તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 14th May 2024
તોફાની વરસાદે પરચો બતાવ્યો : ૧૨૦૦ ગામોમાં વીજ પૂરવઠો
ઠપ્પ : ખેતીવાડીના ૬૨૭ ફીડર બંધ : આખી રાત રીપેર કામગીરી રાજકોટમાં ભારે પવને ૧૨ ફીડરોમાં ટ્રીપીંગ લાવી દેતા હજારો ઘરોમાં અંધારપટ છવાઇ ગયો

રાજકોટ તા. ૧૪ : ગઈકાલે સૌરાષ્ટ્રમાં કરા અને તોફાની વરસાદ સાથે આવેલ મીની વાવાઝોડાને કારણે પીજીવીસીએલ હેઠળના કુલ ૧૨૦૫ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયેલ. જેમાંથી ૧૧૯૭ ગામોમાં પીજીવીસીએલની ટેકનીકલ ટીમો દ્વારા તાત્કાલિક ધોરણે વીજ પુરવઠો પૂર્વરત કરી નખાયાનું અધિકારી સૂત્રોએ ઉમેર્યું હતું. હાલ ૮ ગામોમાં વીજ પુરવઠો બાકી હોય તેને શરૂ કરવાની કામગીરી ચાલી રહી છે. જે આજે સાંજ સુધીમાં વીજ પુરવઠો કાયમ થઇ જનાર છે. જયારે કુલ ૬૩૨ બંધ ફીડરમાંથી જયોતિગ્રામ યોજનાના ૫ ફીડર અને ખેતીવાડીના ૬૨૭ ફીડર બંધ છે જેને રીસ્ટોર કરવા માટે કામગીરી ચાલી રહી છે. રાજકોટમાં અતિ ભારે પવન અને વરસાદનાં કારણે એચ. ટી. ૧ સબ ડિવિઝન હેઠળ નવદુર્ગા, સીતારામ, ભક્તિનગર, સહકાર અને નવાગામ ફીડર, એચ.ટી. ૨ સબ ડિવિઝન હેઠળ SRP અને ગુરુકુળ ફીડર જયારે એચ.ટી. ૩ સબ ડિવિઝન હેઠળ વૃંદાવન, સોમેશ્વર, કસ્તુરી અને શાંતિવન ફીડર ટ્રીપ થયેલ, હજારો ઘરોમાં લાઇટો ગૂલ થઇ ગઇ હતી.
તોફાની પવનને કારણે ૯૯ થાંભલાને ભારે નુકસાન થયું હતું, તેમાંથી બોટાદ પંથકમાં ૫૩ તો મોરબી પંથકમાં ૨૦ થાંભલા ડેમેજ થયા હતા, જ્યારે બોટાદ ક્ષેત્રમાં ૩ ટ્રાન્સફોર્મરમાં ધડાકા થતા તે બદલાવવા કાર્યવાહી ચાલુ છે.
(4:09 PM IST)










