તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 14th May 2024
શહેરમાં જીવલેણ અકસ્માતોનું પ્રમાણ ઘટયું: ગયા વર્ષ કરતાં ૨૪ અકસ્માત ઓછા થયા
વાહન ચાલકો નિયમોનું પાલન કરે તે માટે અલગ અલગ ડ્રાઇવનું સતત આયોજનઃ એક એપ્રિલથી બારમી મે સુધી ટ્રાફિક નિયમનના ૩૪૫૪૦ કેસ થયાઃ ડીસીપી પૂજા યાદવ, એસીપી જે. બી. ગઢવીની રાહબરીમાં પીઆઇ બી. પી. રજયા, પીઆઇ એમ. જી. વસાવા, ૮ પીએસઆઇની ટીમોની કામગીરી

રાજકોટ તા. ૧૪: શહેરમાં જીવલેણ માર્ગ અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયાનું ટ્રાફિક બ્રાંચે આંકડાકીય વિગતો સાથે જાહેર કર્યુ છે. ટ્રાફિક નિયમનના અભાવે અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે શહેર પોલીસની વિશેષ ડ્રાઈવથી તા.૧-૪-૨૪થી તા. ૧૨-૫-૨૪ સુધીમાં ગત વર્ષની સરખામણીએ જીવલેણ અકસ્માતમાં ૨૪ બનાવોનો ઘટાડો નોંધાયો છે. તેમજ ટ્રફિક પોલીસે અન્ય કામગીરીમાં નિયમ ભંગના ૩૪,૫૩૦ કેસો અને માતેલા સાંઢની માફક દોડતા ૯૫ હેવી વાહનો પણ ડીટેઈન કરવામાં આવ્યા છે.
રાજકોટમાં જીવલેણ અકસ્માતોના વધતા બનાવો ઉપર અંકુશ લાવવા શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જેસીપી વિધી ચોૈધરીની સુચના અને માર્ગદર્શન હેઠળ ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ યોજવામાં આવે છે.
રોજબરોજ આ રીતે અલગ અલગ પોઇન્ટ પર વાહન ચેકીંગ કરવામાં આવે છે. આ અંતર્ગત ગત ૧ એપ્રિલથી ૧૨મી મે સુધીની ડ્રાઈવમાં ટ્રાફિક નિયમન ભંગના ૩૪,૫૩૦ કેસો કરવામાં આવ્યા છે જે ગત વર્ષની સરખામણીએ ૧૧,૩૬૦ વધુ કેસો હોવાનું ટ્રાફિક બ્રાંચના અધિકારીઓ જણાવે છે. જાન્યુઆરીથી મે દરમિયાન ૯૫ જેટલા હેવી વાહનો ડીટેઈન કરવામાં આવ્યા છે. જેમાં ગેરકાયદે ખનીજની હેરફેર કરતા ૧૬ વાહનોનો પણ સમાવેશ થાય છે. ૨૦૨૩માં પાંચ માસમાં ૭૪ વાહન ડીટેઈન કરવામાં આવ્યા હતા. જેની સરખામણીએ૨૧ વધુ વાહનો ડીટેઈન કર્યા છે. આ ઉપરાંત ૨૦૨૩માં એપ્રિલ તથા મેં માસમાં ૨૬ ફેટલના બનાવો બન્યા હતા જે આ વર્ષે એપ્રિલ મે મહિનામાં માત્ર બે બનાવો નોંધાયા છે.
આ વિશેષ ડ્રાઈવમાં ટ્રાફિક ડીસીપી પૂજા યાદવના માર્ગદર્શન મુજબ એસીપી જે. બી. ગઢવીની રાહબરીમાં પીઆઇ બી. પી. રજયા, પીઆઇ એમ. જી. વસાવા, ટ્રાફિક શાખાના ૮ પીએસઆઈ સહીતની ટીમો કામગીરી કરે છે. ટ્રાફિક કન્ટ્રોલ દ્વારા સીસીટીવી કેમેરા અને લાઇવ લોકેશનને અધાારે ટ્રાફિક શાખાના તમામ પોલીસ કર્મચારીઓનું યોગ્ય મોનીટરીંગ કરવામાં આવે છે. આગામી સમયમાં પણ શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં વિવિધ ડ્રાઇવની કામગીરી યથાવત રાખવામાં આવશે. તેમ જણાવાયું છે
(4:10 PM IST)










