News of Friday, 17th May 2024
નવાગામમાં મુકેશભાઇના એક દિ' રેઢા રહેલા મકાનમાંથી ૧.૨૭ લાખની ચોરી
પત્નિને સાથે લઇ વતન રાજપરા ગામે કાકીની ખબર પુછવા ગયા બાદ બનાવઃ રોકડ-દાગીના ઉસેડી જવાયાઃ કુવાડવા પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૭: ચોરીનો વધુ એક બનાવ બન્યો છે. નવાગામ રંગીલા સોસાયટી વાસંગી મંદિર પાસે રહેતાં અને કડીયા કામ કરી ગુજરાન ચલાવતાં મુકેશભાઇ સામતભાઇ બાવળીયા (ઉ.વ.૩૯) પત્નિને લઇ વતન રાજપરા ગામે ગયા હોઇ એક દિવસ રેઢા રહેલા મકાનમાં ત્રાટકી તસ્કરો રોકડ-દાગીના મળી ૧.૨૭ લાખની માલમત્તા ચોરી ગયા હતાં.
મુકેશભાઇ બાવળીયાએ જણાવ્યું હતું કે હું પરિવાર સાથે રહુ છું અને બાંધકામના કામ રાખી ગુજરાન ચલાવુ છું. મારા પિતાજી સામતભાઇ રાજપરા ગામે ખેતી કરે છે અને માતા બચુબેન ત્યાં જ રહે છે. ૧૫મીએ સવારે દસેક વાગ્યે હું અને મારા પત્નિ દીપુ અમારા બાળકોને મારા સાઢુભાઇ કિશોરભાઇ જે અમારી સામે જ રહે છે તેની ઘરે મુકીને વતન રાજપરા કાકી બિમાર હોઇ તેમની ખબર પુછવા ગયા હતાં. ત્યાંથી પરત આવવાની તૈયારી કરતાં હતાં ત્યારે ભારે પવન વરસાદને કારણે અમારા મકાનના નળીયા ઉડી જતાં નુકસાની થતાં હું અને પત્નિ રાત રોકાઇ ગયા હતાં. બીજા દિવસે ૧૬મીએ મારા પત્નિને મારા પાટલાસાસુ આરતીબેને ફોન કરી જાણ કરી હતી કે તમારી દિકરીના કપડા લેવા તમારા ઘરે ગઇ ત્યારે ડેલી ખોલતાં ખુલી નહોતી. નાની ઓરડીનો પતરાનો દેરવાજો પણ શેરીમાં પડ્યો છે. ઓરડીનો બીજો દરવાજો અર્ધખુલ્લો દેખાયો હતો. તેમજ મકાનનો દરવાજાના તાળા તુટેલા હતાં.
આથી અમે ઘરે આવ્યા હતાં અને તપાસ કરતાં તસ્કરો ઘરમાંથી રૂા. ૯૦૫૦૦ રોકડા, કાન નાકના દાણા, સોનાનું પેન્ડલ, ચાંદીના સાકડા-છડા, ચાંદીની બંગડીઓ, કંદોરો, મંગળસુત્ર, વીંટીઓ વગેરે મળી કુલ રૂા. ૧,૨૭,૫૦૦ની મત્તા ચોરી ગયાનું જણાયું હતું. ચોર ડેલી ટપી ફળીયામાં આવી દરવાજાના તાળા નકુચા તોડી આ ચોરી કરી ગયા હતંાં. પીઆઇ વી. આર. રાઠોડની રાહબરીમાં પીએસઆઇ એમ. જે. વરૂએ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
(3:21 PM IST)










