<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

મેટોડા પાસે ‘કાર' બની ‘કાળ': માતા-પુત્રના મોતઃ એક ગંભીર

મુળ બિહારની ૨૧ વર્ષની શીલાદેવી ચંદનકુમાર શાહ ૧ાા વર્ષના પુત્ર અંકુશને પોલીયોનું ઇન્‍જેકશન અપાવવા ગેઇટ-૩માં ગઇ હતીઃ ત્‍યાંથી પુત્ર અને ૧૨ વર્ષના ભાઇ રાજા સાથે ચાલીને પરત આવતી હતી ત્‍યારે મણીમંદિર પાસે વર્ના કારની ઠોકરે ચડી ગયાઃ કાર મુકી ચાલક છનનનઃ ૧૨ વર્ષના રાજાની હાલત ગંભીર

મેટોડા જીઆઇડીસીના ગેઇટ નં. ૨ નજીક મણી મંદિર પાસે રાતે વર્ના કારના ચાલકે બિહારી પરિણીતા, તેના દોઢ વર્ષના પુત્ર અને તેણીના બાર વર્ષના ભાઇને ઠોકરે ચડાવી દીધા હતાં અને બાદમાં કાર મુકી ભાગી ગયો હતો. આ ત્રણેયને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. અહિ માતા-પુત્રના મોત થયા હતાં. જ્‍યારે મૃતક મહિલાના બાર વર્ષના ભાઇને ગંભીર ઇજા પહોંચી હોઇ સારવાર માટે દાખલ કરાયો હતો. તસ્‍વીરમાં માતા-પુત્રના નિષ્‍પ્રાણ દેહ, તેમના ફાઇલ ફોટા, ઘટના સ્‍થળે કાર અને સોૈથી નીચે છેલ્લી તસ્‍વીરમાં સારવારમાં રહેલો બાર વર્ષનો બાળક નજરે પડે છે (ફોટોઃ ભીખુપરી ગોસાઇ-ખીરસરા)

રાજકોટ તા. ૧૭: મેટોડા જીઆઇડીસી ગેઇટ-૨ નજીક મણી મંદિર પાસે રાત્રીના એક કારની ઠોકરે મુળ બિહારની પરિણીતા, તેનો દોઢ વર્ષનો પુત્ર અને બાર વર્ષનો ભાઇ ચડી જતાં ત્રણેયને સારવાર માટે ખસેડાયા હતાં. પરંતુ માતા-પુત્રએ દમ તોડી દેતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. કાળ બનીને કાર ત્રાટકી હતી એ પછી તેનો ચાલક કાર મુકીને ભાગી જતાં પોલીસે શોધખોળ હાથ ધરી છે. આ અકસ્‍માતમાં મૃતક બિહારી મહિલાના બાર વર્ષના ભાઇને ગંભીર ઇજા પહોંચી હોઇ તે સારવાર હેઠળ છે.

જાણવા મળ્‍યા મુજબ મેટોડા ગેઇટ નં. ૨ નજીકના મણીમંદિર પાસે રાતે વર્ના કાર નં. જીજે૦૩કેએચ-૪૬ની ઠોકરે ચડી જતાં એક યુવતિ અને દોઢ તથા બાર વર્ષના બે બાળકોને ઇજાઓ થતાં ત્રણેયને ૧૦૮ મારફત રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. બીજી તરફ આ અકસ્‍માત સર્જી કાર મુકી ચાલક ભાગી ગયો હતો. રાજકોટ સારવાર દરમિયાન પહેલા દોઢ વર્ષના બાળકનું અને બાદમાં મહિલાનું મોત થયું હતું. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા અને તોૈફિકભાઇ જુણાચે મેટોડા પોલીસને જાણ કરી હતી.

પોલીસ તપાસમાં ખુલ્‍યા મુજબ મૃત્‍યુ પામનાર મહિલા મેટોડા ગેઇટ નં. ૨માં આવેલા શ્રીનાથજી પાર્કમાં રહેતી શીલાદેવી ચંદનકુમાર શાહ (ઉ.વ.૨૧) હતી. જ્‍યારે તેની સાથે મોતને ભેટેલો બાળક તેનો પુત્ર અંકુશ ચંદનકુમાર શાહ (ઉ.વ.૧ાા) હતો. જ્‍યારે ગંભીર ઇજા પામનાર બાળકનું નામ રાજા કૈલાસભાઇ પાસવાન (ઉ.વ.૧૨) હોવાનું અને તે મૃતક શીલાદેવીનો ભાઇ થતો હોવાનું ખુલ્‍યું હતું.

વધુ માહિતી મુજબ મૃત્‍યુ પામનાર શીલાદેવી તેના પતિ, ભાઇ સહિતના પરિવાર સાથે એકાદ વર્ષ પહેલા બિહારથી મેટોડા આવી હતી. તેણી મુળ બિહારના બાંકા અમરપુરની વતની હતી. તેનો પતિ ચંદનકુમાર શાહ કારખાનામાં નોકરી કરે છે. શીલાદેવના દોઢ વર્ષના પુત્ર અંકુશને પોલીયોના ઇન્‍જેક્‍શનનો ગઇકાલે ડોઝ આપવાનો હોઇ તેણી પુત્ર અને ૧૨ વર્ષના ભાઇને સાથે લઇને મેટોડા ગેઇટ નં. ૩માં આવેલા ક્‍લીનીક પર ગઇ હતી. ત્‍યાંથી ત્રણેય ચાલીને પરત ગેઇટ નં. ૨ તરફ પોતાના ઘરે આવી રહ્યા હતાં અને રસ્‍તામાંથી શાકભાજી પણ લીધા હતાં. આ વખતે મણી મંદિર નજીક પહોંચ્‍યા ત્‍યારે કાર કાળ બનીને ત્રાટકી હતી. જેમાં શીલાદેવી અને દોઢ વર્ષના માસુમ પુત્રનો ભોગ લેવાયો હતો. પોલીસે વિશેષ તપાસ યથાવત રાખી છે. પત્‍નિ-પુત્રને ગુમાવનાર ચંદનકુમાર ઉંડા આઘાતમાં ગરક થઇ ગયો હતો.

પોલીસ તપાસમાં ખુલ્‍યા મુજબ કાર મુળ ખીરસરાનો ચિરાગ ભીખાભાઇ વાગડીયા ચલાવતો હતો. તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

(2:50 PM IST)