<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

હું મારા કાનને ગુરૂ માનું છું : સુનિલ ગઢિયા

વોઇસ ઓફ લેજન્‍ડ્‍સ દ્વારા કિશોર કુમારને શ્રધ્‍ધાંજલિ : શનિવારે રાજકોટમાં ગીતોથી ફરી જીવંત થશે કિશોરકુમાર : કાલે રાત્રે ૯.૧૫ કલાકે હેમુગઢવી ઓડિટોરીયમ ખાતે ધુરંધર ગાયક કિશોર કુમારને શ્રધ્‍ધાંજલિ રૂપ ‘અ ટ્રિબ્‍યુટ ટુ કિશોર કુમાર' અવિસ્‍મરણીય સંગીતનો જલ્‍સો સંગીતપ્રેમીઓ માટે યોજાશે : કલાકારો સુનિલ ગઢિયા, રીના ગજ્જર અને હેતલ મુન્‍શી પંડ્‍યા તથા મહેમાન ગાયક ગીત ગઢીયા તથા મોહિતભાઇ બુચ સુમધુર ગીતો પીરસશે : સુનિલ ગઢિયા મૂળ ગુજરાતી હોવા છતાં કિશોર કુમારે ગાયેલા બંગાળી ભાષાના ગીતો શાબ્‍દિક ભૂલ વિના ગાઇ જાણે છે

સુનિલ ગઢિયા : હેતલ મુન્‍શી : રીના ગજ્જર : ગીત ગઢીયા :  મોહિત બુચ

રાજકોટ, તા.૧૭ : રાજકોટમાં સંગીતના કાર્યક્રમો અવાર-નવાર થતા રહે છે. રંગીલા રાજકોટવાસીઓ પણ તેને મનભરીને માણે છે. રાજકોટને મ્‍યુઝીકમાં વેરાઇટી મળતી થઇ છે અને મુંબઇના બોલીવુડના ધુરંધર નામી કલાકારો રાજકોટ આવતા થયા છે. અનેક કલાકારો રાજકોટ આવી પર્ફોમ કરે છે પરંતુ રાજકોટમાં પણ એવા કલાકારો છે જે બહાર જઇ પોતાનું પર્ફોમન્‍સ આપે છે. આવોજ એક સુમધુર કાર્યક્રમ ‘વોઇસ ઓફ લેજન્‍ડસ' ગ્રૂપ સૌપ્રથમ વખત રાજકોટને આપવા જઇ રહ્યા છે. કાલે શનિવાર તા.૧૮ને રાત્રે ૯.૧૫ કલાકે હેમુગઢવી ઓડિટોરીયમ ખાતે ધુરંધર ગાયક કિશોર કુમારને શ્રધ્‍ધાંજલિ રૂપ ‘અ ટ્રિબ્‍યુટ ટુ કિશોર કુમાર' અવિસ્‍મરણીય સંગીતનો જલ્‍સો સંગીતપ્રેમીઓ માટે યોજાવાનો છે. કિશોર કુમારે ગાયેલા અને લોકોને હૈયે વસેલા સુમધુર ગીતો રાજકોટવાસીઓને ગાયકો સુનિલ ગઢિયા, રીના ગજ્જર અને હેતલ મુન્‍શી પંડ્‍યા દ્વારા પીરસવામાં આવશે.

અકિલાના આંગણે આવેલ આયોજકો અને કલાકારોમાંના મુખ્‍ય કલાકાર સુનિલ ગઢિયા (વોઇસ ઓફ કિશોર કુમાર) મૂળ રાજકોટના છે અને છેલ્લા ૪૦ વર્ષથી માત્ર કિશોર કુમારના ગીતો ગાય છે. તેઓ છેલ્લા ૧૪ વર્ષથી રાજકોટ ઉપરાંત દિલ્‍હી, કોલકતા વગેરે શહેરોમાં પર્ફોમ કરે છે. ઉલ્લેખનીય છે કે, તેઓ મૂળ ગુજરાતી હોવા છતાં કિશોર કુમારે ગાયેલા બંગાળી ભાષાના ગીતો એક પણ શાબ્‍દિક ભૂલ વિના ગાઇ જાણે છે. આ અંગે સુનિલભાઇ ગઢિયાએ જણાવ્‍યું કે, મને બંગાળી ભાષા આવડતી નથી પરંતુ રવિન્‍દ્રનાથ ટાગોરના રવિન્‍દ્ર સંગીતના અને કિશોર કુમારે ગાયેલા ગીતો હું બખુબી ગાઇ જાણું છું. હું બંગાળી ભાષા શિખ્‍યો નથી પણ સાંભળીને ગાઉં છું. કિશોર કુમારે લગભગ ૧૭૫ થી ૨૦૦ ગીતો બંગાળી ભાષામાં ગાયા છે. સુનિલ ગઢિયાને કોલકતાના મમતા બેનર્જી સરકારના મંત્રી અરૂણ રોયના હસ્‍તે બે વખત એવોર્ડ પણ મળ્‍યો છે.

કિશોર કુમાર સંગીત શિખ્‍યા નહોતા છતા ખુબ સુંદર ગીતો તેમણે આપ્‍યા છે. જયારે સુનિલભાઇ ગઢિયા પણ સંગીત શીખ્‍યા નથી છતાં કિશોર કુમારની ખુબ નજીક નો અવાજ તેઓ ધરાવે છે. તેઓ કહે છે, મને નાનપણથી જ સંગીતનો શોખ હતો. તેમાંય કિશોર કુમારના ગીતો સૌથી વધુ સાંભળ્‍યા છે. તેમના ગીતોમાં રોમેન્‍ટિક, ફની, સેડ એવા દરેક મૂડ જોવા મળે છે. આથી કિશોર કુમારના ગીતો મારી સૌથી વધુ નજીક છે. હું મારા કાન ને ગુરૂ માનું છું. કારણ કિશોરદા ના ગીતો સાંભળીને જ હું ગાતો થયો છું. હું ૧૯૯૦ થી કિશોર કુમારના ગીતોનો વન મેન શો કરૂં છુ. મારી પાસે તેમના ૨૯૦૫ જેટલા ગીતો મળી શકે છે.

સુનિલભાઇ ગઢિયાએ વધુમાં જણાવ્‍યું કે, કિશોર કુમારના ગીતો જેટલી વખત સાંભળો તેમાંથી નવું મળે છે. તેમણે ગીતોમાં શ્વાસ ક્‍યાં લીધો, કઇ હરકત લીધી, શબ્‍દ પર વજન વગેરે દર વખતે ગીતો સાંભળતા નવું જાણવા મળે છે. ગાયકોએ એ વાતનો પણ ખ્‍યાલ રાખવો જોઇએ કે હિન્‍દી ગીત ગાતી વખતે તમારી માતૃભાષાનો ટચ તેમાં આવવો જોઇએ નહીં.

આ કાર્યક્રમમાં વડોદરાના ખ્‍યાતનામ ગાયિકા હેતલ મુન્‍શી પંડ્‍યા પણ તેમના અવાજથી લોકોને અલગ દુનિયાની સફર કરાવવાના છે. તેઓ લતા મંગેશકર અને આશા ભોંસલેના ગીતો બખુબી ગાઇ જાણે છે. હેતલબેન છેલ્લા ૩૫ વર્ષથી સંગીતની દુનિયામાં સક્રિય છે. તેમણે અનેક સ્‍ટેજ પ્રોગ્રામ તથા ગુજરાતી ફિલ્‍મો અને ઘણી બધી જાહેરાતોમાં પોતાનો કંઠ આપ્‍યો છે. ધુરંધર ગાયકો જેવાકે, ઉદિત નારાયણ, સોનુ નિગમ, કુમાર સાનુ, મહમદ અઝીઝ, શબ્‍બિર કુમાર, વિનોદ રાઠોડ, અનવર વગેરે સાથે સ્‍ટેજ પ્રોગ્રામ આપ્‍યા છે. વધુમાં હેતલબેન એકમાત્ર એવા ગાયિકા છે જેમને વડોદરામાં ગઝલ સમ્રાટ ગુલામ અલી સાથે સ્‍ટેજ પર પર્ફોમ કરવાનું સૌભાગ્‍ય મળ્‍યું છે.

કાર્યક્રમના અન્‍ય જામનગરના ગાયિકા રીના ગજ્જર પણ આશાજી અને લતાજીના ગીતો સુંદર રીતે ગાઇ જાણે છે. તેઓ ૧૦ વર્ષથી સ્‍ટેજ પ્રોગ્રામ આપી રહ્યા છે. આ કાર્યક્રમમાં મહેમાન ગાયક તરીકે મોહિતભાઇ બુચ તથા ગીત ગઢિયા પણ તેમની કલાનો પરિચય આપશે.

આ સમગ્ર કાર્યક્રમના આયોજનમાં ‘વોઇસ ઓફ લેજન્‍ડ્‍સ' ગ્રૂપના ફાઉન્‍ડર કેતનભાઇ મહેતા, સુનિલભાઇ લાખાણી, અરૂણભાઇ શિશાંગીયા, ગીત ગઢિયા તથા બિરેનભાઇ બુચ જહેમત ઉઠાવી રહ્યા છે. કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટના બિલ્‍ડર અગ્રણી ક્રિસ્‍ટલ ગ્રુપના બાકિરભાઇ ગાંધી તેમજ જાણીતા ઉદ્યોગકાર અક્ષિત પોબારૂ તેમજ અનેક મિત્રોનો સહયોગ સાંપડી રહ્યો છે. શનિવાર તા.૧૮ ને રાત્રે ૯.૧૫ કલાકે આયોજીત ‘અ ટ્રિબ્‍યુટ ટુ કિશોર કુમાર' કાર્યક્રમ અચૂક માણવા જેવો છે. કાર્યક્રમમાં ઓરકેસ્‍ટ્રા અમદાવાદના મિતેશ દેસાઇ ગ્રુપનું છે. કાર્યક્રમનું સંચાલન જામનગરના બિમલ ઓઝા કરશે. અકિલા ખાતે કાર્યક્રમના આયોજક કેતનભાઇ મહેતા, કલાકાર સુનિલભાઇ ગઢિયા, ઉદ્યોગપતિ સુનિલભાઇ લાખાણી, મોહિતભાઇ બુચ, બિરેનભાઇ બુચ ઉપસ્‍થિત રહી વિગતો આપી હતી. કાર્યક્રમની ટીકિટ અને વધુ વિગત માટે કેતનભાઇ મહેતા  ૯૯૨૪૬૩૯૩૯૯, અરૂણભાઇ શિશાંગીયા - ૯૮૨૪૦૮૮૫૭૭ અને સુનિલભાઇ લાખાણી - ૯૮૨૫૨૧૯૧૮૯ પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

કલાકારોને મંચ પુરો પાડશે ‘વોઇસ ઓફ લેજન્‍ડ્‍સ' ગ્રૂપ

રાજકોટમાં કિશોર કુમારને શ્રધ્‍ધાંજલિ સાથે વોઇસ ઓફ લેજન્‍ડ્‍સ ગ્રૂપની શરૂઆત થઇ રહી છે ત્‍યારે તેના ફાઉન્‍ડર કેતનભાઇ મહેતાએ અકિલાને જણાવ્‍યું હતું કે, અમે મિત્રોને એવો વિચાર આવ્‍યો કે રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં એવા ઘણા કલાકારો છે જેમનો અવાજ મૂળ કલાકારની ઘણો નજીકનો હોય.

ઉપરાંત આજની નવી પેઢીમાં પણ એવા કલાકારો છે જે નવા ગાયકોની નજીકનો અવાજ ધરાવે છે. આવા કલાકારોને મંચ પુરૂ પાડવા વોઇસ ઓફ લેજન્‍ડ્‍સ ગ્રૂપની શરૂઆત કરી છે. આગામી ઓગસ્‍ટમાં જામનગર ખાતે બીજા શોનું આયોજન પણ કર્યું છે. આર્થિક ઉપાર્જન માટે નહિં પણ લોકો તેમના તણાવને દુર કરી સંગીતનો આનંદ માણી શકે તે હેતુથી આ ગ્રૂપની સ્‍થાપના કરાઇ છે.

બડે ધુનિવાલે બાબા એ

કિશોર કુમારને જયારે બોલતા કર્યા....

કાલે તા.૧૮ ને શનિવારે કિશોર કુમારને શ્રધ્‍ધાંજલિ અર્પતો અને કિશોર કુમારના ગીતોનો અદભૂત કાર્યક્રમ રાજકોટમાં યોજાવા જઇ રહ્યો છે ત્‍યારે અકિલાના આંગણે આવેલા કલાકાર સુનિલભાઇ અઢિયાએ કિશોર કુમારનો એક સાંભળેલો અદભૂત કિસ્‍સો કહ્યો હતો તે મુજબ જયારે કિશોર કુમાર નાના હતા ત્‍યારે બોલી નહોતા શક્‍તા. તેમની માતાને કોઇએ કહ્યું કે ખંડવામાં જયાં તેઓ રહેતા ત્‍યાં બડે ધુનિવાલે બાબાનું મંદિર આવેલું છે તેમને મળો અને તેમના આશીર્વાદ મેળવો.

કિશોરદાને લઇ તેમના માતા એ મંદિરે ગયા. જયાં બાબાએ કિશોર કુમારને બે લાડુ ખાવા આપ્‍યા અને તેના માથા પર એક છડી રાખી અને તેમની માતાને કહ્યું ‘તેરા બેટા મરને કે બાદ ભી બોલેગા'. એ પછી કિશોરદા બોલતા થઇ ગયા. આજે પણ તેમના ગીતોથી તે લોકોના દિલમાં જીવંત છે. સુનિલભાઇ ગઢિયા એ કિશોર કુમારના ગામ ખંડવામાં પણ પર્ફોમ કર્યું છે.

(3:09 PM IST)