News of Thursday, 16th May 2024
હનુમાન મઢી પાસે તિરૂપતીનગરમાં ઓફિસ-ગોડાઉનના તાળા તોડી ૩.૧૯ લાખના ઇલેક્ટ્રીક વાયરની ચોરી
એક રિક્ષા સીસીટીવી ફૂટેજમાં આવ-જા કરતી દેખાઇઃ મિલન સોસાયટીમાં રહેતાં વિવેકભાઇ દેથરીયાની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધ્યોઃ પીઆઇ બી. ટી. અકબરી, પીએસઆઇ યુ. આર. ભટ્ટ અને ડી. સ્ટાફેની ટીમે તપાસ આદરી

તસ્વીરમાં જ્યાં ચોરી થઇ તે ગોડાઉન, તૂટેલા તાળા અને વેરવિખેર ચીજવસ્તુ જાઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)
રાજકોટ તા. ૧૬: શહેરમાં તસ્કરોએ ઉપાડો લેવાનું યથાવત રાખ્યું છે. બે દિવસ પહેલા બે મકાનમાંથી અઢી લાખથી વધુની માલમત્તાની ચોરી થઇ હતી. જેમાં એક મકાનમાં ધોળે દિવસે ચોર ત્રાટકી રોકડ-દાગીના ચોરી ગયા હતાં. ત્યાં હવે રૈયા રોડ હનુમાન મઢી ચોક નજીક તિરૂપતીનગર મેઇન રોડ પર જુની પોસ્ટ ઓફિસ પાસે આવેલા ઇલેક્ટ્રીક ચીજવસ્તુને લગતા સામાનના ગોડાઉન-ઓફિસમાંચોર ત્રાટકી રૂા. ૩,૧૯,૨૩૮નો સામાન ચોરી જતાં તપાસ શરૂ થઇ છે.
આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે નિર્મળા રોડ લીંબુડી વાડી મેઇન રોડ પર મિલન સોસાયટીમાં શિવમ્ ખાતે રહેતાં વિવેકભાઇ મણીલાલ દેથરીયા (ઉ.વ.૩૮)ની ફરિયાદ પરથી ચોરીનો ગુનો નોંધ્યો છે. વિવેકભાઇના કહેવા મુજબ પોતે પરિવાર સાથે રહે છે અને હનુમાન મઢીથી નિર્મલા રોડના રસ્તે તિરૂપતીનગર મેઇન રોડ પર અગાઉ જ્યાં પોસ્ટ ઓફિસ હતી તેની બાજુમાં તે ઓફિસ અને ગોડાઉન ધરાવે છે. અહિ તેઓ ઇલેક્ટ્રીકને લગતો સામાન રાખી વેપાર કરે છે.
ગઇકાલે બુધવારે તેઓ ગોડાઉન ખાતે ગયા ત્યારે મુખ્ય દરવાજો ખોલીને અંદર જતાં અંદરના દરવાજાના લોક તૂટેલા દેખાયા હતાં અને સામાન અસ્ત વ્યસ્ત જોવા મળ્યો હતો. તપાસ કરતાં જે માલ હતો તેમાંથી ઇલેક્ટ્રીક વાયરના બંડલો ૨૨ જેની કિંમત રૂા. ૪૧૨૫૦ છે તે , અન્ય કંપનીના વાયરના ૧૨ બંડલ રૂા. ૨૬૫૦૦ના, અન્ય ૮ બંડલ રૂા. ૪૩૬૧૩, અન્ય પાંચ બં૯લ રૂા. ૪૨૨૭૫, અન્ય ૨૯ બંડલો જેની કિમત રૂા. ૨૫૬૦૦ મળી અલગઅલગ કંપનીના અને અલગ અલગ માપના ઇલેક્ટ્રીક વાયરના બંડલો કુલ રૂા. ૩,૧૯,૨૩૮ના ગાયબ જણાતાં ચોરી થયાની ખબર પડી હતી.
વિવેકભાઇએ ૧૪મીએ સાંજે સાડા સાતેક વાગ્યે ઓફિસ-ગોડાઉન બંધ કર્યુ હતું. એ પછી બીજા દિવસે સવારે તેમને ચોરીની જાણ થઇ હતી. તસ્કર કે તસ્કરોએ દિવાલ કુદી અંદર પડી દરવાજાના નકુચા તાળા તોડી આ ચોરી કરી હતી. બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પીઆઇ બી. ટી. અકબરી, પીએસઆઇ યુ. આર. ભટ્ટ સહિતે પહોંચી કાર્યવાહી કરી હતી. આસપાસના ફૂટેજ ચેક કરતાં એક માલવાહક રિક્ષા આવતી જતી દેખાઇ હતી. પોલીસે તેના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
(3:05 PM IST)










