News of Friday, 17th May 2024
બે બનાવમાં ટુવ્હીલરચાલકોએ એસટી બસના ચાલકોને ઘુસ્તાવ્યા, લાફા માર્યા
બસ સ્હેજ અડી જતાં અને વચ્ચે ટુવ્હીલર હોઇ બસ ચાલકે હોર્ન વગાડતાં ડખ્ખો : યાજ્ઞિક રોડ અને એસટી વર્કશોપ પાસેના બનાવમાં ફરજમાં રૂકાવટના ગુના નોંધાયાઃ એકસેસ ચાલકની પણ બસના ડ્રાઇવર વિરૂધ્ધ વળતી ફરિયાદ

રાજકોટ તા. ૧૭: શહેરમાં વાહન અથડાવા પ્રશ્ને મારામારીની ઘટનાઓ સતત બનતી રહે છે. દરમિયાન બે અલગ અલગ સ્થળે એસટી બસના ચાલકો ઉપર હુમલાના બનાવ બન્યા હતા. જેમાં ડો. યાજ્ઞિક રોડ તેમજ ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ પાસે એસટી બસના ચાલક ઉપર હુમલો થતાં એ-ડિવીઝન અને માલવીયાનગર પોલીસ મથકમાં ગુના નોંધાયા છે. એક બનાવમાં તો એસટી બસના ચાલક વિરૂધ્ધ પણ ગુનો દાખલ થયો છે.
જાણવા મળ્યા મુજબ કેશોદમાં રહેતાં એસટી ડ્રાઈવર કરશનભાઈ ભીલાભાઈ કોડિયાતર (ઉ.વ.૩૨)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તે ખંભાળિયા ડેપોમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. ખંભાળિયાથી વડોદરા રૂટની એસટી બસ લઈ નીકળ્યા હતા અને રાજકોટ ડો. યાજ્ઞિક રોડ પર પહોંચતા એકસેસ ટુવ્હીલરનો ચાલક ઓવરટેઈક કરવા જતાં તેણે બસને બ્રેક મારી હતી. જેને કારણે એકસેસનો ચાલક અને પાછળ બેઠેલી મહિલા નીચે પડી ગયા હતા. તે ચાલક બસની ડ્રાઈવર સાઈડનો દરવાજો ખોલી કેબીનની અંદર ઘસી આવ્યો હતો અને તને બસ ચલાવતાં આવડે છે કે નહીં? તેમ કહી કાઠલો પકડી ગાળો દઇ મારકુટ કરી હતી. કંડકટર જાગૃીતબેન પટેલે આ ઘટનાનો વિડીયો ઉતારતાં મારકુટ કરનાર શખ્સ નીચે ઉતરી ગયો હતો. ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરાયો હતો.
સામા પક્ષે એકસેસ ચાલક હાર્દિકભાઈ સુરેશભાઈ જોબનપુત્રા (ઉ.વ.૩૧,રહે. રામવિહાર સોસાયટી શેરી નં.ર, નાના મવા રોડ)એ એસટી બસના ચાલક સામે વળતી ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે સેલોટેપનો વેપાર કરે છે.માતાને લઈ સવારે ઢેબર રોડ પરની બેન્કે આવ્યો હતો. ત્યાંથી પરત જતો હતો ત્યારે ડો.યાજ્ઞિક રોડ પર એસટી બસને ઓવરટેઈક કરવા જતાં બસની ડાબી બાજુનો આગળનો ભાગ તેના વાહન સાથે અથડાયો હતો. જેને કારણે માતા નીચે પડી ગયા હતા. તત્કાળ તેણે પત્નિ જલ્પાબેનને કોલ કરતાં તે આવી પહોંચી હતી. આ પછી તેણે બસ ચાલકને સરખી રીતે બસ ચલાવવાનું અને નીચે ઉતરવાનું કહેતાં તેની સાથે બોલાચાલી કરી હતી. એટલું જ નહીં મારામારી પણ કરી હતી. તેની માતાને ઈજા થતાં સિવીલમાં ખસેડાયા હતા. તેને પણ મૂંઢ ઈજા થઈ હતી પરંતુ સારવાર લીધી ન હતી. આ મારામારીનો વિડીયો પણ વાયરલ થયો હતો. બંને બનાવમાં પીઆઇ આર. જી. બારોટની રાહબરીમાં હેડકોન્સ. ધર્મેશભાઇ પરમારે કાર્યવાહી કરી હતી.
એસટી બસના ચાલક સાથે માથાકુટના અન્ય એક બનાવમાં રાજકોટ ડેપોના ડ્રાઈવર લાલાભાઈ ભીખુભાઈ ધાંધલ (ઉ.વ.૩૧, રહે. આંબાવાડી શેરી નં.૪, સંત કબીર રોડ)એ માલવીયાનગર પોલીસ મથકમાં જીજે૦૩જેડી-૧૭૪૧ નંબરના એકટીવા ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે પોતે ભાવનગરથી રાજકોટ એસટી ડેપોમાં પેસેન્જરને ઉતારી બસને મેન્ટેનન્સ માટે ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે લઈ જતા હતા. વર્કશોપ નજીકમાં પહોંચ્યા ત્યારે રોડની વચ્ચે એકટીવા ચાલતું હોવાથી હોર્ન માર્યું હતું. જેથી એકટીવા ચાલક ઉશ્કેરાઈ અને પોતાનું વાહન ઉભું રાખી દોડીને ડ્રાઈવર સાઈડના દરવાજા પાસે પગા પર પગ રાખી ઉપર ચડી બારીમાંથી હાથ કાઢી મોઢા અને નાક ઉપર મુક્કા માર્યા હતા.
આ મારને કારણે તેને નાકમાંથી લોહી નીકળી ગયું હતું. તેમજ એ શખ્સે દરવાજો ખોલી નીચે ઉતારી તમાચા પણ માર્યા હતાં અને ગાળો દીધી હતી. લોકોએ તેને છોડાવ્યા હતાં. મારામારી વખતે એકટીવા ચાલકે પોતાના મોબાઈલમાં વીડીયો શુટીંગ શરૂ કરી કહ્યું કે તું કેમ નોકરી કરશ, હમણાં તને સસ્પેન્ડ કરાવુ છું. સાથોસાથ વીડીયો વાયરલ કરવાની ધમકી પણ આપી હતી. પોલીસ પહોંચી જતાં આરોપીને લઈ ગઈ હતી. પોલીસે જણાવ્યું કે,આરોપીનું નામ શ્યામલ ભરત જોષી (ઉ.વ.૩૨) છે.જે ગોંડલના ગુંદાસરા ગામે રહે છે. એએસઆઇ કે. યુ. વાળાએ કાર્યવાહી કરી હતી.
(3:41 PM IST)










