તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 14th May 2024
રત્નાબાપાએ તત્કાલીન સરકાર સામે સત્યાગ્રહ કરી ખેડૂતો પર લાદેલ કર નાબૂદ કરાવ્યો હતો
સત્ય અને મૂલ્ય નિષ્ઠાના ભેખધારી રત્નાબાપાને શ્રધ્ધાંજલી અર્પતા રાજુભાઇ ધ્રુવ

રાજકોટ, તા. ૧૪ : સૌરાષ્ટ્રની ધરા પરથી શતાયુ ઉમર પાર કરી ચૂકેલા પ્રખર રાષ્ટ્રવાદી મૂલ્યનિષ્ઠ રાજનીતિજ્ઞ, વયોવળદ્ધ ભાજપ અગ્રણી,ખેડૂતોના મસિહા પૂર્વ ધારાસભ્ય એવા રત્નાભાઇ મનજીભાઈ ઠુંમરનું ૧૦૪ વર્ષની ઉંમરે દેહાવસાન થતાં ભારતિય જનતા પાર્ટીના અગ્રણી રાજુભાઈ ધ્રુવે ભાવાંજલિ અર્પણ કરતાં જણાવ્યુ હતું કે સૌરાષ્ટ્ર પ્રદેશે એક સનિષ્ઠ સત્યવાદી રાજનેતાની છત્રછાયા ગુમાવી છે,
અત્રે ઉલ્લેખનીય છે કે સોરઠ-સૌરાષ્ટ્ર પ્રદેશમાં વસવાટ કરતા મૂલ્ય નિષ્ઠ રાજનીતિજ્ઞોમાં પૈકી ના જૂની પેઢી ના આગેવાનો માંહે ના એક એવા શ્રી રત્નાબાપાએ લોકકલ્યાણ અર્થે જીવન પર્યંત સેવા ની ધૂણી ધખાવી હતી. હતી, સૌરાષ્ટ્ર ખેડૂત સમાજ નાં હૃદય સમ્રાટ રત્ના બાપા ઠુમરે સોરઠમાં ખેડૂતો પર અગાઉની સરકારોએ લાદેલી લેવી પ્રથા એટલે કે લેવીકરને નાબૂદ કરવા માટે લોકલડત ને અંજામ આપ્યો હતો અને ખેડુતો પર લડાયેલ લેવિકર નાબૂદ કરાવ્યો હતો. આવી જ ઍક લડત ઘરખેડ કાનૂન અંતર્ગત ઢેબરભાઈ ની સરકારના સમયે ખેડે તેની જમીન કાનૂનનો સખ્તાઈ થી અમલ કરાવી હજારો ખેડૂતોને ખાતેદાર બનાવ્યા એ રત્નાભાઇ ઠુંમર નું જમાપાસું રહ્યું છે.
પ્રખર રાષ્ટ્રવાદી, સત્યનિષ્ઠ રત્નાભાઇ ઠુંમર પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી ના પ્રીતિપાત્ર અંગત વર્તુળ પૈકીના વ્યક્તિ વિશેષ રહ્યા છે. રત્નાભાઇ ઠુમરે સરકારની તિજોરીમાંથી કયારેય એક પણ પૈસાનો ભથ્થાનો સ્વીકાર કર્યો નથી,ધારાસભ્ય પદે પોતાના કાર્યકાળ દરમિયાન તેઓએ સામાન્ય એસટી બસમાં જ ગાંધીનગર ખાતે જવા આવવાની નેમ રાખી હતી. આ જ રીતે રત્નાભાઇએ પોતાના માતળશ્રી જીવીબા ના સ્મરણ અર્થે પોતાની પાસે એક અલગ આવકનો સોર્સ જાળવાઈ રહે તે માટે જમીન રાખી તેમાંથી ઉત્પાદિત ખેત ઉત્પાદનમાંથી થતી આવક ગામની વિધવા ત્યકતા બહેનોના કલ્યાણ અર્થે, ગરીબ બાળકોના શિક્ષણ અર્થે, ગામની ગૌશાળા ના દાન માટે, અને જરૂરીયાત મંદ પરિવારોને અન્ન વિતરણ થઈ શકે તે દિશામાં સત્કાર્ય કરતા રહ્યા છે. જ્યારે કોરોના ના મહા ભયંકર કપરા સમયે તેઓએ પ્રધાનમંત્રીની હાકલને સાંભળીને કોરોના કાળે પ્રધાનમંત્રીના ફંડમાં પોતાના અલ્પ જીવન સર્વસ્વ માંથી એકાવન હજાર રૂપિયાની નિધિ અર્પણ કરી હતી. ભગવાન શ્રીરામના નીજ મંદિર ના નિર્માણ અર્થે ૨૫૦૦૦ રૂપિયાનું અનુદાન જોડયુ હતું.તો સૈનિક વેલ્ફેર કલ્યાણ ફંડમાં દિવંગત સૈનિકોના સ્મરણાર્થે પોતે ૫૧૦૦૦ની નિધિ લખાવીને સત્કાર્યમાં પોતાનો હિસ્સો જોડયો હતો.
જીવનની છેલ્લી પળો દરમ્યાન તેમનાં શબ્દો હતા દેશનું ભલું થાય તેવા કાર્યો કરજો, રાષ્ટ્ર હિત હૈયે રાખજો, આવી વાત કરી જીવન લીલા સંકેલી હતી, તેમના ચીરકાલીન કાર્યો આ સમાજને નવો રાહ ચિંધતા રહેશે અને તેમના પથ પર ચાલવા આજના યુવાનોને નવી પ્રેરણા મળતી રહેશે. ભગવાન દિવંગત રત્નબાપા ઠુંમરના આત્માને ચિર ગતી પ્રદાન કરે એવી પ્રાર્થના કરી રાજુભાઈ ધ્રુવે દિવંગત રત્ના બાપા નાં દિવ્ય આત્માને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
(3:39 PM IST)










