<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th May 2024

અકસ્‍માતમાં મૃત્‍યુ પામનાર પતિના વીમાની રકમ એક કરોડ હાથમાં આવી જતાં કેયુરીબન ડઢાણીયાને જુનાગઢમાં ત્રાસ

જુનાગઢ સાસરૂ ધરાવતાં હાલ રાજકોટ રહેતાં મહિલાની સસરા ગુલાબદાસ, સાસુ રમિલાબેન વિરૂધ્‍ધ ફરિયાદ : હવે તું કામવાળી છો, કામ કરે છે કે નહિ એ જોવા ઘરમાં સીસીટીવી કેમેરા ફીટ કરાવ્‍યા!

રાજકોટ તા. ૧૮: શહેરના નાના મવા રોડ સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ પાસે સાનીધ્‍ય-૨૫૬ બી-૬૦૪માં રહેતાં કેયુરીબેન રવિભાઇ ડઢાણીયા (ઉ.વ.૩૩) નામના વિધવા મહિલાએ જુનાગઢ ઝાંઝરડા રોડ પર ચિત્રકુટ એપાર્ટમેન્‍ટ-૬૦૧માં રહેતાં સસરા ગુલાબદાસ ગોકળદાસ ડઢાણીયા અને સાસુ રમીલાબેન વિરૂધધ મહિલા પોલીસ સ્‍ટેશનમાં ત્રાસ અને ઠગાઇની ફરિયાદ નોંધાવી છે.

કેયુરીબેને ફરિયાદમાં જણાવ્‍યું છે કે  ૨૦૧૪માં તેના લગ્ન થયા હતા. સંતાનમાં હાલ ૬ વર્ષની પુત્રી છે. ૨૦૨૦માં પતિનું કાર  અકસ્‍માતમાં મળત્‍યુ થયું હતું. તેના ત્રણેક વર્ષ સુધી સાસરિયામાં રહ્યા હતા. જે દરમિયાન પતિના વીમાના પૈસા આવ્‍યા તેની બધી પ્રોસીઝર પુરી ન થઈ ત્‍યાં સુધી સાસુ- સસરાએ સારી રીતે રાખ્‍યા હતા. પૈસા ખાતામાં આવતા જ સાસુ-સસરાએ માનસિક રીતે હેરાન કરવાનું શરૂ કરી દીધુ હતું. ફરિયાદમાં આગળ જણાવાયું છે કે તે જો પિયર જવાનું કહે તો ઘરનું કામકાજ કોણ કરશે? હવે તું મારા ઘરમાં કામવાળી તરીકે છો, તેમ કહી માનસિક ત્રાસ આપતા હતા. ઘરમાં તે કામ કરે છે કે નહીં તે જોવા માટે સીસીટીવી કેમેરા ફીટ કરાવ્‍યા હતા. આઠેક માસ પહેલાં બંને પરિવારની સમજૂતી મુજબ તે પિતાને ત્‍યાં રહેવા આવ્‍યા હતા. તેના થોડા સમય બાદ સગામાં એક વ્‍યક્‍તિ તેને અને તેની માનસિક વિકલાંગ પુત્રીને સ્‍વીકારવા તૈયાર થતાં આગળ વધવાનું નકકી કર્યું નકકી કર્યું હતું.

ત્‍યારબાદ પતિના વીમાની રકમ માંગતા સસરાએ અલગ-અલગ બહાના બતાવવાનું શરૂ કર્યું હતું. પતિના વીમાના રૂા. ૧ કરોડ આવ્‍યા હતા. જેમાં વારસદાર તરીકે તેનું નામ હતું. પરંતુ સસરાએ તેને વિશ્વાસમાં લઈ તેના અને પોતાના નામનું સંયુકત ખાતું ખોલાવી તેમાં ૧ કરોડ જમા કરાવી દીધા હતા. બીજા બે રૂા. બે-બે લાખના વીમા અને કાર ડેથ વીમાના રૂા.૧૫ લાખ તેના સસરાના ખાતામાં જમા થયા હતા. પતિ મળત્‍યુ પામ્‍યા ત્‍યારે તેના ખાતામાં રૂા.૧.૮૦ લાખ હતા. જેમાં વારસદાર તરીકે તે હતા. પરંતુ સસરાએ આ રકમ પણ તેની પાસે ઉપડાવી સંયુકત ખાતામાં નખાવી દીધી હતી. આ રીતે તે ખાતામાં રૂા. ૧.૫ કરોડ તથા વ્‍યાજની રકમ હતી. જેના ફકત તે કાયદેસરના વારસ હતા. આમ છતાં સસરાએ કહ્યું કે તુંસ્ત્રીપાત્ર છો આ બધું તારાથી મેનેજ નહીં થાય, જેથી આપણા બંનેનું સંયુકત ખાતું ખોલાવી.

તેણી તેણીએ  હા પાડતાં સંયુકત ખાતું ખોલાવ્‍યું હતું. જેમાં કોઈ એકની સહીથી પૈસા ઉપડે તેવી જોગવાઈ હતી. આ ખાતાનો તમામ વહિવટ તેના સસરા કરતા. બાદમાં તેના સસરાએ બે-બે લાખના વીમાની જે રકમ આવી હતી તે સંયુકત ખાતામાંથી પોતાના નામની એફડી કરાવી નાખી હતી. એટલું જ નહીં સંયુકત ખાતામાંથી પોતાના નામની ૫૦ લાખની એફડી કરાવી હતી. થોડા સમય પછી સાસુના નામની બીજી ૫૦ લાખની એફડી કરાવી નાખી હતી. તેના પતિના ખાતામાં રહેલા ૧.૮૦ લાખ પણ ઉપાડી લઈ સાસુના ખાતામાં જમા કરાવી દીધા હતા.

તેમજ પતિના નામનું અમદાવાદમાં મકાન હતું. જેની લોનના હપ્‍તા પણ તેના પતિ ભરતા હતા. સસરાએ તેને વિશ્વાસમાં લઈ, ફોસલાવીને તેની પાસેથી દસ્‍તાવેજ કરાવી સાસુના નામનો દસ્‍તાવેજ કરાવી નાખ્‍યો હતો. જેમાંથી તેને ૫.૭૫ લાખ આપ્‍યા હતા. જયારે પુત્રીના નામની ૬ લાખની એફડી કરાવી હતી. સસરાએ વિશ્વાસ તોડયાની ૨૦૨૩માં જાણ થતાં સસરાને આવુ કેમ કર્યું તેમ પૂછતાં ઉડાવ જવાબ આપી કહ્યું કે મારા પુત્રના પૈસા મારા જ કહેવાય. આ બાબતે વડીલો, કુટુંબીજનોને વાત કરતા બધાએ સમજાવીને સસરાને કહેતાં તેને પણ અહેસાસ થતાં રૂા.૯૧.૧૩ લાખ સંયુકત ખાતામાં જમા કરાવ્‍યા હતા.

આ રીતે તેના પતિના અવસાન બાદ આવેલી બધી રકમમાંથી રૂા.૯૧ લાખ જ સંયુક્‍ત ખાતામાં જમા છે, બાકી રહેતી તમામ રકમ સસરા પાસે અને સંયુકત ખાતામાં છે. જે રકમ પોતાની મરજીથી ઉપાડી શકતા નથી. રકમ સેવીંગ ખાતામાં હોવાથી તેની એફડી પણ કરાવી શકતા નથી. પરિણામે વ્‍યાજની નુકસાની જાય છે.

રકમનો ઉપયોગ પણ કરી શકતા નથી. લગ્ન વખતે ચડાવેલા અને તેની પુત્રીના દાગીના પણ સસરાના કબજામાં છે. જે તેઓ ઓળવી ગયા છે. તેમ વધુમાં ફરિયાદમાં જણાવાતાં પીઆઇ આઇ. એન. સાવલીયાની રાહબરીમાં એએસઆઇ જી. કે. પરમારે વધુ તપાસ હાથ ધરી છે.

(9:33 AM IST)