<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

ઝનાના હોસ્‍પિટલના બાળકોના વિભાગમાં ત્રણ માસના બાળકનું મોતઃ બેદરકારીનો આક્ષેપ

તાવ આવતો હોઇ ગોંડલ સારવાર બાદ રાજકોટ ખસેડાતાં મશીનમાં રખાયો હતોઃ પગ દાઝી ગયા બાદ દમ તોડયો

રાજકોટ તા. ૨૧: શહેરની ઝનાના હોસ્‍પિટલમાં ત્રણ માસના બાળકનું સારવાર દરમિયાન મોત થતાં તબિબી બેદરકારીનો આક્ષેપ પરિવારજનોએ કરતાં રાતે ટોળા ભેગા થઇ ગયા હતાં.

જાણવા મળ્‍યા મુજબ ગોંડલથી ત્રણ માસના બાળકને તાવની સારવાર માટે રાજકોટની જનાના હોસ્‍પિટલમાં લાવવામાં આવ્‍યો હતો. અહીં તેને આંચકી આવતા મશીનમાં રાખવામાં આવ્‍યો હતો. જેમાં બાળક દાઝી ગયા બાદ કલાકોમાં તેનું મોત નિપજતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. બીજી તરફ બાળકના પરિવારજનો દ્વારા તબીબી બેદરકારીનો આક્ષેપ કરવામાં આવ્‍યો હતો.  બે દીકરીઓ બાદ પુત્રનો જન્‍મ થયો હોઇ આ પુત્રના મૃત્‍યુથી પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

વધુ માહિતી મુજબગોંડલમાં રહેતા એઝાઝભાઈ કાથરોટીયાના ત્રણ માસના પુત્ર ઇમરાનને તાવ આવતો હોઇ જેથી પ્રથમ ગોંડલમાં સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે પરિવાર અહીં રાજકોટમાં જનાના હોસ્‍પિટલમાં લાવ્‍યો હતો. અહીં તેને આંચકી આવ્‍યા બાદ એક મશીનમાં રાખવામાં આવ્‍યો હતો. પરિવારજનોના આક્ષેપ મુજબ મશીનમાં રખાયા બાદ બાળકનો પગ દાઝી ગયો હતો અને થોડા કલાકો બાદ મૃતયુ થયું હતું.

મૃત્‍યુ પામનાર બાળક ઇમરાન બે બહેનના પરિવારમાં નાનો હતો બાળકના માતા રેશ્‍માબેન જણાવ્‍યું હતું કે બે દિવસ પૂર્વે તાવ આવ્‍યા બાદ પ્રથમ ગોંડલમાં સારવાર લીધી હતી ત્‍યારબાદ અહીં રાજકોટની ઝનાના હોસ્‍પિટલમાં તેને લાવવામાં આવ્‍યો હતો. અહીં તબીબે કહ્યું હતું કે બાળકને આંચકી આવી છે માટે મશીનમાં રાખવો પડશે. ત્‍યારબાદ આ મશીનમાં કોઈ કારણસર બાળકનો પગ દાઝી ગયો હતો. જેના કલાકો બાદ તેનું મોત થયું હતું આ સમગ્ર ઘટના અંગે બાળકની માતાએ ઝનાના હોસ્‍પિટલના તબીબ અને નર્સીંગ સ્‍ટાફ સામે બેદરકારીનો આક્ષેપ  કરી અધિક્ષકશ્રી તપાસ કરી જવાબદારો સામે પગલા લે તેવી માંગણી કરી હતી.

(3:09 PM IST)