તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 14th May 2024
કિરૂડી અને જીઆરડી રાહુલ પૈસા પડાવતાં એ કારણે અજય મરવા મજબૂર થયો'તોઃ ગુનો નોંધાયો
હું એને કેટલાક પૈસા દઉં, મારો પગાર પડાવી લેતાં હતાં...બીજા વિડીયોમાં અજયએ વ્યથા ઠાલવી હતી : પીએસઆઇ કે. એ. ગોહિલે અજયના બીજા વિડીયોને આધારે તેના પિતા માવજીભાઇની ફરિયાદ નોંધીઃ પૈસા બંને કયા આધારે પડાવતાં હતાં? કેટલા પડાવ્યા? તે સહિતની તપાસ

રાજકોટ તા. ૧૦: ‘મમ્મી હું બાલાજીના પૂલે છું અને હું મરી જાઉ છું, મારા મરવાનું કારણ કિરૂડી અને રાહુલીયો બે જ છે, બીજા કોઇ નિર્દોષ હેરાન ન થાય. મારી પાછળ કોઇ રોતા નહિ, હું બહુ રોયો છું મા, મેં બધાયનું રોઇ લીધુ છે, મને માફ કરી દેજો બને તો'....આ પ્રકારનો મોબાઇલ ફોનમાં વિડીયો બનાવ્યા બાદ મેટોડા જીઆઇડીસી ગેઇટ નંબર-૧માં જીજ્ઞેશ પાર્કમાં અને કારખાનામાં મજૂરી કરતાં અજય માવજીભાઇ ખાંભલા (ઉ.વ.૨૨) નામના યુવાને ગત તા. ૯/૫ના રોજ મેટોડાના વાગુદડ ગામની નદીમાં પડતું મુકી આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. અજયને મેટોડાની કિર્તી નામની યુવતિ અને રૈયાધારમાં રહેતાં જઆરડી રાહુલે હનીટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવતાં આ પગલુ ભર્યાનો આક્ષેપ થયો હતો. દરમિયાન આ બનાવમાં પોલીસે મેટોડામાં રહેતી કિર્તી ઉર્ફ કીરૂડી દાનાભાઇ પરમાર અને જીઆરડી રૈયાધારના રાહુલ બગડા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
પોલીસે આપઘાત કરનાર અજયના પિતા માવજીભાઇ નથુભાઇ ખાંભુ (ઉ.વ.૫૦-રહે. મેટોડા)ની ફરિયાદ પરથી કિર્તી ઉર્ફ કિરૂડી અને રાહુલ બગડા વિરૂધ્ધ આઇપીસી ૩૦૬, ૩૮૬, ૧૧૪ મુજબ અજયને હેરાન કરી ત્રાસ આપી બળજબરીથી પૈસા કઢાવી મરી જવા મજબૂર કર્યાનો ગુનો નોંધી બંનેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. માવજીભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે મારે બે દિકરા અને બે દિકરી છે. જેમાં અજય નાનો હતો. તા. ૯મીએ તે ટીફીન લઇ ઘરેથી કામે જવા નીકળ્યા બાદ બપોરે પોણા બે વાગ્યે તેનો એક વિડીયો જે તેણે વ્હોટ્સએપ સ્ટેટસમાં રાખ્યો હતો તે મને મારા મોટા ભાઇની દિકરીએ બતાવ્યો હતો. જેમાં અજય આપઘાત કરી રહ્યો હોવાની અને આ માટે કિરૂડી તથા રાહુલીયો બે જ જવાબદાર હોવાનું બોલતો હતો.
અંતિમવિધી બાદ અજયનો મોબાઇલ ચેક કરતાં તેમાં અન્ય એક વિડીયો પણ હતો. જેમાં અજય કહેતો હતો કે-કેટલાક પૈસા દઉ મમ્મી, તમને દઉ, ઘરે દઉ, હું પૈસા નહિ દઉ એટલે એ મને આ રીતના દબાવ્યા જ રાખશે. મારો પગાર દર વખતે ખોવાઇ નહોતો જતો, ઇ અને રાહુલીયો દબાવી દબાવીને પડાવી લેતા હતાં. એટલે મા આજે હું મરી જ જઇશ. તમારા જેવા મા-બાપને મુકીને હું જાવ છું. હરવખતે ઇ બેય મને આ રીતે દબાવે છે, પૈસા ન દઉ કે એનું કહ્યું ન કરું તો મને દબાવે...આ વિડીયોને આધારે હવે કીરૂડી ઉર્ફ કિર્તી અને રાહુલ બગડા વિરૂધ્ધ પીએસઆઇ કે. એ. ગોહિલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
(4:07 PM IST)










