News of Thursday, 16th May 2024
વર્ષો જુનો સાંઢીયો પુલ થશે ધ્વસ્તઃ નવા રૂપ રંગ કરશે ધારણ
આજે સવારે પોલીસ તંત્ર દ્વારા પ્રાયોગીક રૂપે બે કલાક ડાયવર્ઝન કાર્યરત કરાયેલ : એક-બે દિવસમાં જાહેરનામુ બહાર પાડવાની શકયતા

હાશ... શહેરના જામનગર રોડ ઉપર આવેલા સાંઢિયા પુલ નવો બનાવવામાં આવનાર છે ત્યારે લોકોને અવર જવર માટે ભોમેશ્વર વિસ્તારમાં ખાનગી માલિકીની જમીનમાં પાકો રસ્તો બનાવવામાં આવ્યો છે અને સાંઢિયો પુલ સવારે બે કલાક બંધ કરી દેવામાં આવ્યા બાદ ફરી શરૂ કરાયો હતો.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)
રાજકોટ તા. ૧૬ : શહેરના જામનગર રોડ સ્થિત વર્ષો જુના સાંઢીયા પુલને તોડી નવા બ્રીજના નિર્માણ માટે ઘડીઓ ગણાઇ રહી છે. આજે સવારે પોલીસ તંત્ર દ્વારા પ્રાયોગીક ધોરણે બે કલાક માટે ડાયવર્ઝન કાર્યરત કરાયુ હતુ. જો કે આ ઓંચીતા ડાયવર્ઝનથી ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા. સૂત્રોમાંથી મળતી વિગત મુજબ એક-બે દિવસમાં જ પોલીસ તંત્ર દ્વારા ડાયવર્ઝન અંગે જાહેરનામુ પાડી દેવામાં આવશે અને બ્રીજનું કામ શરૂ કરી દેવાશે.
મનપા તંત્ર દ્વારા શહેરના સૌથી જુના બ્રીજ સાંઢીયા પુલના નવનિર્માણ માટે તોડવાનું શરૂકરવામાં આવનાર છે ત્યારે આ પુલ લોકોના આવન જાવન માનટે બંધ કરી દેવામાં આવ્યો છે. ટ્રાફિક ભોમેશ્વરથી જામનગર રોડ તરફ ડાઇવર્ટ કરવામાં આવ્યો છે. મનપા દ્વારા ૬૨ કરોડથી વધુના ખર્ચે સાંઢીયા પુલનું નવનિર્માણ કરવામાં આવશે. જેને ટુ લેનમાંથી ફોર લેનનો બનાવવામાં આવશે.
શહેરના સૌથી જુના પુલને તોડીને બનાવવાનો હોવાથી તેમાં ૧૪ને બદલે ૧૮ મહિનાનો સમય લાગશે. આ સાંઢીયો પુલ ૧૯૭૭માં પીડબલ્યુડી દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો. ૪ દાયકાથી લોકો અને વાહનોની અવરજવરના કારણે તેની અનેકવાર મરામત પણ કરવામાં આવી હતી. અંતે ગયા વર્ષે રેલવે દ્વારા તેને અસલામત જાહેર કરાયા બાદ ભારે વાહનો માટે પ્રવેશબંધી કરવામાં આવી હતી.
હવે મનપા દ્વારા તમામ અડચણો દુર થતાં સાંઢીયા પુલના નવનિર્માણનો માર્ગ મોકળો બન્યો છે. ઉપરાંત એક-બે દિવસમાં ડાયવર્ઝન અંગે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ પણ બહાર પાડી દેવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. સાંઢીયા પુલના બદલે વૈકલ્પિક રસ્તા માટે બ્રીજની પાસેથી ભોમેશ્વરથી જામનગર રોડ થઇને વાહન વ્યવહારનો રૂટ નક્કી કરવામાં આવ્યો છે. આ માટે સવિર્સ રોડનું પુર્ણ કરી દેતા લોકોના આવન જાવન માટે ખુલ્લો મુકી દેવામાંઆવ્યો છે.(૨૩.૧૯)
બ્રીજની ટેકનિકલ માહિતી
કુલ ૬૦૦ મીટર લંબાઇ, સીવીલ હોસ્પિટલ સાઇડ ૨૯૮, માધાપર સાઇડ ૨૬૮, વચ્ચે ૩૬ મીટરનો રહેશે. કુલ ૧૬.૪૦ મીટર એટલે કે ૫૪ ફુટનો બ્રિજ બનશે. આ બ્રિજમાં ૨૦ પીલર અને ૨૨ સ્પામ બનાવાશે.
(2:57 PM IST)










