<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

ચાર દરોડામાં બી-ડિવીઝન, કુવાડવા, આજીડેમ પોલીસે દારૂ-બીયર સાથે બેને પકડ્યાઃ સપ્લાયરોના નામ ખુલ્યા

ચૂંટણી ટાણે ગૂમ થઇ ગયેલા નાના મોટા બૂટલેગરો ફરી પટમાં આવ્યાઃ ૭.૫૬ લાખનો મુદ્દામાલ કબ્જે : ભગવતીપરાનો સાગર રિક્ષાના ચોરખાનામાં દારૂ છુપાવી નાની મોલડીના શખ્સ પાસેથી લાવ્યો ને પકડાયોઃ કુવાડવા પોલીસે નવાગામમાંથી અલ્ટોમાં દારૂ સાથે ગોૈતમને પકડ્યોઃ ચોટીલાના શખ્સની તલાસઃ આજીડેમ પોલીસને દારૂ ભરેલી અલ્ટો રેઢી મળીઃ એક ઘરમાંથી જથ્થો મળ્યો, લાવનાર શખ્સ હાજર નહોતો

રાજકોટ તા. ૧૭: શહેરમાં લોકસભાની ચૂંટણી ટાણે વિદેશી દારૂની હેરાફેરી સદંતર બંધ થઇ ગઇ હતી. હવે ફરીથી નાના મોટા બૂટલેગરો પટમાં આવી જતાં પોલીસ ફરી સક્રિય બની છે. ચાર સ્થળે દરોડામાં પોલીસે ૯૭૭૦૦નો દારૂ તથા બે કાર, એક માલવાહક રિક્ષા મળી રૂા. ૬,૫૬,૬૦૦ના વાહનો મળી કુલ ૭,૫૬,૨૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. બી-ડિવીઝન પોલીસે જુના મોરબી રોડ પરથી દારૂ-બીયર ભરેલી માલવાહક રિક્ષા સાથે ભગવતીપરાના શખ્સને પકડ્યો હતો. તેને ચોટીલાના નાની મોલડીના શખ્સે આ જથ્થો ભરી દીધો હતો. રિક્ષામાં ભંગાર નીચેથી બીયર મળ્યા હતાં, જ્યારે કારગોવાળા ભાગમાં ચોરખાનામાંથી દારૂની બોટલો મળી હતી.  કુવાડવા પોલીસે નવાગામમાં અલ્ટો કારમાં દારૂ સાથે એક શખ્સને પકડ્યો હતો. તે ચોટીલાના શખ્સ પાસેથી આ જથ્થો લાવ્યો હતો. જ્યારે આજીડેમ પોલીસે દારૂ ભરેલી અલ્ટો કાર રેઢી હાલતમાં પકડી હતી. બીજા દરોડામાં એક ઘરમાંથી દારૂનો જથ્થો પકડ્યો હતો.

પ્રથમ દરોડાની માહિતી મુજબ બી-ડિવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે કોન્સ. રાજદીપભાઇ પટગીરને બાતમી મળી હતી કે ગ્રીનલેન્ડ ચોકડીથી જીજે૦૩એએકસ-૧૧૧૮ નંબરની માલવાહક રિક્ષા નીકળી છે અને તે જુના જકાતનાકા થઇ મોરબીરોડના રસ્તેથી ભગવતીપરા તરફ જવાની છે. આ રિક્ષામાં કારગોના ભાગમાં ચોરખાનુ બનાવી દારૂ છુપાવી રખાયો છે. આ બાતમી મળતાં જુના મોરબી રોડ સીટી સ્ટેશન નજીક વોચ રાખી રિક્ષા પકડી લીધી હતી. તેના ચાલકની પુછતાછ કરતાં પોતાનું નામ સાગર બાબુભાઇ માવલા (ઉ.વ.૩૨-રહે. ભગવતીપરા મેઇન રોડ, બોરીચા સોસાયટી-૧) જણાવ્યુ઼ હતું.

રિક્ષામાં ઠાઠામાં ભંગારનો સામાન ભર્યો હતો. તેને આઘોપાછો કરી જોતાં ખાખી કલરના ગોડફાધર લખેલા ત્રણ બોકસ મળી આવ્યા હતાં. આ બોકસ ખોલતાં અંદરથી બીયરના ૭૨ ટીન મળ્યા હતાં. તેમજ રિક્ષાના પાછળના કારગોવાળા ભાગમાં હેન્ડલવાળુ ખાનુ હોઇ તે ખોલીને જોતાં તેમાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ ૪૦ મળી હતી. કુલ ૨૭૨૦૦નો દારૂ બીયર મળતાં તે અને ૫૦ હજારની રિક્ષા, મોબાઇલ મળી ૧,૦૧,૪૦૦નો મુદ્દામલ કબ્જે કર્યો હતો. પુછતાછમાં સાગરે કહ્યું હતું કે પોતાને આ દારૂનો જથ્થો ચોટીલાના નાની મોલડીના સોમકુ ગભરૂભાઇ ખાચરે આપ્યો છે. પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીએસઆઇ કે. ડી. મારૂ, હેડકોન્સ. રાજેશભાઇ બાળા, ક્રિપાલસિંહ ઝાલા, કોન્સ. પંકજભાઇ માળી, વિશ્વજીતસિંહ ઝાલા, ભાનુશંકર ધાંધલા, રાજદિપભાઇ પટગીર સહિતની ટીમે આ કામગીરી કરી હતી.

બીજા દરોડામાં કુવાડવા રોડ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે કોન્સ. સંજયભાઇ મિયાત્રા, એએસઆઇ એમ. એમ. કુંભારવાડીયા અને જયપાલભાઇ બરાળીયાને બાતમી મળી હતી કે નવાગામ દિવેલીયાપરા સ્મશાનની સામેની શેરીમાં ખુલ્લા પ્લોટમાં સફેદ રંગની આઇ-૨૦ જીજે૦૩એએલ-૨૮૪૬માં દારૂનો જથ્થો લઇને એક શખ્સ ઉભો છે. આ બાતમી પરથી ટીમે ત્યાં પહોંચી કારમાં તપાસ કરતાં એક શખ્સ બેઠો હોઇ તેને સકંજામાંલઇ પુછતાછ કરતાં પોતાનું નામ ગોૈતમ મનસુખભાઇ ચાવડા (ઉ.વ.૨૪-રહે. નવાગામ રંગીલા સોસાયટી, નવીન રેસીડેન્સી રઘુવીર ડેલાની પાછળ) જણાવ્યું હતું. કારમાં તલાસી લેતાં એઇટ પીએમ વ્હીસ્કી અને વાઇટ લેસ વોડકાની મળી ૩૨૫૦૦ની ૬૫ બોટલો મળતાં ગુનો નોંધી દારૂ અને ૩ લાખની કાર તથા મોબાઇલ ફોન મળી કુલ રૂા ૩,૩૫,૫૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.  તેણે પુછતાછમાં આ દારૂ ચોટીલાના હિતેશ ધોરીયાએ આપ્યાનું કહેતાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

પીઆઇ વી. આર. રાઠોડ, એએસઆઇ કે. વી. જાડેજા, એમ. એમ. કુંભારવાડીયા, હેડકોન્સ. અરવિંદભાઇ મકવાણા, વી. એ. ગરચર, ડી. વી. પરમાર, કોન્સ. જયપાલભાઇ બરાળીયા, જયદિપભાઇ ધોળકીયા, ધર્મરાજસિંહ રાણા, સંજયભાઇ મિયાત્રા સહિતના સ્ટાફે આ કામગીરી કરી હતી.

ત્રીજા દરોડામાં આજીડેમ પોલીસની ટીમ દારૂ જૂગારના કેસ શોધવા પેટ્રોલીંગમાં હતી ત્યારે કોન્સ. હરપાલસિંહ જાડેજા અને હેડકોન્સ. પિયુષભાઇ ચીરોડીયા તથા કોનસ. ગોપાલભાઇ બોળીયાને બાતમી મળી હતી કે કોઠારીયા રોડ પિતૃકૃપા ઓફિસ નજીક કાચા માર્ગ પર સફેદ રંગની અલ્ટો કાર ગઇ છે અને તેમાં દારૂ ભરેલો છે. આથી ટીમ એ જગ્યાએ પહોંચતા સફેદ રંગની અલ્ટો જીજે૨૩એએન-૬૧૬૮ જોવા મળી હતી. તેમાં કોઇ હાજર ન હોઇ અંદર તપાસ કરતાં એઇટ પીએમ વહીસ્કી, વોડકાની ૧૮૦ એમએલ, ૭૫૦ એમએલ અને ૩૭૫ એમએલની રૂા. ૨૧૬૦૦ની બોટલો મળતાં તે તથા રૂા. ૨ લાખની કાર કબ્જે કરી ચાલક-માલિકની શોધખોળ હાથ ધરી હતી. આજીડેમ પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં એએસઆઇ આર. ડી. વાંક, હારૂનભાઇ ચાનીયા તથા જેને બાતમી મળી તે કર્મચારીઓની ટીમે આ કામગીરી કરી હતી.

ચોથો દરોડો પણ આજીડેમ પોલીસે પાડ્યો હતો. કોન્સ. વિરેન્દ્રસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા અને પ્રદિપસિંહ ગોહિલને બાતમી મળી હતી કે માંડા ડુંગર નજીક શ્યામકિરણ સોસાયટી-૧માં રહેતાં કરણ મોહનભાઇ ખુમાણના ઘરમાં દારૂનો જથ્થો છુપાવાયો છે. આ માહિતી પરથી ત્યાં પહોંચી કરણના નામની બૂમ પાડવામાં આવી હતી. પણ તે બહાર ગયો હોવાનું કહેવાતાં અને એક બહેન બહાર આવતાં તેની પુછતાછ કરતાં પોતાનું નામ સેજલ મોહનભાઇ ખુમાણ (ઉ.વ.૨૦) જણાવતાં પોલીસે તેને ઓળખ આપી ફળીયામાં, હોલમાં તપાસ કરી હતી. પરંતુ કંઇ મળ્યું નહોતું. બાદમાં નવેળામાં તપાસ કરતાં એક કોથળામાંથી ઓફિસર ચોઇસ લખેલા ૩૭૫ એમએલ દારૂના ચપલા ૪૮ નંગ, ગ્રીનલેબલ વ્હીસ્કીના ૧૮૦ એમએલના ચપલા ૪૪ મળી કુલ રૂા. ૧૬૪૦૦નો દારૂ મળતાં કરણ વિરૂધ્ધ ગુનો નોંધી આ દારૂ જપ્ત કરાયો હતો. પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં એએસઆઇ હારૂનભાઇ આર. ચાનીયા સહિતે આ કામગીરી કરી હતી

(3:45 PM IST)