News of Thursday, 16th May 2024
ડો. યાજ્ઞિક રોડ પર એસટી બસ અને ટુવ્હીલરની ટક્કર બાદ બંને વાહનના ચાલકોએ મગજ પરનો કાબૂ ગુમાવતાં ઝપાઝપી
ટુવ્હીલર ચાલક બસની કેબીનમાં ચડી જતાં હાથોહાથની જામી પડીઃ બંનેને પોલીસ સ્ટેશને લઇ જવાયા

રાજકોટઃ શહેરના ડો. યાજ્ઞિક રોડ પર એસટી બસ અને ટુવ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયા બાદ આ બને વાહનના ચાલકો વચ્ચે ચડભડ થયા પછી હાથોહાથની જામી પડી હતી. જેના કારણે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં અને ટ્રાફિકજામ થઇ ગયો હતો. જીજે૧૮ઝેડટી-૧૪૦૫ નંબરની એસટી બસ અને જીજે૦૩એન-૮૬૨૬ નંબરના ટુવ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયા બાદ બંનેના ચાલકો વચ્ચે બોલાચાલી થઇ હતી. એ પછી ટુવ્હીલર ચાલકે બસમાં ડ્રાઇવરની કેબીનમાં ચડી જઇ ઝપાઝપી કર્યાનું લોકો કહેતાં હતાં. આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. બનાવને પગલે લોકો એકઠા થઇ જતાં અને ટ્રાફિક જામ થઇ જતાં કોઇએ પોલીસને જાણ કરતાં પીસીઆર વેન પહોંચી હતી. બસ અને ટુવ્હીલરના ચાલકોને એ-ડિવીઝન પોલીસ સ્ટેશને લઇ જઇ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શહેરમાં અવાર-નવાર આ રીતે અકસ્માત બાદ મારામારીની ઘટનાઓ બનતી રહે છે. આજે ભરબપોરે ધોમ તડકાં અકસ્માત બાદ બંને વાહનના ચાલકોએ મગજ પરનો કાબૂ ગુમાવી દીધા બાદ હાથોહાથની જામી પડી હતી. (ફોટોઃ સંદિપ બગથરીયા)
(4:21 PM IST)










