<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

કુલપતિ પ્રો. (ડો.) ચેતન ત્રિવેદી અને ડો. પરાગ દેવાણીને રાષ્‍ટ્રીય કક્ષાનો એવોર્ડ

ભક્‍તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનું ગૌરવ આસમાને : એક સાથે બબ્‍બે એવોર્ડ : શિક્ષણ ક્ષેત્રે અને સમાજસેવા ક્ષેત્રે વિશિષ્‍ટ અને અપ્રતિમ યોગદાન બદલ કુલપતિની ‘લાઇફટાઇમ એચીવમેન્‍ટ એવોર્ડ' તથા સમાજશાષા ભવનના પ્રાધ્‍યાપકની ‘યંગ એકસલેન્‍સ એવોર્ડ' માટે ગૌરવવંતી પસંદગી : શુભેચ્‍છા વર્ષા

રાજકોટ તા. ૧૬ : ગુજરાત વિધાનસભાના કાયદા મુજબ સ્‍થાપિત થયાના માત્ર સાત વર્ષ જેટલા ખુબ ટૂંકાગાળામાં યુ.જી.સી. ન્‍યુ દિલ્‍હી દ્વારા ૧૨-બી સ્‍ટેટ્‍સ મેળવીને સમગ્ર ભારતમાં શિક્ષણ ક્ષેત્રે આગવું સ્‍થાન મેળવનાર ભક્‍તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢને ૨૦૨૩ ના વર્ષ માટે રાષ્ટ્રીયકક્ષાના એક સાથે બે એવોર્ડ પ્રાપ્ત થયા છે. ઓબ્‍ઝર્વર પીસ ફાઉન્‍ડેશન, વારાણસી (ઉતરપ્રદેશ) દ્વારા ઈ.સ.૨૦૦૦-૨૦૦૧ થી સમાજસેવા અને શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ અને અપ્રતિમ યોગદાન બદલ વિવિધ કક્ષામાં એવોર્ડ આપવામાં આવે છે.

જે અંતર્ગત ભક્‍તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢના કુલપતિશ્રી પ્રો.(ડો.)ચેતનભાઈ ત્રિવેદીની ‘ઓબ્‍ઝર્વર લાઈફ ટાઈમ એચીવમેન્‍ટ એવોર્ડ-૨૦૨૩' તથા ભક્‍તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સમાજશાષા ભવનના પ્રાધ્‍યાપક ડો.પરાગ દેવાણીની ‘ઓબ્‍ઝર્વર યંગ એક્‍સલેન્‍સ અવોર્ડ-૨૦૨૩' માટે ગૌરવવંતી પસંદગી કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કુલપતિશ્રી પ્રો.(ડો.)ચેતનભાઈ ત્રિવેદીના સફળ નેતૃત્‍વ હેઠળ યુનિવર્સિટી દ્વારા શિક્ષણલક્ષી, વિધાર્થીલક્ષી, સમાજલક્ષી, સંસ્‍કારલક્ષી, રોજગારલક્ષી સહિતના કાર્યો સતત થઇ રહ્યા છે. નરસિંહ મહેતા આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્‍દ્ર, સેન્‍ટર ઓફ એક્‍સલેન્‍સ ફોર વાઈલ્‍ડ લાઈફ સ્‍ટડીઝ, પરીક્ષા શુદ્ધિકરણ તથા પરીક્ષા પૂર્ણ થયાના માત્ર ત્રણ જ દિવસમાં તટસ્‍થ પરિણામ, રોજગારલક્ષી સ્‍કીલ બેઈઝડ કુલ ૨૮ જેટલા કોર્ષીસ, ઓનલાઈન પીએચ.ડી. કોર્ષવર્ક, યુનિવર્સિટીનાં ૧ લાખ વિદ્યાર્થીઓનું કુલપતિ ડેશબોર્ડ સાથે સીધું જોડાણ, એન.એસ.એસ., સ્‍પોર્ટ્‍સ તથા સાંસ્‍કૃતિક વિભાગ અંતર્ગત વિદ્યાર્થીઓની રાજય તથા રાષ્ટ્રીય કક્ષાએ સિધ્‍ધિ, બહેનો માટે  સેલ્‍ફ ડીફેન્‍સની તાલીમ, એસ.એસ.આઈ.પી. અંતર્ગત આત્‍મનિર્ભરતાની તાલીમ તથા પેટન્‍ટ, ગિરનારના જંગલમાંથી દુર્લભ વનસ્‍પતિ તથા કરોળીયાની શોધ વિગેરેને કારણે ભક્‍તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીએ એક નવી ઉંચાઈ પ્રાપ્ત કરી છે.

કુલપતિ પ્રો.(ડો.) ચેતનભાઇ ત્રિવેદી (મો. ૯૭૨૫૨ ૫૧૪૨૪)એ યુજીસીની નેક કમિટિના સક્રિય મેમ્‍બર તરીકે ભારતની ઘણી બધી કોલેજો - યુનિવર્સિટીઓના મૂલ્‍યાંકનમાં પણ અગત્‍યનો ભાગ ભજવ્‍યો છે. ઉપરાંત અન્‍ય યુનિવર્સિટીઓના કુલપતિ નિયુકિતની સર્ચ કમિટિમાં પણ મહત્‍વનું યોગદાન આપ્‍યું છે. નેશનલ - ઇન્‍ટરનેશનલ કોન્‍ફરન્‍સમાં તેઓએ ચેરપર્સન તરીકે પણ ફરજ બજાવી છે.

યુનિવર્સિટીમાં શરૂઆતથી જ સમાજશાષા ભવનમાં પ્રથમ પ્રાધ્‍યાપક તરીકે ફરજ બજાવનાર ડો.પરાગ દેવાણી (૯૮૨૪૪ ૫૧૫૪૧) જુલાઈ ૨૦૧૭થી એન.એસ.એસ. કોઓર્ડીનેટર તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે. કોરોનાકાળ દરમ્‍યાન યુનિવર્સિટીના એન.એસ.એસ. સેલ દ્વારા થયેલ ઉત્‍કૃષ્ટ  કામગીરી બદલ રાજયકક્ષાના તથા રાષ્ટ્રીયકક્ષાના સન્‍માન ડો.પરાગ દેવાણીએ મેળવેલ છે. સુપ્રસિધ્‍ધ દૈનિક ‘અકિલા'ના માનદ્‌ કોલમીસ્‍ટ, કેરિયર કાઉન્‍સેલર તથા એક સંશોધક તરીકે પણ ડો.પરાગ દેવાણી સફળતાપૂર્વક કાર્ય કરી રહ્યા છે. ભારત સરકારના નીતિ આયોગ દ્વારા સંચાલિત ‘અટલ ઇનોવેશન મિશન' અંતર્ગત ‘ઉન્‍નતિ જોબ પોર્ટલ' સંદર્ભે પણ સૌરાષ્ટ્રમાંથી ઓથોરાઇઝડ ટ્રાન્‍સલેટર તરીકે એક માત્ર ડો.પરાગ દેવાણીની પસંદગી કરવામાં આવી હતી.

અગ્રણી સામાજીક - સેવાકીય સંસ્‍થાઓમાં હોદ્દેદાર તરીકે ફરજ બજાવી રહેલ ડો. પરાગ દેવાણીએ ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢના બોર્ડ ઓફ ગવર્નર્સ તથા એકેડેમિક કાઉન્‍સિલના સભ્‍ય તરીકે પણ સફળતાપૂર્વક ફરજ બજાવી છે. ઉપરાંત યુનિવર્સિટીના નિયમન - નિયંત્રણ હેઠળ આવતા ચાર જીલ્લામાં ‘મતદાન જાગૃતિ અભિયાન' અંતર્ગત પણ મહત્‍વની ફરજ બજાવેલ છે.

(10:18 AM IST)