<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

રાજકોટમાં રૂા. ૧૦ના સિકકા અંગે તાકિદે પ્રશ્‍ન હલ કરવા કલેકટરને આવેદનઃ રૂા. ૧૦ની નોટની પણ ભારે તંગી

૧૦ની નવી નોટના બંડલના કાળાબજાર થાય છેઃ રૂા. ૧પ૦૦માં એક બંડલ મળે છે...

રાજકોટ તા. ૧૬: રાજકોટ હોલસેલ ટેક્ષટાઇલ મર્ચન્‍ટ એસો.એ કલેકટરને આવેદન પાઠવી રૂા. ૧૦/-ના સિકકા પુનઃ ચલણમાં પ્રસ્‍થાપિત કરવા અંગે રજુઆત કરી હતી.

આવેદનમાં જણાવેલ કે રૂા. ૧૦/- ના સિકકા ભારત સરકારનું અધિકૃત ચલણ હોવા છતાં ફકત રાજકોટ શહેર તેમજ જિલ્લામાં ગેરસમજ અથવા ચોકકસ હિતશત્રુઓની અફવાથી ચાલતા નથી જે અંગે આ પહેલા પણ ડેપ્‍યુટી કલેકટર ગાંધી સમક્ષ લેખિતમાં રજુઆત કરવામાં આવેલ. પરંતુ તંત્ર દ્વારા આ અંગે કોઇ લોકજાગૃતિ કે બેંકોમાં બેનર લગાડવા જેવા સૂચનો કે કરવામાં આવેલ નથી. હાલમાં રૂા. ૧૦ ની નોટો તદ્દન રદ્દી હાલતમાં બજારમાં ચાલે છે. જે પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્‍ધ નથી. જેથી અમારે વેપારીઓએ ગ્રાહકો પાસેથી રૂા. ૧૦/- ની રકમ જતી કરવી પડે છે. જે નાના વેપારીઓને ખુબ મોટુ નુકશાન વેઠવું પડે છે. બેંકો પાસે રૂા. ૧૦/- ની નોટ નવી ઉપલબ્‍ધ નથી અને જુની પણ નથી. વળી નવી નોટોના બંડલ કાળા બજારમાં રૂા. ૧પ૦૦/- આપતા, જોઇએ તેટલા મળી રહે છે. તે અંગે ખાસ તપાસ કરવા અને કરન્‍સીના કાળા બજાર થતા અટકાવવા આપને વિનંતી છે.

થોડા દિવસ પહેલા મોરબી જિલ્લા કલેકટરશ્રીએ લોકજાગૃતિ અંગે પ્રેસ કોન્‍ફરન્‍સ યોજી રૂા. ૧૦/- ના સિકકા ચલણમાં પુનઃસ્‍થાપિત કરવા અને પ્રજામાં રહેલ ગેરસમજ દુર કરવા જાહેર નિવેદન કરેલ અને લોકજાગૃતિ અંગે પણ તંત્રને સૂચના આપી હતી, રાજકોટ શહેર તેમજ જિલ્લામાં રૂા. ૧૦/- ના સીકકાનું ચલણ વધે અને નોટોની તંગી દુર થાય તેવા પ્રયાસ કરવા અમારી આપશ્રીને વિનંતી છે.

(9:26 PM IST)