<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

ગવરીદડમાં બનાવઃ ભાઇના લગ્નમાં વહેલો ન જવા દેવાતાં પંકેશે બાવળના ઝાડમાં લટકી જીવ દીધો

મુળ મધ્‍યપ્રદેશનો પંકેશ શીંગાડ પરિવાર સાથે રહી મજૂરી કરતો હતોઃ આ રવિવારે ભાઇના લગ્ન હોઇ પત્‍નિ, મોટો ભાઇ સહિતના વહેલા જતા રહ્યાં હતાં: પંકેશ અને બીજા ભાઇઓને આજે નીકળવાનું હતું

રાજકોટ તા. ૧૭: ગવરીદળમાં પરિવારજનો સાથે વાડીમાં રહી મજૂરી કરતાં મુળ મધ્‍યપ્રદેશના યુવાને રાતે વાડીમાં આવેલા બાવળના ઝાડમાં લટકી જઇ ગળાફાંસો ખાઇ આત્‍મહત્‍યા કરી લેતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. તેના નાના ભાઇના રવિવારે લગ્ન હોઇ મોટા ભાગના પરિવારજનો વતન જતાં રહ્યા હતાં. પોતાને વહેલો ન જવા દેવામાં આવતાં માઠુ લાગતાં આ પગલુ ભર્યુ હતું.

જાણવા મળ્‍યા મુજબ ગવરીદળમાં રામજીભાઇ મોહનભાઇની વાડીમાં રહી મજૂરી કરતો મુળ મધ્‍યપ્રદેશનો પંકેશ કાળુભાઇ શીંગાડ (ઉ.વ.૨૫) રાતે પરિવારના બીજા લોકો મકાઇ વાઢવા ગયા ત્‍યારે રૂમ પર એકલો હતો. તેના ભાઇ, ભાભી સહિતના મકાઇ વાઢીને આવ્‍યા ત્‍યારે તે જોવા ન મળતાં શોધખોળ કરતાં વાડીના શેઢે બાવળના ઝાડમાં લટકતો મળતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. ૧૦૮ને જાણ થતાં તેના તબિબે તેને મૃત જાહેર કરતાં કુવાડવા રોડ પોલીસે ઘટના સ્‍થળે પહોંચી કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનાર પંકેશ પરણેલો હતો અને સંતાનમાં એક પુત્રી તથા બે પુત્ર છે. પોતે ચાર બહેન અને છ ભાઇમાં ત્રીજા નંબરે હતો. તેના ભાઇએ કહ્યું હતું કે આ રવિવારે નાના ભાઇ મહેશના લગ્ન હોઇ અને જાન જવાની હોઇ અમારા બીજા ભાઇઓ, ભાભી, કુટુંબીજનો થોડા દિવસ પહેલા જ વતન જતાં રહ્યા હતાં. તેની સાથે પંકેશને પણ જવું હતું. પરંતુ વડીલોએ તેને બીજા સભ્‍યો સાથે શુક્રવારે ગવરીદળથી નીકળવાનું કહ્યું હતું. આ કારણે તેને માઠુ લાગી જતાં ગત રાતે પિતા સાથે વતનમાં ફોનમાં વાત કરી હતી અને બાદમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

(1:10 PM IST)