News of Tuesday, 21st May 2024
હિટવેવ સંદર્ભે રાજકોટ કલેકટરનું દરેક પ્રાંત-મામલતદારને હાઇએલર્ટ : ૧૪ મામલદારોના કન્ટ્રોલરૂમનું મહેકમ મંજૂર
સતત પાણી પીવા-૧૦૮ - ઇમરજન્સી સેવા તૈયાર રાખવા આદેશો : જરૂર હોય તો જ બહાર નીકળવા અપીલ ૧લી જૂનથી કંટ્રોલરૂમ શરૂ થશે : નાયબ મામલતદાર - કારકૂન - પટ્ટાવાળાની કલેકટર દ્વારા ટુંકમાં બદલીઓ

રાજકોટ તા. ૨૧ : હવામાન ખાતાએ અને સરકારી ખાતાએ રાજકોટ શહેર - જિલ્લામાં ગુરૂવાર સુધી પ્રચંડ ગરમી - હિટવેવની ચેતવણી આપી હોય, રાજકોટ જીલ્લા કલેકટરે દરેક પ્રાંત - મામલતદારને તેમના વિસ્તારો માટે ફરી વખત હાઇએલર્ટના આદેશો કર્યા છે. દરેક અધિકારીને તેમના વિસ્તારોમાં હિટવેવ અંગે કોઇ ઘટના ન બને તે જોવા અને ૧૦૮ તથા ઇમરજન્સી સેવા તૈયાર રાખવા આદેશો કર્યા છે, કલેકટરશ્રી પ્રભવ જોષીએ જરૂર હોય તો જ લોકોને બપોરના સમયે બહાર નીકળવા, સતત પાણી પીવા અને ચક્કર આવતા હોય તો તુર્ત જ આરોગ્ય વિભાગ - ડોકટરને જાણ કરવા અપીલ કરી છે.
દરમિયાન મોન્સૂન સંદર્ભે રાજ્ય સરકારે રાજકોટ શહેર - જિલ્લાની દરેક મામલતદાર કચેરી અને જીલ્લા ડીઝાસ્ટર કચેરી માટે અલગથી મહેકમ મંજૂર કરી કલેકટરને જાણ કરી દિધી છે, દરેક મામલતદાર કચેરીમાં કંટ્રોલ રૂમમાં એક-એક નાયબ મામલતદાર, કારકૂન, પટ્ટાવાળા મૂકાશે, આ સંદર્ભે કલેકટર દ્વારા ૧લી તારીખ કે ૪ તારીખ બાદ બદલીના ઓર્ડરો થશે.
આ ઉપરાંત ૧લી જૂનથી સિંચાઇ ડેમનો પણ કંટ્રોલરૂમ, વોકીટોકી સેટ સાથે શરૂ થશે તેમ સાધનોએ ઉમેર્યું હતું.
(4:04 PM IST)










