News of Thursday, 16th May 2024
જાગનાથ પ્લોટમાં પીજીમાં રહેતી જુનાગઢના કેરાળાની યુવતિનો એસ્ટ્રોન ચોક પાસે નાલામાં લટકી આપઘાત
સ્પર્ધાત્મક પરિક્ષામાં નિષ્ફળતા અને પરિવારની જવાબદારીની ચિંતા, આર્થિક ભીંસને કારણે પગલુ ભર્યાની શક્યતા ૨૮ વર્ષની નીતા સોલંકી કેટલાક મહિનાથી રાજકોટ નાની બહેન તથા બીજી છોકરીઓ સાથે રહેતી હતી અને મોબાઇલના શો રૂમમાં નોકરી કરતી હતીઃ વહેલી સવારે નીતા રૂમમાં ન દેખાતાં શોધખોળ શરૂ થઇઃ દરમિયાન નજીકમાં વોર્ડ ઓફિસના નાલા પાસે લટકતી હાલતમાં મળી

તસ્વીરમાં જ્યાં ઘટના બની તે સ્થળે યુવતિનો લટકતો નિષ્પ્રાણ દેહ, તેનો ફાઇલ ફોટો અને ઘટના સ્થળ જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)
રાજકોટ તા. ૧૬: શહેરના ન્યુ જાગનાથ પ્લોટમાં પીજીમાં રહેતી જુનાગઢના કેરાળા ગામની ૨૮ વર્ષની યુવતિએ રાતે અથવા વહેલી સવારે રૂમમાંથી નીકળી જઇ નજીકમાં એસ્ટ્રોન ચોકના બગીચા નજીકના વોર્ડ ઓફિસના નાલામાં જઇ ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. પિતા હયાત ન હોઇ અને ભાઇ પથારીવશ હોઇ તેમજ બીજી ત્રણ બહેનની પણ પોતાના પર જવાબદારી હોઇ આ ઉપરાંત પોતે સ્પર્ધાત્મક પરિક્ષામાં સફળ થતી ન હોઇ આ તમામ ચિંતાઓ અને આર્થિક ભીંસને કારણે પગલુ ભર્યાની શક્યતા સામે આવી હતી.
જાણવા મળ્યા મુજબ ન્યુ જાગનાથ પ્લોટ-૨૫માં રૂમ રાખી પેઇંગ ગેસ્ટ તરીકે રહેતી જુનાગઢના કેરાળા ગામની નીતાબેન કાળુભાઇ સોલંકી (ઉ.વ.૨૮) વહેલી સવારે રૂમમાં જોવા ન મળતાં તેની સાથે જ રહેતી નાની બહેન અને બીજી છોકરીઓએ તપાસ શરૂ કરી હતી. એ દરમિયાન નજીકમાં એસ્ટ્રોન ચોકના બગીચા નજીક વોર્ડ ઓફિસ પાસેના નાલામાં એક યુવતિ લટકી ગઇ હોવાની જાણ થતાં રૂમ પાર્ટનર યુવતિઓ અને નાની બહેન સહિતના દોડી જતાં આ મૃતદેહ નીતાબેનનો જ હોઇ દ્રશ્ય જોઇ સોૈ હેબતાઇ ગઇ હતી. ૧૦૮ના ઇએમટીએ તેણીને મૃત જાહેર કરી પોલીસને જાણ કરતાં એ-ડિવીઝનના હેડકોન્સ. લાભુભાઇ જતાપરા સહિતે પહોંચી કાર્યવાહી કરી હતી.
પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર નીતાબેન ચાર બહેન અને એક ભાઇમાં મોટી હતી. તેણીના પિતા હયાત નથી અને ભાઇ પથારીવશ છે. નીતાબેન પર પરિવારની જવાબદારી હોઇ તે રાજકોટ પીજીમાં રહી મોબાઇલના શો રૂમમાં નોકરી કરતી હતી. સાથે સાથે સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી પણ કરતી હતી. જો કે પરિક્ષામાં તે સતત નાપાસ થઇ રહી હતી. આ કારણે ચિંતામાં રહેતી હતી. બીજી તરફ આર્થિક સંકડામણ પણ હોઇ અને બહેનો, માતા, ભાઇ સહિતના પરિવારની જવાબદારી પણ તેના પર હોઇ ચિંતાને કારણે તેણીએ આ પગલુ ભરી લીધાની શક્યતા હાલ જણાવાઇ હતી. તેણીના માતા સહિતના સ્વજનોના નિવેદન પણ પોલીસ નોંધશે. આ બનાવથી અરેરાટી વ્યાપી ગઇ હતી. પોલીસની તપાસમાં ખુલ્યા મુજબ રાતે દસેક વાગ્યે તેણી રૂમેથી નીકળી ગયા બાદ આ પગલુ ભરી લીધુ હતું.
(11:17 AM IST)










