News of Friday, 17th May 2024
રાજકોટની સમરસ હોસ્ટેલમાં જુનાગઢના કોલેજીયન છાત્રનો ફાંસો ખાઇ આપઘાત
૨૩ વર્ષનો ધવલ શેખવા બે દિવસ પહેલા જ વતનમાંથી પરત આવ્યો હતોઃ પરિક્ષાની તૈયારી માટે પાર્ટટાઇમ નોકરી મુકી દીધી હતીઃ પિતા કે પરિવારજનો કારણ જાણતાં ન હોઇ તપાસ યથાવત

રાજકોટ તા. ૧૭: ગઇકાલે શહેરના એસ્ટ્રોન ચોક પાસે નાલાના એંગલમાં ચુંદડી બાંધી જુનાગઢના કેરાળાની યુવતિએ આપઘાત કરી લીધો હતો. દરમિયાન વધુ એક બનાવમાં જુનાગઢના વતની અને રાજકોટ સમરસ હોસ્ટેલમાં રહી કોલેજમાં અભ્યાસ કરતાં ૨૩ વર્ષના યુવાને રૂમમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
જાણવા મળ્યા મુજબ યુનિવર્સિટી કેમ્પસ નજીક આવેલી સમરસ હોસ્ટેલના રૂમ નં. ૨૦૫માં રહેતાં જુનાગઢના ગણેશનગરના મહેશ કાંતિલાલ શેખવા (ઉ.વ.૨૩) નામના યુવાને ગત રાતે રૂમમાં કોઇ કારણોસર ચાદર બાંધી ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં ૧૦૮ મારફત જાણ થતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના એએસઆઇ વાય. ડી. ભગત અને રાઇટર જયશ્રીબેને ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.આપઘાત કરનાર મહેશ બે ભાઇમાં મોટો હતો અને રાજકોટ રહી કોલેજના બીજા વર્ષમાં ભણતો હતો. તેના પિતા કાીંતભાઇ શેખવા છુટક મજૂરી કરે છે. પિતા કાંતિભાઇએ જણાવ્યું હતું કે મહેશ રાજકોટ રહી કોલેજમાં ભણવાની સાથે સાથે સોલાર કંપનીમાં પાર્ટ ટાઇમ નોકરી પણ કરતો હતો. પરંતુ હાલમાં પરિક્ષાની તૈયારી કરવાની હોઇ નોકરી મુકી દીધી હતી. ગત તા. ૨ના રોજ તે રજા ગાળવા જુનાગઢ આવ્યો હતો અને બે દિવસ પહેલા ૧૫મીએ જ પરત રાજકોટ ગયો હતો. તેને આપઘાત કરવો પડે તેવું કોઇ કારણ અમારા ધ્યાનમાં નથી. કારણ બહાર ન આવતાં પોલીસે તપાસ યથાવત રાખી છે. યુવાન દિકરાના મૃત્યુથી પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.
(1:09 PM IST)










