<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

ઇન્‍ડીગોની ફલાઇટ મુંબઇથી નહી આવતા મુંબઇ-રાજકોટ બંને સ્‍થળે ર૦૦ મુસાફરો રઝળ્‍યાઃ દેકારો મચી ગયો

ગઇકાલે સાંજે ૭.૪પ વાગ્‍યે મુંબઇથી આવતી ફલાઇટ છેવટે કેન્‍સલ થતા વિદેશ જતા રપ મુસાફરો સલવાયા

રાજકોટ, તા., ૧૪:  ઇન્‍ડીગોની ફલાઇટ ગઇકાલે સાંજે મુંબઇથી રાજકોટ હિરાસર એરપોર્ટ પર નહી આવતા ર૦૦ થી વધુ મુસાફરો મુંબઇ અને રાજકોટ બંને સ્‍થળે રઝળી પડયા હતા. મુસાફરોમાં ભારે દેકારો મચી ગયો હતો.

મળતી વિગતો મુજબ ગઇકાલે સાંજે મુંબઇમાં ખરાબ હવામાનને કારણે રાજકોટ આવતી ઇન્‍ડીગોની ફલાઇટ સાંજે ૭.૪પ ને બદલે રાત્રે ૧૦ સુધી આવી ન હતી અને બાદમાં કેન્‍સલ કરી દેવાતા રાજકોટ હિરાસર એરપોર્ટ પર મુસાફરોએ ઇન્‍ડીગોના અધિકારીઓ સાથે ભારે માથાકુટ સર્જી હતી.

રાજકોટથી લગભગ ૧૦૦ થી વધુ મુસાફરો જનાર હતા. સાંજે ૬ વાગ્‍યાથી મુસાફરો એરપોર્ટ પર ફલાઇટની રાહ જોતા હતા. પરંતુ એરલાઇન્‍સના સંચાલકોએ ફલાઇટ એક કલાક મોડી અને ત્‍યાર બાદ ૯ાા-૧૦.૩૦ અને રાત્રે ૧ર વાગ્‍યાનો સમય આપ્‍યો હતો. પરીણામે મુસાફરો ઉકળી ઉઠયા હતા. એરપોર્ટ ઉપર જ હડતાલ પર ઉતરી જવાની ચીમકી આપી હતી.

આ ફલાઇટમાં ર૦ થી રપ મુસાફરોનો મલેશીયા-સિંગાપુર જનાર હતા. પરંતુ ફલાઇટ નહી આવતા રઝળી પડયા હતા. એક આખા પરીવારને રાજકોટથી મુંબઇ તથા મુંબઇથી ગોવાની ફલાઇટની કનેકટીવીટી હતી. તે પણ પરીવાર રઝળી પડયો હતો. ઇન્‍ડીગોના અધિકારીઓ ફલાઇટમાં ટેકનીકલ ખામીનું બહાનુ આપતા હતા. પરંતુ ખરાબ હવામાન-ધૂળની ડમરીઓ-વરસાદને કારણે અનેક ફલાઇટો ડાઇવર્ટ થઇ હતી, અનેક કેન્‍સલ થઇ હતી.

રાત્રે ૧ર વાગ્‍યા સુધી મુસાફરોને જમવાનું, મુંબઇસુધી પહોંચવા માટે અન્‍ય કોઇ વ્‍યવસ્‍થા નહી કરાયાનું બહાર આવ્‍યું હતું. એરલાઇન્‍સના અધિકારીઓને રીફન્‍ડ લઇ એરપોર્ટ બહાર નીકળી જવા અંગે કહી દેતા મુસાફરોમાં પ્રચંડ રોષ ફાટી નિકળ્‍યો હતો. મુસાફરોએ ભુખ હડતાલની ચીમકી આપી હતી. બાદમાં અમુક મુસાફરોએ રીફંડ લીધુ હતું. તો અમુકને આજે મોકલાયા હતા.

દરમિયાન ઇન્‍ડીગોના અધિકારીઓનો સંપર્ક કરતા કોઇ સંપર્ક થઇ શકયો ન હતો. કોઇ ફોન પણ ઉપાડતા ન હોય વધુ જાણકારી પ્રાપ્‍ય બની ન હતી

(4:07 PM IST)