<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

નવરચિત ગરૂડેશ્વર તાલુકામાં વિવિધ સરકારી કચેરીઓ કાર્યરત થતાં નાગરિકોને મળી ઘર આંગણે સરકારી સેવા

મામલતદાર કચેરી, તાલુકા પંચાયત, તાલુકા કોર્ટ, સબ ડિસ્‍ટ્રીક્‍ટ હોસ્‍પિટલ, પોલીસ સ્‍ટેશન, વિભાગીય પોલીસ અધિક્ષકની કચેરી સહિતની કચેરીઓ કાર્યરત

રાજકોટઃ નાંદોદ તાલુકાનું વિભાજન કરી રાજય સરકાર દ્વારા ગરુડેશ્વર તાલુકાની રચના કરાયા બાદ તાલુકા કક્ષાની અનેક સરકારી કચેરીઓ કાર્યરત થતાં નાગરિકોને વિવિધ સરકારી સેવાઓનો લાભ ઘર આંગણે મળ્‍યો છે. આ નવરચિત તાલુકામાં મામલતદાર કચેરી, તાલુકા પંચાયત, તાલુકા કોર્ટ, સબ ડિસ્‍ટ્રીક્‍ટ હોસ્‍પિટલ, પોલીસ સ્‍ટેશન, વિભાગીય પોલીસ અધિક્ષકશ્રીની કચેરી વગેરે કચેરીઓ કાર્યરત થઇ છે અને તેના કારણે નાગરિકોની સહુલિયતમાં વૃદ્ધિ થઇ છે.

નર્મદા જિલ્લા પ્રશાસન દ્વારા જણાવાયું છે કે, ‘આપણો તાલુકો વાયબ્રન્‍ટ તાલુકો' હેઠળ સરકારશ્રી દ્વારા નાંદોદ જિલ્લાનું વિભાજન કરી વર્ષ ૨૦૧૪ થી નવા ગરૂડેશ્વર તાલુકાની રચના કરવામાં આવી છે. નવા તાલુકાની રચના થતાં તાલુકાના મુખ્‍ય મથક ખાતે જુદા જુદા વિભાગોની તાલુકા કક્ષાની કચેરીઓ, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત, તાલુકા કોર્ટ, સબ ડિસ્‍ટ્રીક્‍ટ હોસ્‍પિટલ, પોલીસ સ્‍ટેશન, વિભાગીય પોલીસ અધિક્ષકશ્રીની કચેરી વગેરે કચેરીઓ કાર્યરત થયેલ છે. આ ઉપરાંત, ગરૂડેશ્વર તાલુકામાં તમામ ગ્રામપંચાયત કચેરીઓ કાર્યરત છે તેમજ ગ્રામ પંચાયત તલાટીની જગ્‍યાઓ પણ ભરાયેલી છે. જેથી તમામ ગ્રામ પંચાયતોની કામગીરી પણ સરળતાથી ચાલે છે. ગરૂડેશ્વર તાલુકાની રચના થવાથી નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓ, જમીન અંગેની અરજીઓ, જાતિ-આવકના પ્રમાણપત્રો વગેરે સેવાઓ માટે ૨૫-૩૦ કિલોમીટર દુર રાજપીપલા સુધી આવવું પડતું હતું તે મુશ્‍કેલીનું નિવારણ થયેલ છે અને નાગરિકોને ઘર આંગણે વિવિધ સરકારી સેવાઓ, યોજનાઓનો લાભ મળતો થયો છે.

ફૂડ એન્‍ડ ડ્રગ્‍સ ની કચેરી ભરૂચ અને નર્મદા જિલ્લા માટે ભરૂચ ખાતે આવેલ છે. નર્મદા જિલ્લાનું કાર્યક્ષેત્ર અને વિસ્‍તાર પ્રમાણમાં નાનો હોવાથી ફૂડ એન્‍ડ ડ્રગ્‍સની કચેરી ભરૂચ ખાતેથી તે અંગેની તમામ કામગીરી સરળતાથી કરવામાં આવે છે. નર્મદા જિલ્લામાં ફૂડ એન્‍ડ ડ્રગ્‍સ સંબંધિત કામગીરીની જરૂરિયાત પ્રમાણે અધિકારી-કર્મચારીઓ નર્મદા જિલ્લા ખાતે આવી તેઓની કામગીરી બજાવે છે. આમ, ફૂડ એન્‍ડ ડ્રગ્‍સની કચેરી સંબંધિત નર્મદા જિલ્લાની કામગીરી સુવ્‍યવસ્‍થિત રીતે ચાલી રહી છે.

(3:42 PM IST)