News of Friday, 17th May 2024
જાતીય સતામણીના કેસમાં પ્રો. સંજય તેરૈયાને નોકરીમાંથી બરતરફ કરાયા
ખાતાકીય તપાસના કામમાં હાઇકોર્ટના નિવૃત્ત જજની નિમણુંક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમ વખત : સૌરાષ્ટ્રના શૈક્ષણિક જગતમાં વિદ્યાર્થીની - છાત્રા સાથે અશોભનીય વર્તન કરનારને નોકરીમાંથી બરતરફ કર્યાનો પ્રથમ કિસ્સો

રાજકોટ તા. ૧૭ : દિન પ્રતિદીન મહિલાઓની સતામણી પજવણી કર્યા અંગેના કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહ્યા છે. રાજકોટની મહિલા કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા સંજય કે. તેરૈયાને નોકરીમાંથી બરતરફ કરવાનો નિર્ણય કર્યા હોવાનુ જાણવા મળેલ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના ઇતિહાસમાં જાતીય સતામણી/પજવણી કરવાના કેસમાં પ્રથમ વખત નોકરીમાંથી બરતરફીની સજા કરવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે.
મહિલા કોલેજમાં સીઇઓ તરીકે ફરજ બજાવતા ડો. પુરૂષોત્તમ પીપરીયાએ ફરીયાદ અંગે જાત દેખરેખ રાખી કયાય કચાસ ન રહે અને વિદ્યાર્થીની/છાત્રાને પુરતો ન્યાય મળે તે માટે અથાગ પ્રયત્ન કરતા આરોપીને બરતરફીની અંતિમ સજા સુધી પહોંચાડવામાં સફળ રહ્યા હતા.
સમગ્ર કેસની વિગત જોઈએ તો સંસ્થા સંચાલિત કોલેજની છાત્રા વિદ્યાર્થીનીએ પ્રો.સંજય કે. તેરૈયા વિરૂધ્ધ સેકસ્યુઅલ હેરેસમેન્ટ થયાની ફરીયાદ નોંધાવતા જણાવેલ કે, ‘રૂબરૂ અને વોટ્સએપ મેસેજમાં ખૂબ આબરૂ અને શરમજનક ટીપ્પણીઓ કરતા હતા. વારંવાર મારી ના પાડવા છતા પોતાની આ નાપાક હરકતો ચાલુ રાખેલી' તેમજ ‘આ વાત છુપાવવા માટે રૂબરૂમા વારંવાર ધમકી પણ આપેલ છે.' તેવી નૈતિક અધઃપતન વાળી ગંભીર પ્રકારની ગેરવર્તણુંક/ગેરશીસ્ત વાળી ફરીયાદ કરેલ હતી.
પોતાની સામેના આરોપો અંગે પ્રો.સંજય કે. તેરૈયાએ જણાવેલ કે ‘વોટ્સએપ મેસેજમા સામાન્ય વાત થયેલ છે તે દરમ્યાન કોઈપણ ઘટના દ્વારા જાણે-અજાણે કોઈપણ રીતે મન દુભાયુ હોય તો ક્ષમ્ય ગણશો.' તેમ દર્શાવી સબંધિત કર્મચારીએ કોલેજની છાત્રા/વિદ્યાર્થીનીએ કરેલ ફરીયાદના તથ્યો પૈકી સેકસ્યુઅલ હેરેસમેન્ટ પ્રકારના તથ્યોને સ્વીકારેલ હતા અને આંતરીક ફરીયાદ સમીતી સમક્ષ આ બાબતને રજુ કરવામાં આવેલ.
સેકસ્યુઅલ હેરેસમેન્ટની ફરીયાદ કરનાર ફરીયાદી વિદ્યાર્થીની/છાત્રાએ આંતરીક ફરીયાદ સમીતી સમક્ષ સ્વૈચ્છીક નિવેદન આપી અને તેમની સાથે વોટ્સએપ મેસેજના સ્ક્રિનશોટસ રજૂ કરેલ, જે નિવેદનમાં સબંધિત કર્મચારીએ વિદ્યાર્થીની/છાત્રા સાથે સેકસ્યુઅલ હેરેસમેન્ટ કર્યાના આક્ષેપો અંગે નિવેદન આપેલ તે આક્ષેપો ગંભીર પ્રકારની નૈતિક અધઃપતન વાળી ગેરવર્તણુંક/ગેરશીસ્ત આચરી હોવાના હતા.
પ્રો. સંજય કે. તેરૈયાએ આંતરીક ફરીયાદ સમીતી સમક્ષ સ્વૈચ્છીક નિવેદન આપી વિદ્યાર્થીની/છાત્રાએ કરેલ સેકસ્યુઅલ હેરેસમેન્ટ અંગેના આક્ષેપોને સ્પષ્ટ રીતે સ્વીકાર કરેલ.
પ્રો. સંજય કે. તેરૈયા વિરૂધ્ધના આક્ષેપો અન્વયે આંતરીક ફરીયાદ સમીતીએપ્રો. સંજય કે, તેરૈયા વિરૂધ્ધ આક્ષેપો સાબિત થયા હોવાનો અહેવાલ આપેલ હતો.
તા.૨૬/૧૨/૨૦૨૨ ના રોજ પ્રો.સંજય કે. તેરૈયાને સસ્પેન્ડ કરવામાં આવેલ અને તેની વિરૂધ્ધ ખાતાકીય તપાસ કરવાનો નિર્ણય સંસ્થાએ કરેલ હતો, તે ખાતાકીય તપાસના કામમા સૌરાષ્ટ્ર યુનિવર્સીટી તરફથી યુનિવર્સીટીના પ્રતિનિધી તરીકે ગુજરાત હાઇકોર્ટના નિવૃત ન્યાયધીશ સાહેબની નિમણૂક કરેલ, જેઓ ખાતાકીય તપાસ સમીતીના ચેરમેન તરીકે રહ્યા હતા. જયારે સંસ્થા/કોલેજે ખાતાકીય તપાસ સમિતીના સભ્ય તરીકે એડવોકેટની નિમણૂક કરેલ, જયારે સબંધિત કર્મચારીએ ખાતાકીય તપાસ સમીતીના સભ્ય તરીકે એડવોકેટની નિમણુક કરેલ હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સીટી તરફથી નિમાયેલ તપાસ સમીતીના ચેરમેન હાઈકોર્ટના નિવૃત જજશ્રી અને સંસ્થા તરફથી નિમાયેલ તપાસ સમીતીના સભ્યશ્રીએ બહુમતીથી કર્મચારી વિરૂધ્ધના આક્ષેપોને સાબિત માની ફાઈન્ડીંગ્સ આપેલ, જયારે પ્રો. સંજય તેરૈયાએ તપાસ સમીતીના સભ્ય તરીકે નિમણૂંક કરેલ સભ્યએ ફાઇન્ડીંગ્સમા પ્રો.સંજય તેરૈયાની સામેના આક્ષેપો નિઃશંક પણે સાબિત થતા નથી, એટલે કે શંકાનો લાભ આપી ફાઈન્ડીંગ્સ આપેલ. ખાતાકીય તપાસ સમીતીના ત્રણ સભ્યો પૈકી બે સભ્યોની બહુમતીએ પ્રો.સંજય કે. તેરૈયા સામેના આક્ષેપોને નિઃશંક પણે સાબિત માનેલ હતા, જયારે પ્રો.સંજય કે. તેરૈયાએ નિમણૂક કરેલ સભ્યએ પ્રો.સંજય કે. તેરૈયાની સામેના આક્ષેપો નિઃશંક પણે સાબિત થતા નથી તેવુ માનેલ હતુ, એટલે કે, પ્રો.સંજય કે. તેરૈયાને શંકાનો લાભ આપેલ હતો.
તપાસનીસ સમીતીએ પ્રો. સંજય કે. તેરૈયા સામેના આરોપનામામા દર્શાવેલ તમામ આરોપો સંપૂર્ણ રીતે પૂરવાર થતા હોવાનુ બહુમતીથી માનેલ હતુ. ખાતાકીય તપાસ સમીતીના બહુમતિ સભ્યોએ પોતાના અહેવાલમા તે માટેના તારણો, વિવરણ, અવલોકન સહિત સંપૂર્ણ રીતે આરોપો પુરવાર થતા હોવાના તારણો આપેલ હતા. તેઓના તારણ સાથે સંસ્થાના ટ્રસ્ટી મંડળ પણ સર્વાનુમતે સહમત થયા હતા.
પ્રો. સંજય કે. તેરૈયા સંસ્થામા જવાબદાર કર્મચારી તરીકેની ફરજ બજાવતા હતા. પ્રો. સંજય કે, તેરૈયા સામેની ખાતાકીય તપાસમા કોલેજમા ભણતી વિદ્યાર્થીની છાત્રા સાથે સેકસ્યુઅલ હેરેસમેન્ટ કર્યા અંગેના અને નોકરીના સિધ્ધાંતો વિરૂધ્ધ પરીક્ષામા પાસ કરાવવા માટેના નૈતિક અધઃપતન વાળા ગંભીર પ્રકારની ગેરવર્તણુંક/ગેરશીસ્ત આચરી હોવાના આક્ષેપો બહુમતિથી સાબિત/પુરવાર થયેલ હતા.
તપાસનીસ કમીટીના ફાઇન્ડીંગ્સ ધ્યાને લઇ સંસ્થાએ પ્રો. સંજય કે. તેરૈયાની સામે કોલેજની છાત્રાને સેકસ્યુઅલ હેરેસમેન્ટ કર્યાના અને નોકરીના સિધ્ધાંતો અને નિયમો વિરૂધ્ધ પરીક્ષામાં પાસ કરાવવા માટેના નૈતિક અધઃપતન વાળા, ગંભીર પ્રકારની ગેરવતણુંક ગેરશીસ્ત આચરી હોવાનુ પુરવાર થયેલ હોય તેઓની સામે મુકવામાં આવેલ આરોપો નિઃશંકપણે સાબિત થયેલ હોય તે આરોપોની ગંભીરતા ધ્યાને લેતા પ્રો.સંજય કે. તેરૈયાને સંસ્થાની નોકરીમા રાખવા સંસ્થાના હિતમા ન હોય બરતરફ કરવાનો આખરી હુકમ કરવામાં આવેલ.
(4:22 PM IST)










