<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

એરપોર્ટ પોલીસ અને શાપર પોલીસના ચોરીઓના ગુનામાં ફરાર વિજય પકડાયો

ક્રાઇમ બ્રાંચના પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીએસઆઇ ડી. સી. સાકરીયાની ટીમના વિજયરાજસિંહ, હરદેવસિંહ, કુલદિપસિંહની બાતમી પરથી બસ સ્ટેશનમાંથી પકડી લેવાયો

રાજકોટ તા. ૧૭: શહેરના એરપોર્ટ પોલીસ સ્ટેશનના રૂા. ૧,૩૧,૮૪૦ની ચોરી તથા શાપર વેરાવળની ૨,૮૫,૦૦૦ની ઘરફોડ ચોરીના ગુનામાં ફરાર આરોપી વિજય મુકેશભાઇ સોલંકી (ઉ.વ.૨૧-રહે. હાલ જેતપુર સામા કાંઠે, આશાપુરા ચોક, મુળ માળીયા હાટીના જી. જુનાગઢ)ને શહેર ક્રાઇમ બ્રાંચના હેડકોન્સ. વિજયરાજસિંહ જાડેજા, હરદેવસિંહ રાઠોડ અને કોન્સ. કુલદિપસિંહ જાડેજાની બાતમી પરથી રાજકોટના એસટી બસ સ્ટેશનમાંથી પકડી લેવાયો છે.

એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૩માં રૂા. ૧,૩૨,૮૪૦ની કિમતની વાહનોની બેટરીની ચોરીનો ગુનો નોંધાયો હતો. જેમાં વિજયનું નામ ખુલ્યા બાદ ફરાર હતો. આ ઉપરાંત શાપરમાં પણ રૂા. ૨,૮૫,૦૦૦ની વાહનોની બેટરીની ચોરીના ગુનામાં પણ તેનું નામ ખુલ્યા બાદ ફરાર હતો. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જેસીપી વિધી ચોૈધરી, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયાની સુચના અને પીઆઇ એમ. આર. ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઇ ડી. સી. સાકરીયા, એએસઆઇ અશોકભાઇ કલાલ, રણજીતસિંહ પઢારીયા, હેડકોન્સ. વિજયરાજસિંહ જાડેજા, હરદેવસિંહ રાઠોડ, સંજયભાઇ દાફડા, કુલદીપસિંહ જાડેજા અને વિજયભાઇ મેતાએ આ કામગીરી કરી હતી.

(3:15 PM IST)