<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

રૂપાલા જીતીને ફરી મંત્રી બને તો ૧૯૭૧ પછી રાજકોટને પ્રથમવાર કેન્‍દ્રીય કેબીનેટ મંત્રી પદ

ઇંદિરા ગાંધીની સરકારમાં ઘનશ્‍યામભાઇ ઓઝા કેબીનેટ મંત્રી હતા : અટલજીની સરકારમાં ડો.કથીરિયા અને નરેન્‍દ્રભાઇની સરકારમાં મોહનભાઇ રાજ્‍યકક્ષાના મંત્રી હતાઃ ભાજપના શાસનમાં રાજકોટને પ્રથમ વખત કેબીનેટ મંત્રી પદની તક

રાજકોટ,તા. ૧૬:  લોકસભાની ચૂંટણીનું ગુજરાતનું મતદાન ગઈ તારીખ સાતમી એ પૂર્ણ થઈ ગયું છે .આગામી તારીખ ૪ જૂને પરિણામ છે. રાજકોટ લોકસભા બેઠક પર ભાજપ વતી વર્તમાન કેન્‍દ્રીય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા ચૂંટણી લડેલા છે .જો તેઓ ચૂંટણી જીતે અને ફરી કેન્‍દ્રીય મંત્રી બને તો રાજકોટમાં નવો ઇતિહાસ સર્જાશે. તેઓ હાલ કેબિનેટ કક્ષાના મંત્રી છે .ફરીથી તેમને મંત્રી બનાવવાના થાય તો કેબિનેટ કક્ષાએ જ લેવામાં આવે તે સ્‍વાભાવિક છે .રાજકોટને ૧૯૭૧ પછી ૫૩ વર્ષે ફરીવાર કેન્‍દ્રીય કેબિનેટ મંત્રી પદ મળવાની સંભાવના છે.

૧૯૭૧ માં રાજકોટથી લોકસભામાં ચૂંટાયેલા ઘનશ્‍યામભાઈ ઓઝા શ્રીમતી ઇન્‍દિરા ગાંધીની સરકારમાં કેબિનેટ મંત્રી હતા ૧૯૮૦માં ભાજપની સ્‍થાપના થયેલ. ભાજપની સરકારમાં સૌપ્રથમ ૧૯૯૯માં અટલજી વડાપ્રધાન હતા તે વખતે રાજકોટના સાંસદ ડો.વલ્લભભાઈ કથીરિયા રાજયકક્ષાના મંત્રી બનેલા.તેમના હસ્‍તક ભારે ઉદ્યોગ આરોગ્‍ય જેવા મંત્રાલય હતા. નરેન્‍દ્રભાઈની સરકારમાં રાજકોટના મોહનભાઈ કુંડારીયાને   રાજયકક્ષાના મંત્રી બનવાની તક મળેલ. તેમણે મેં ૨૦૧૪ થી જુલાઈ  ૨૦૧૬ સુધી કૃષિ મંત્રી તરીકે કામગીરી કરેલ .

નરેન્‍દ્રભાઈની વર્તમાન સરકારમાં શ્રી પરષોત્તમ રૂપાલા ડેરી ઉદ્યોગ પશુપાલન વિભાગના કેબિનેટ મંત્રી છે .હમણાં સુધી તેઓ રાજયસભાના સભ્‍ય હતા. પ્રથમ વખત રાજકોટથી લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. જો તેમને નવી સરકારમાં મંત્રી પદે યથાવત રાખવામાં આવે તો નવા ઇતિહાસનું સર્જન થશે. ભાજપની સ્‍થાપના પછી તેઓ રાજકોટથી ચૂંટાયેલા પ્રથમ કેબિનેટ મંત્રી બને તેવા સંજોગો છે .આ વખતે રાજકોટ બેઠકની ચૂંટણીએ સમગ્ર ગુજરાત અને ગુજરાત બહાર ધ્‍યાન ખેંચ્‍યું હતું. મંત્રીની પસંદગી વખતે જ્ઞાતિ, ભૂગોળ, સ્‍થાનિક સમીકરણો, વ્‍યકિતગત ક્ષમતા વગેરે મુદ્દા ધ્‍યાને લેવાતા હોય છે .શ્રી રૂપાલાને ફરી મંત્રી બનાવાય એવી તેમના સમર્થકોને આશા છે. જો તેમનો નવી સરકારમાં સમાવેશ ન થાય તો તેમની શક્‍તિનો સંગઠનમાં ઉપયોગ થાય તેવી શક્‍યતા છે.

(2:50 PM IST)