News of Tuesday, 21st May 2024
રાજકોટ કાનાલુસ પ્રોજેકટઃ ૪ ગામની ૧ર હજાર ચો.મી. જમીન સંપાદન કરવા કલેટરની દરખાસ્ત
પડધરી-તરઘડી-ખંઢેરી-હડમતીયાની સરકારી જમીનો સંપાદન કરી રેલવેને આપવા અંગે પ્રભવ જોષીએ ફાઇલ ગાંધીનગર મોકલી : અન્ય ત્રણ ગામો રામપર મોટા-મોટી ચણોલ-જોધપર છલ્લાની : ૪ હજાર ચો.મી. જમીન અંગે કબજા કિંમત સંદર્ભે પ્રાંતને હવાલો : સપ્લીમેટરી રીવોર્ડ અંગે ત્રણ ગામના ૩૦ ખાતેદારોને ર૩ મીએ કચેરીએ બોલાવતા રૂરલ પ્રાંતઃ અંદાજે ૧ કરોડનું પેમેન્ટ અંગે કાર્યવાહી થશે

રાજકોટ, તા. ર૧ : તાજેતરમાં રાજકોટ કલેકટર શ્રી પ્રભવ જોષી દ્વારા રાજકોટ જીલ્લાના વિવિધ પ્રોજેકટો અંગે ખાસ સમીક્ષા બેઠક યોજી હતી, અને તેમાં ઝડપી કામો અંગે તાકિદ કરાઇ હતી.
દરમિયાન કલકેટર તંત્રના અધીકારી સૂત્રોના કહેવા મુજબ રાજકોટ કાનાલૂસ પ્રોજેકટમાં ખાનગી જમીનો સંપાદન થઇ છે, પરંતુ ૭ ગામની અંદાજે ૧૬ હજાર ચો.મી. સરકારી જમીન રેલ્વેને આપવા અંગે કલેકટરે ફાઇલો રવાના કરી છે.
ત્રણ ગામ રામપર મોટા, મોટી ચણોલ અને જોધપુર છલ્લાની ૪ હજાર ચો.મી. સરકારી જમીનની વેલ્યુએશન નકકી કરી આ ત્રણેય ગામના કબજા કિંમત ફાઇનલ કરવ સંદર્ભે રૂરલ પ્રાંત શ્રી વિમલ ચક્રવર્તીને હવાલો સોંપી તે અંગે ઝડપી કાર્યવાહી કરવા કલેકટરશ્રી પ્રભવજોષીએ સૂચના આપી હોવાનું વિશ્વસનીય અધિકારી સુત્રોએ ઉમેર્યુ હતું.
આ અધીકારીઓએ જણાવ્યું હતું કે અન્ય ૪ ગામો પડધરી, તરઘડી, ખંઢેરી તથા હડમતીયાની અંદાજે ૧ર હજાર ચો.મી.સરકારી જમીનની કિંમત નકકી કરી રેલ્વેને ફાળવવા અંગે કલેકટરે રાજય સરકારમાં દરખાસ્ત કરી ફાઇલો ગાંધીનગર મોકલી છે, ત્યાંથી મંજુરી મળ્યે કાર્યવાહી થશે., કારણ કે ઉપરોકત ચારેય ગામની જમીનનો સોંપવા સંદર્ભે કલેકટરની સતામાં આવતુ ન હોય સરકારમાં મંજુરી માટે મોકલાઇ છે.
બીજી બાજુ ૩૦ જેટલા ખાનગી ખાતેદારોને સપ્લીમેટરી રીવોર્ડ અંગે આગામી તા. ર૩ ના રૂરલ પ્રાંત દ્વારા બોલાવાયા છે, આ ૩૦ ખાનગી ખાતેદારો ઘંટેશ્વર, હડમતીયા અને પડધરીના છે, અને ર૩ મીએ અંદાજે ૧ કરોડનું પેમેન્ટ અંગે કાર્યવાહી કરાશે.
(3:01 PM IST)










