તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 14th May 2024
રાજકોટમાં મુંબઇવાળી નહીં થાય ને ? હોર્ડીંગ્સની પુનઃ ચકાસણી કરવા મનપાની તાકીદ
નિયમ મુજબ કેટલા હોર્ડીંગ્સ શહેરમાં છે ? મોટી દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ ? ચર્ચાનો વિષય બન્યો : ગઇકાલે વાવાઝોડામાં ૪ વૃક્ષો ધરાશાયી : બેન્ક સહીતના બે બોર્ડ ઉખડયા

રાજકોટ, તા.૧૪: મુંબઇમાં ગઇકાલે વાવાઝોડામાં મહાકાય હોર્ડીંગ બોર્ડ ધરાશાયી થતા એક ડઝનથી વધુના મોત નિપજયા છે જયારે અનેક લોકો ઘાયલ થયા છે ત્યારે રાજકોટમાં પણ ગઇકાલે ભારે પવન સાથે ૪ વૃક્ષો અને બેન્ક સહીત બે મિલ્કતના નામના બોર્ડ ધરાશાયી થવાની ઘટનાથી મનપા એકશનમાં આવ્યું છે.
મનપા દ્વારા મુંબઇવાળી ન થાય તે માટે તાબડતોબ શહેરના તમામ હોર્ડીંગ્સ બોર્ડના સ્ટ્રકચર સ્ટેબીલીટી સર્ટીફીકેટની મુદત પૂર્ણ થઇ ગઇ હોય તો નવેસરથી સર્ટીફીકેટ રજુ કરવા તાકીદ કરી દેવામાં આવી છે.
શહેરમાં હાલ ૩૩૪ ખાનગી અને ૨૧૮ મનપાની હોર્ડીંગ્સ સાઇટો આવેલી છે. જે તમામની પુનઃચકાસણી કરી લેવા પણ આદેશો આપવામાં આવ્યા છે. ઉપરાંત પ્રિ-મોનસુન પ્લાન હેઠળ એસ્ટેટ બ્રાન્ચ દ્વારા આવતીકાલથી હોર્ડીંગ્સ સાઇટોને નોટીસો પણ આપવામાં આવશેનું મનપાની સત્તાવાર માહિતીમાં જણાવાયું છે.
ઉપરાંત ગઇકાલે ફૂંકાયેલ જોરદાર પવનથી નાના મૌવા રોડ, રાષ્ટ્રીય શાળા વિસ્તાર, વર્ધમાનનગર તથા આરટીઓ પાછળ એમ કુલ ૪ જગ્યાઓએ ઝાડ પડી ગયાની ફરીયાદો મનપામાં નોંધાઇ હતી. સાથે જ બેન્ક અને અન્ય એક કોમશી
યલ પેઢીના નામના બોર્ડ પણ ઉખડી જવાની ઘટના ઘટી હતી.
મનપા દ્વારા મુંબઇની ઘટનાને ગંભીરતાથી લઇને રૂડા વિસ્તારમાં પણ રૂડા દ્વારા કામગીરી કરવામાં આવનાર છે. ત્યારે શહેરમાં નિયમ મુજબ કેટલા હોર્ડીંગ્સ છે ? અને મોટી દુર્ઘટના ઘટે તો જવાબદારી કોની ? તે ચર્ચાનો વિષય બન્યો છે.
(2:54 PM IST)










