તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 14th May 2024
સાંગણવા ચોકના ઇલેક્ટ્રીક ચીજવસ્તુના વેપારી સાથે સસ્તામાં એલઇડીના નામે રૂા. ૧.૧૦ લાખની છેતરપીંડી
જય સત્યા લાઇટીંગ સુરત-દિલ્હીના મેનેજરના નામે ફોન કરનારે છેતરી લીધાઃ એસીબી બી. બી. બસીયાની રાહબરીમાં સાયબર ક્રાઇમ પીએસઓ દીપકભાઇ પંડિતે ગુનો દાખલ કરાવ્યોઃ પીએસઆઇ જાદવ તપાસ આદરી

રાજકોટ તા. ૧૪: સાંગણવા ચોકના ઇલેક્ટ્રીક ચીજ વસ્તુના વેપારીને એક શખ્સે જય સત્યા લાઇટીંગના મેનેજરના નામે ફોન કરી સસ્તામાં એલઇડી આપવાની લાલચ દઇ તેની પાસેથી ઓનલાઇન ૧.૧૦ લાખ મેળવી લીધા બાદ માલ ન મોકલી ફોનમાં પ્રત્યુત્તર પણ ન આપી ઠગાઇ કરતાં ફરિયાદ દાખલ થઇ છે.
આ બનાવમાં સાયબર ક્રાઇમ પોલીસે રૈયા સર્કલ અમૃતા હોસ્પિટલ પાછળ શિવમ્ પાર્ક-૧માં રહેતાં અને સાંગણવા ચોકમાં ડીલાઇટ લાઇટ નામે ઇલેક્ટ્રીક ચીજવસ્તુનો વેપાર કરતાં ધવલભાઇ જયંતભાઇ નારીયાનીયા (ઉ.વ.૩૬)ની ફીરયાદ પરથી જય સત્યા લાઇટીંગના મેનેજર તરીકે ઓળખ આપનાર અમિત સિંગ તથા આઇડીએફસી બેંકના ખાતેદાર અને તેનો ઉપયોગ કરનાર તથા તપાસમાં ખુલે તેના વિરૂધ્ધ આઇપીસી ૪૦૬, ૪૨૦ મુજબ રૂા. ૧,૧૦,૦૦૦ની ઠગાઇનો ગુનો દાખલ કર્યો છે.
ધવલભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે આજથી આઠેક મહિના પહેલા મને એક મોબાઇલ નંબર પરથી ફોન આવ્યો હતો અને તેણે પોતે જય સત્યા લાઇટીંગ મેન્યુફેક્ચરીંગ યુનિટ સુરત તથા દિલ્હી ખાતે આવેલ છે તેના મેનજર બોલે છે તેમ કહી વાત કરી હતી. એ પછી એવું કહેલું કે તમારે એલઇડી લાઇટનો માલ મંગાવવો હોય તો અમે સસ્તા ભાવે આપીએ છીએ તેમ કહી બાદમાં અવાર-નવાર ફોનમાં અને વ્હોટ્સએપમાં મસેજ કરી વાતો કરી હતી. આ પછી મેં તેને ૫૦૦ નંગ એલઇડીનો જથ્થો મંગાવવા ઓર્ડર આપ્યો હતો.
જય સત્યા લાઇટના મેનેજરની ઓળખ આપનારે પોતાનું નામ અમિત સિંગ જણાવ્યુ઼ હતું. તેણે એક એલઇડીના રૂા. ૩૩૫ લેખે રૂા. ૧,૬૭,૫૦૦ અને જીએસટીના ૩૦૧૫૦ ગણી કુલ રૂા. ૧,૯૭,૬૫૦નું જય સત્યા લાઇટીંગ કંપનીનું જીએસટીવાળુ બીલ મને મોકલ્યુ઼ હતું. તેણે કહેલું કે માલ માટે તમારે એડવાન્સ પેમેન્ટ કરવું પડશે. આથી મેં મારા નાગરિક બેંકના ખાતામાંથી જય સત્યા લાઇટીંગના આઇડીએફસી બેંકના ખાતામાં રૂા. ૨૦ હજાર ટ્રાનસફર કર્યા હતાં. બાદમાં બીજા ૯૦ હજાર મળી કુલ રૂા. ૧.૧૦ લાખ મોકલ્યા હતાં.
પરંતુ ત્યારબાદ જે નંબર પરથી ફોન આવતાં હતાં તેમાં વારંવાર ફોન કરવા છતાં કોઇ પ્રત્યુતર અપાતો નહોતો. જેથી છેતરપીંડી થયાની ખબર પડતાં સીઆઇડી ક્રાઇમના હેલ્પલાઇન નં. ૧૯૩૦માં કોલ કરી નોંધ કરાવ્યા બાદ હવે ફરિયાદ કરી છે. એસીપી બી. બી. બસીયાની રાહબરીમાં શિવભદ્રસિંહ જાડેજાએ ફરિયાદ નોંધ્યા બાદ પીએસઓ દિપકભાઇ પંડીતે ગુનો દાખલ કરાવ્યો છે. આગળની તપાસ પીએસઆઇ કે. પી. જાદવે હાથ ધરી છે.
(3:10 PM IST)










