News of Tuesday, 21st May 2024
પોલીસની તૈયારી કરી રહેલો છવ્વીસ વર્ષનો વિશાલ રનીંગ કરીને આવ્યા બાદ ઢળી પડયો
રાજકોટમાં હાર્ટએટેક વધુ એક યુવાન માટે જીવલેણ બનતાં અરેરાટી : બેભાન હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો પણ જીવ ન બચ્યોઃ એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતાં: મવડી પ્લોટ શ્રીનાથજી સોસાયટીના કોબીયા પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૨૧: શહેરમાં હાર્ટએટેકથી મૃત્યુની ઘટનાઓ અટકતી જ નથી. આ સિલસિલો આજે પણ યથાવત રહ્યો છે. શહેરના મવડી પ્લોટ શ્રીનાથજી સોસાયટીના છવ્વીસ વર્ષના યુવાનને તે પોલીસ ભરતીની તૈયારી માટે રનીંગ કરીને ઘરે આવ્યા બાદ હાર્ટએટેક આવી જતાં મૃત્યુ થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
જાણવા મળ્યા મુજબ મવડી પ્લોટ શ્રીનાથજી સોસાયટી-૩માં રહેતો વિશાલભાઇ અશોકભાઇ કોબીયા (ઉ.વ.૨૬) રાતે રનીંગ કરીને ઘરે આવ્યા બાદ એકાએક બેશુધ્ધ થઇ જતાં તેને તુરત જ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ભાવેશભાઇ મકવાણાએ માલવીયાનગર પોલીસને જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. હાર્ટએટેક આવી ગયાનું પરિવારજનોએ કહ્યું હતું.
મૃત્યુ પામનાર વિશાલભાઇ બે ભાઇ અને એક બહેનમાં મોટો હતો અને તેના એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતાં. ધર્મપત્નિનું નામ વૈશાલીબેન છે. વિશાલભાઇ પોલીસ ભરતી માટે તૈયારી કરતો હતો. નિયમીત રીતે તે રનીંગ સહિતની પ્રેકટીસ કરવા જતો હતો. ગત રાતે પણ તે રનીંગ કરીને ઘરે આવ્યો હતો. થોડીવાર બાદ તે બેશુધ્ધ થઇ ગયો હતો અને સારવાર દરમિયાન પ્રાણ નીકળી ગયા હતાં. આશાસ્પદ અને યુવાન દિકરાના મૃત્યુથી કોબીયા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. શહેરમાં ગઇકાલે પણ હાર્ટએટેકથી ત્રણ લોકોનો જીવ ગયો હતો. જેમાં એક ભજનીક, એક વેપારી અને એક મહિલા સામેલ હતાં. આજે એક પરિવારના યુવાન અને આશાસ્પદ દિકરાનો હાર્ટએટેકથી ભોગ લેવાતાં ગમગીની વ્યાપી ગઇ છે.
(10:57 AM IST)










