તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 14th May 2024
બેડી ચોકડી નજીક માનસિક અસ્વસ્થ સ્નેહાબેન શાહનું ટ્રકની ઠોકરે ચડતાં મોત
૭મીએ ઘરેથી નીકળી જતાં પોલીસમાં ગૂમ થયાની નોંધ કરાવાઇ હતી : બે ભાઇના એકના એક બહેન હતાં: ગાંધીગ્રામ પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૪: શહેરમાં જીવલેણ અકસ્માતની વધુ એક ઘટના બની છે. રાત્રીના સાડા દસેક વાગ્યે માધાપર ચોકડીથી મોરબી બાયપાસ બેડી ચોકડી નજીક એડીબી હોટેલ નજીકના રોડ પર ટ્રકની ઠોકરે ચડી જતાં એક મહિલાનું મૃત્યુ થયું હતું. રૈયા રોડ પર રહેતાં આ મહિલા માનસિક અસ્વસ્થ હતાં અને થોડા દિવસ પહેલા ઘરેથી નીકળી જતાં પરિવારજનોએ ગૂમ થયાની જાણ કરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ રાત્રીના બેડી ચોકડી એડીબી હોટેલથી સીટી આર્ટ દુકાન તરફના રસ્તે રોડ પર એક મહિલા રસ્તો ઓળંગતી વખતે ટ્રક નં. પીબી૦૪એબી-૬૬૮૨ની ઠોકરે ચડી જતાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત થયું હતું. બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઇ યુ. આર. ભટ્ટ સહિતે પહોંચી તપાસ કરી હતી. પંચનામુ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૂ કરતાં પોલીસને માહિતી મળી હતી કે રૈયા રોડ ડ્રીમ સીટી એપાર્ટમેન્ટ સી-ટુ બ્લોક નં. ૧૦૨માં રહેતાં સ્નેહાબેન ચીમનભાઇ શાહ (ઉ.વ.૩૬) ગત તા. ૭ના રોજ ઘરેથી નીકળી ગયા બાદ ગૂમ છે.
અકસ્માતમાં મૃત્યુ પામનાર મહિલાનું વર્ણન ગૂમ થનાર મહિલા સાથે મળતું હોઇ પોલીસે સ્વજનોને બોલાવી તપાસ કરાવતાં આ મૃતદેહ સ્નેહાબેન શાહનો જ હોવાનું સ્પષ્ટ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. સ્નેહાબેન બે ભાઇના એકના એક વચેટ બહેન હતાં. તેમને મગજની તકલીફ હોઇ દવા ચાલુ હોવાનું તેમના ભાઇએ જણાવ્યું હતું. પોલીસે તેણીના ભાઇ ભોૈતિકભાઇ ચીમનભાઇ શાહ (ઉ.વ.૩૫-રહે. ચંદન પાર્ક-૦૫ ત્રિનેત્ર એપાર્ટમેન્ટ)ની ફરિયાદ પરથી ટ્રકચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.
(11:25 AM IST)










