<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

સૌરાષ્‍ટ્રના ૧૩ જીલ્લાઓમાં કેમીકલ યુકત નકલી દૂધનું બેફામ વેચાણ

અખીલ ભારતીય ગ્રાહક પંચાયતનું કલેકટરને ચોંકાવનારૂ આવેદનઃ તંત્ર દ્વારા તાકિદે દરોડા પાડી સખત કાર્યવાહી કરાય તેવી માંગણી... : દૂધ મોંઘુ હોય વેપારીઓ-સપ્‍લાયર્સ દૂધમાં સોડા-સ્‍ટાર્ચ-યુરિયા-શેમ્‍પુ-કેમિકલ-રંગ જેવા હાનિકારક-તત્‍વોનું ભેળસેળ કરતા હોવાનો ધડાકો

અખીલ ભારતીય ગ્રાહક પંચાયતે નકલી દૂધ તથા થતી ભેળસેળ અંગે કલેકટરને વિસ્‍તૃત આવેદન આપ્‍યું હતું.

રાજકોટ તા. ૧૬: અખિલ ભારતીય ગ્રાહક પંચાયતે જીલ્લા કલેકટરને આવેદન પાઠવી નકલી દૂધ તથા દૂધમાં થતી ભેળસેળ તેમજ મિલાવટી દૂધમાંથી બનતી મીઠાઇઓ રોકવા તથા તેના પર પ્રતિબંધ મુકવા અને ભેળસેળ કરનાર સામે સખત કાર્યવાહી કરવા તેમજ મિલાવટી દૂધ અંગે જનજાગરુકતા લાવવા અંગે માંગણી કરી હતી.

આવેદનમાં ઉમેરાયું હતું કે, સૌરાષ્‍ટ્રના શાસકીય ૧૩ જિલ્લાઓમાં ગ્રાહક પંચાયતના ધ્‍યાનમાં આવેલ છે કે કેમીકલથી બનાવેલ નકલી અથવા તો ભેળસેળ યુકત દૂધ અને દૂધમાંથી બનતી ખાદ્ય ચીજ-વસ્‍તુઓનું વેચાણ બહોળા પ્રમાણમાં થઇ રહેલ છે. સૌરાષ્‍ટ્ર પ્રાંતના નાગરિકોમાં દૂધ અને દૂધમાંથી બનતી વસ્‍તુઓમાં ભેળસેળ અંગે નાગરિકોમાં જન જાગૃતિ વધારવાની કામગીરી ગ્રાહક પંચાયતે હાથમાં લીધી છે. ગુજરાત રાજય સરકારની આ વિષયમાં વહીવટીય સક્રીયતા અને સતર્કતા વધે તે ઇચ્‍છનીય છે, જેથી રાજયના નાગરિકોને બજારમાં મળતા દૂધમાં મિલાવટો થતી રોકવા વિશેષ પ્રબંધ કરવા માંગણી છે.

દૂધને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે. ‘આહારની શુદ્ધતા એ જીવનની મુળભૂત જરૂરિયાત છે' આમ જનતા દિનભર મહેનત કરી જીવનની દૈનિક જરૂરતો પૂરી કરવા સતત પરિશ્રમ કરી રહેલ હોય છ. અથાગ પરિશ્રમથી મેળવેલ કમાણીથી તે બજારમાંથી શુદ્ધ સાત્‍વિક ખોરામ મેળવે તે અત્‍યંત જરૂરી છે. પરંતુ તેના ખર્ચેલા નાણાના બદલામાં બજારમાંથી તેને અશુદ્ધ અને બનાવટી વસ્‍તુ મળે, તેની (ગ્રાહક) સાથે છળકપટ/છેતરપિંડી થાય, શોષણ થાય તે સ્‍થિતિ ગ્રાહક પંચાયત અને ગુજરાત સરકાર માટે સ્‍વીકાર્ય ન હોઇ શકે.

સમગ્ર ભારત દેશમાં નાગરિકો જીવનભર ગાય અને ભેંસના દૂધ અને દૂધના ઉત્‍પાદનનો ઉપયોગ કરી શારીરિક પોષણ અને વૃદ્ધિ મેળવે છ.ે તેમ છતાં આજકાલ અનીતિથી સમાજ વિરોધી પ્રવૃત્તિમાં રત એવા દૂધના વેપારીઓ, સપ્‍લાયર્સ, દૂધની અછતના કારણે દૂધ મોંઘુ મળતું હોઇ, વધુ પડતો લાભ મેળવવા સોડા, સ્‍ટાર્ચ, યુરીયા, શેમ્‍પુ, કેમિકલ્‍સ, વ્‍હાઇટનર રંગ, જેવા અખાદ્ય તેમજ સ્‍વાસ્‍થ્‍ય માટે હાનિકારક કેમિકલ તત્‍વોમાંથી નકલી દૂધ બનાવી વેચી રહેલ છે. દૂધમાં ભેળસેળ અને નકલી માવો, પનીર, બટર, ઘી વગેરે અખાદ્ય મિલાવટી ખોરાક બજારમાં વેચાતા હોવાના સમાચારો વારંવાર પ્રિન્‍ટ, વિજાણુ તેમજ સોશીયલ મીડીયામાં આવી રહેલ છે.

ગુજરાત રાજય સરકાર અને તેના સંબંધિત વહીવટી ભિવાગો આવા ‘ભેળસેળ યુકત તેમજ કેમીકલથી બનાવેલ નકલી દૂધ'ની બાબતે તથા દૂધ અને દૂધની બનાવટોમાં થતી ભેળસેળની ગંભીર સમસ્‍યા બાબતે કાર્યરત છે જ. પરંતુ રાજય અને કેન્‍દ્ર સરકાર તરફથી થતી કાર્યવાહીઓ વિશે ગ્રાહકો/નાગરિકોને વિસ્‍તૃત માહિતી મળે તેવી વ્‍યવસ્‍થા ગોઠવાય તે જરૂરી છે.

અનિલ ભારતીય ગ્રાહક પંચાયત, જિલ્લો, સૌરાષ્‍ટ્ર પ્રાંત તરફથી નિવેદન છે કે, મિલાવટી/સિન્‍થેટીક/નકલી/ભેળસેળયુકત દૂધ અને તેની બનાવટો શહેર તથા રાજયમાં બેરોકટોક વેચાઇ રહેલ છે તે રોકવાના સંદર્ભમાં સ્‍પષ્‍ટ, ન્‍યાયિક વલણ અપનાવી સખત અને કડક નીતિ મનકકી કરી, તમામ સબંધિત વિભાગ/ખાતાઓને યોગ્‍ય સૂચનાઓ અને માર્ગદર્શક આદેશો આપી સક્રીય અને સકારાત્‍મક કાર્યવાહી કરાવી જોઇએ.

દરેક જિલ્લા તથા તાલુકા કેન્‍દ્ર ઉપર સરકારશ્રી તરફથી નાગરિકોના હિતમાં નિઃશુલ્‍ક ‘‘ફુડ ટેસ્‍ટીંગ મોબાઇલ લેબોરેટરી'', ‘‘ઓપન ટેસ્‍ટીંગ સેન્‍ટર'' ઉપલબ્‍ધ કરાવવામાં આવે, તો પીડિત ગ્રાહક આવી લેબોરેટરીમાં જઇને ફુડ/દૂધની નિઃશુલ્‍ક ચકાસણી કરાવીને સંતોષ મેળવી શકે.

દૂધ અને દૂધમાંથી બનતા ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ થતી પકડાય ત્‍યારે સરકારના સક્ષમ અધિકારીઓ કાયદાનુસાર કાર્યવાહી કરતા જ હોય છે, પરંતુ જો આવા ‘નિરીક્ષણ સ્‍કોડ'માં નાગરિકોમાંથી ગ્રાહક પ્રતિનિધિને જોડવામાં આવે તો પારદર્શિતા વધશે અને ગ્રાહકોનો સરકારની કામગીરી તરફનો વિશ્‍વાસ પણ વધશે.

વધુ દૂધ મેળવવા માટે પશુપાલકો દ્વારા પશુઓને ‘ઓકસીટોસિન' (ઓટી)ના ઇન્‍જેકશન આપી તેનો દુરૂપયોગ કરવામાં આવતો હોય છે, જેથી ફકત વેપારીના ફાયદા માટે પશુ/ગાય/ભેંસને અત્‍યાચાર યાતના અને તકલીફ વેઠવી પડે છે. આ કારણથી પશુ અત્‍યાચાર કરતા નિવારણ અધિનિયમ, ૧૯૬૦ ની કલમ-૧ર મુજબ ‘ઓકસીટોસિન'ના અનએથીકલ/અનીતિમય ઉપયોગને પ્‍તિબંધિત/બેન કરવામાં આવેલ છે. પરંતુ આ અધિનિયમની જોગવાઇઓનો ભંગ કરી બેફામ ઉપયોગ કરવામાં આવે છે. આથી તેના ઉપર પ્રતિબંધ મૂકવો જરૂરી છે.

(4:20 PM IST)