૦ ટકા વોર્ડ નં. ૧૮માં

રાજકોટ તા. ૧૦ : લોકસભાની ચૂંટણી ગરમી વચ્ચે યોજાઇ રહી છે ત્યારે ગુજરાતમાં ૭ મે ના રોજ મતદાન યોજાયું હતું. જેમાં રાજકોટ શહેરમાં ૫૭.૯૦ ટકા મતદાન નોંધાયું હતું. ત્યારે આ તકે ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી અને આ વખતની લોકસભા બેઠકમાં વોર્ડ વાઇઝ અત્રે રજુ કરાયા છે. જેમાં ધારાસભામાં વોર્ડ નં. ૧, ૨, ૪, ૫, ૬, ૭, ૧૨, ૧૩, ૧૫, ૧૬, ૧૭ અને ૧૮માં વધુ મતદાન નોંધાયું હતું. જ્યારે ૭ મે ૨૦૨૪ના રોજ યોજાયેલ લોકસભા ચૂંટણીમાં વોર્ડ નં. ૩, ૮, ૯, ૧૦, ૧૧, ૧૪ આગળ રહ્યા હતા.
રાજકીય પક્ષોએ કાઢેલા વિસ્તાર મુજબના લોકસભા ચૂંટણીમાં નાનામવા - મોટામવાના સીમાડા તરફના વોર્ડ નં. ૧૧ માં કુલ ૮૪,૪૬૦ પૈકી ૫૩,૧૭૦ મતદારોએ મતદાન કરતા ૬૨.૯૫ ટકા જો સૌથી વધુ નોંધાયું છે. આ મતક્ષેત્રમાં વાજડી, વીરડા, મુંજકા, મોટામવા, એવરેસ્ટ પાર્ક, આંબેડકરનગર, શાષાીનગર, અર્જુન પાર્ક, મવડી ગામ આસપાસનો વિસ્તાર વગેરે સામેલ છે. વિકસીત અને હજુ વિકસતો જતો મોટો વિસ્તાર આ વોર્ડમાં આવે છે.
આ વોર્ડનો વિધાનસભા-૭૧ રાજકોટ ગ્રામ્યમાં સમાવેશ થાય છે. ડિસેમ્બર-૨૦૨૨ની ચૂંટણીમાં આ વોર્ડમાંથી ૬૧.૮૩ ટકા મતદાન નોંધાયું હતું. આમ લોકસભામાં વિધાનસભા કરતા મતદાનની ટકાવારીનો આંક વધવા પામ્યો છે. વિધાનસભામાં રાજકોટ ગ્રામ્યમાં ભાજપના ધારાસભ્ય ચૂંટાયા છે. જ્યારે ગત કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપના ચાર કોર્પોરેટર ચૂંટાયા છે.
જ્યારે લોકસભા ચૂંટણીમાં સૌથી ઓછું મતદાન શહેરના કોઠારિયા વિસ્તારમાં આવતા વોર્ડ નં. ૧૮માં ૫૪.૨૦ ટકા જેટલું જ મતદાન થયું છે. આ વોર્ડમાં કુલ ૭૧,૩૧૫ પૈકી ૩૮,૬૫૬ નાગરિકોએ રાષ્ટ્ર ધર્મ નિભાવ્યો હતો.
આ વોર્ડના બે બુથ વિધાનસભા-૬૮માં અને વિધાનસભા-૭૦માં ૧૮ બુથનો સમાવેશ થાય છે. ડિસેમ્બર-૨૦૨૨ ચૂંટણીમાં ૫૬.૫૦ ટકા મતદાન થયું છે.
વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટ દક્ષિણ-૭૦માં ભાજપના ધારાસભ્ય ચૂંટાયા હતા તેમજ ગત કોર્પોરેશનની ચૂંટણીમાં ચારે ઉમેદવાર ભાજપના જ ચૂંટાયા હતા.
૧૮મી લોકસભાની ચૂંટણી માટે રાજકોટ સહિત ગુજરાતમાં ત્રીજા તબક્કામાં તા. ૭ મેના મતદાન યોજાયું હતું. આ ચૂંટણીમાં ગુજરાત રાજ્યમાં અંદાજીત ૬૦ ટકા જેટલું મતદાન યોજાયું છે. જેમાં રાજકોટ લોકસભા બેઠકમાં સમાવેશ રાજકોટના ૧૮ વોર્ડમાં ૫૭.૯૦ ટકા મતદાન થયું છે. જ્યારે ડિસેમ્બર-૨૦૨૨ વિધાનસભા ચૂંટણીમાં રાજકોટની ચારેય વિધાનસભામાં ૫૭ થી ૬૨ ટકા વચ્ચે મતદાન નોંધાયું છે. તા. ૪ જૂનના મતગણતરી છે. વિધાનસભા ચૂંટણીમાં તાજેતરમાં યોજાયેલ ચૂંટણીના મતદાનની તુલનામાં વિધાનસભામાં ૧૨ વોર્ડમાં વધુ તથા લોકસભામાં વિધાનસભાની ચૂંટણી કરતા ૬ વોર્ડમાં વધુ મતદાન થયું છે.
આમ, આ લોકસભા મતક્ષેત્રમાં ધારણા મુજબ મતદાન થઇ ગયાનો બંને પક્ષનો દાવો છે. હવે તા. ૪ જૂનના રોજ કોના દાવા અને કોની ગણતરીમાં કેટલો દમ છે તે સાબિત થશે.

(3:58 PM IST)










