News of Sunday, 19th May 2024
વધુ એક હૃદય ધબકારા ચુકી ગયું: ત્રણ બહેનના એકના એક ભાઇ દિવ્યેશભાઇ ડોડીયાનું મૃત્યુ થયું
૩૮ વર્ષિય યુવાન ઘરે એકાએક ઢળી પડયા બાદ જીવ ગયોઃ અગિયાર મહિના પહેલા જ લગ્ન થયા હતાં: કુવાડવા રોડ પટેલ પાર્કના પરિવારે આધારસ્તંભ ગુમાવતાં શોકની કાલીમા

રાજકોટ તા. ૧૮: હૃદય બંધ પડી જવાથી મૃત્યુની ઘટનાઓનો સિલસિલો યથાવત રહ્યો છે. શહેરમાં હાર્ટએટેકથી મૃત્યુની ઘટના આજે પણ બની છે. એક તરફ ધોમધખતો તાપ પણ લોકોના ઉકળાટમાં વધારો કરી રહ્યો છે. બીજી તરફ હાર્ટએટેકની ઘટનાઓ અટકતી જ નથી. વધુ એક બનાવમાં ૩૮ વર્ષના યુવાનનું હૃદય રોગના હુમલાથી મૃત્યુ થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. કરૂણતા એ છે કે હજુ અગિયાર મહિના પહેલા જ આ યુવાનના લગ્ન થયા હતાં.
જાણવા મળ્યા મુજબ કુવાડવા રોડ પર પટેલ પાર્કમાં રહેતો દિવ્યેશભાઈ નારણભાઇ ડોડીયા (ઉ.વ.૩૮) નામનો યુવાન સાંજે ઘરે એકાએક ઢળી પડતાં પરિવારજનોમાં દેકારો મચી ગયો હતો. તુરત જ દિવ્યેશભાઇને સારવાર માટે હોીસ્પટલમાં ખસેડયો હતો. પરંતુ સારવાર દરમિયાન પ્રાણ પંખુરૂ ઉડી ગયા હતાં. હાર્ટએટેક આવી ગયાનું જાહેર થયું હતું. હોસ્પિટલ મારફત જાણ થતાં બી-ડિવીઝનના એએસઆઇ મેડમ અમીતાબેન બકુતરાએ જરૂરી કાર્યવાહી કરી હતી.
વધુ માહિતી મુજબ મૃત્યુ પાનાર દિવ્યેશભાઇ ત્રણ બહેનનો એકનો એક ભાઇ અને પરિવારનો આધારસ્તંભ હતો. તેના અગિયાર મહિના પહેલા જ લગ્ન થયા હતાં. પરિવારજનોના કહેવા મુજબ દિવ્યેશભાઇને કોઇ બીમારી પણ નહોતી. અચાનક જ હૃદય બંધ પડી ગયું હતું. આ બનાવથી ડોડીયા પરિવાર પર વજ્રઘાત થયો હતો.
( IST)










