News of Sunday, 19th May 2024
મનપાનું જનરલ બોર્ડ બન્યું ‘ઔપચારીકતા' : થોડી મીનીટોમાં આટોપી લેવાયુ
પેન્ડીંગ... પેન્ડીંગ... પેન્ડીંગ... આદર્શ આચારસંહિતાને કારણે શ્રમિકોના રેનબસેરા માટે જમીન ફાળવવા સહિતની પાંચ દરખાસ્તો અનિર્ણીતઃ ભાજપના ૬૬ માંથી ૧૦, કોંગ્રેસના ૪ પૈકી ૨ તથા અપક્ષના ૨ કોર્પોરેટર હાજર ન રહેતા કુલ ૭૨ પૈકી ૫૬ નગરસેવકો ઉપસ્થિત

રાજકોટ તા. ૧૬: મ્યુનિ. કોર્પોરેશનમાં દર બે મહિને મળતી જનરલ બોર્ડની બેઠક આજે ૧૧ વાગ્યે મનપા કચેરીના બીજા માળે આવેલ સભાગૃહમાં મળ્યું હતું પરંતુ આચારસંહિતા હોવાથી પ્રશ્નોત્તરી થઇ ન હતી. વિવિધ પાંચ દરખાસ્તો પણ પેન્ડીંગ રહી હતી. બોર્ડ પ્રારંભે અને અંતમાં વંદે માતરમ્ ગાન કરી બોર્ડ ગણતરીની મીનીટોમાં જ બોર્ડ મીટીંગ પુર્ણ કરી દેવામાં આવી હતી.
આ અંગે સત્તાવાર પ્રાપ્ત માહિતી મુજબ આજના જનરલ બોર્ડ મીટીંગમાં રાજકોટ મહાનગરપાલિકાની ટી.પી. સ્કીમ નં. ૩ નાના મવા, અંતિમ ખંડ નં. ૪ પૈકી (વાણીજય વેચાણ) હેતુ પ્લોટની ફાળવણી રદ કરવા, રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ સંવર્ગની જગ્યાઓ ઉપર સીધી ભરતી અને બઢતીથી નિયુકત થતાં કર્મચારીઓને છઠ્ઠા પગારપંચ અનુસાર પગાર બાંધણી કરતા ઉદ્ભવેલ વિસંગતતા દુર કરવા, રાજકોટ મહાનગરપાલિકાની માર્કેટ શાખામાં ‘એન્ક્રોચમેન્ટ રિમુવલ ઇન્સ્પેકટર'ની હંગામી ઉપસ્થિત કરેલ ૯ જગ્યાઓને કાયમી સ્ટાફ સેટઅપમાં સમાવેશ કરવા, શહેરના વોર્ડ નં. ૧૨માં વાવડીને લાગુ રામનગર વિસ્તારમાં પીવાના પાણીની સગવડતા આપવા તથા રાજકોટ મહાનગરપાલિકાની હદમાં કડીયાનાકાથી નજીકના વિસ્તારમાં શ્રમિક બસેરા માટે જમીન ફાળવવા સહિત કુલ ૫ દરખાસ્તોનો સમાવેશ છે.
જો કે ઉપરોકત તમામ દરખાસ્તો પેન્ડીંગ રાખવાની ફરજ પડી હતી. કેમકે ૪મીએ ચૂંટણીના પરિણામ સુધી આદર્શ આચારસંહિતા અમલમાં રહેશે. એટલું જ નહી પ્રશ્નોત્તરી પણ નહી થઇ શકે. આમ, આજની જનરલ બોર્ડ મીટીંગ માત્ર વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જ મળી હતી.
આ બોર્ડમાં ભાજપના ૬૬ માંથી ૧૦, કોંગ્રેસના ૪ પૈકી ૨ તથા અપક્ષના ૨ કોર્પોરેટર હાજર ન રહેતા કુલ ૭૨ પૈકી ૫૬૮ નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીરઃ અશોક બગથરીયા)
( IST)










