<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

મહાભારત વખતના પ્રાચીનકાળ સાથે ધનિષ્ટા ધરાવતુ અલ્વરનું 'પાંડુપોલ હનુમાનજી મંદિર'

આકાશને ચૂમતા ગગનચુંબી પહાડોની ચોટીઓ પર કે આહલાદક સુંદરતા ઓકતી મેરૂઓની નયનરમ્ય ઘાટીઓમાં, રણ પ્રદેશોના  દૂર દૂર સુધી ફેલાયેલા વિરાન વન વગડાઓમાં કે વન્ય સુષ્ટિથી છલકાતા ઘનઘોર ગીચ જંગલોમાં, બરફની સફેદ ચાદર ઓઢેલા હિમાચ્છીત પર્વતોની તળેટીઓમાં કે નદી કે દરિયા કિનારાના નિર્જન કાંઠા વિસ્તારોમાં આવેલા ભારતની પ્રાચીન સંસ્કૃતિની અમૂલ્ય ધરોહર સમા સનાતન હિન્દૂ ધર્મના શિવાલયો, દેવાલયો, મંદિરો કે દેવળોને એકસ્પ્લોર કરવાનું એટલે કે જે તે દેવસ્થાનોની જગ્યાઓ પર રૂબરૂ જઈને ત્યાં બિરાજેલા દેવી દેવતાઓના પ્રત્યક્ષપણે દર્શન કરવાની મારી શ્રદ્ઘાએ મને આ વખતે આ ચાલુ મે માસની ૧૧મી તારીખે 'શ્રી પાંડુપોલ હનુમાનજી'ના દિવ્ય દર્શન કરાવી આલોકિક આનંદ મેળવવાનો અવિસ્મરણીય અવસર પ્રાપ્ત કરાવ્યો.

'પાંડુપોલ હનુમાનજી મંદિર'એ મહાભારત વખતના પ્રાચીનકાળ સાથે ધનિષ્ટા ધરાવતુ પાંચમી સહ સ્ત્રાબ્દી એટ્લે કે આજથી આશરે પાંચ હજાર વર્ષો પહેલાનું એક પૌરાણિક મંદિર છે જયાં મહાભારતના સૌથી તાકતવાર અને શકિતશાળી યૌદ્ઘા પાંડુપુત્ર ભીમને પવનપુત્ર શ્રી હનુમાનજીનો સાક્ષાતકાર થયો હતો.

આમ હજારો વર્ષો પહેલાના દ્વાપર યુગના મહાભારત કાળથી અસ્તિત્વ ધરાવતું દેશની પ્રાચીન સંસ્કૃતિની અમુલ્ય ધરોહર સમુ અંજનીપુત્ર શ્રી હનુમાનજીનુ આ પૌરાણિક મંદિર હજારો વર્ષોથી પ્રભુ શ્રી રામ અને હનુમાનજીના ભકતોની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે જયાં દર મંગળવાર અને શનિવારે હજારો ભકતો અને શ્રદ્ઘાળુઓ વાયુપુત્ર શ્રી હનુમાનજીના દર્શન કરવા માટે બહોળી સંખ્યામાં ઉમટી આવે છે.

મહાબલીના આ 'પાંડુપોલ હનુમાનજી મંદિર'માં દર વર્ષે ભાદો શુલ્ક પક્ષની અષ્ટમીના દિવસે એક ભવ્ય મેળો ભરાય છે. જેમાં એકઠી થતી હજારો ભકતોની ભીડને સુરક્ષા, સુવિધા અને સવલતો પૂરી પાડવા માટે પ્રશાસન દ્વારા મહિનાઓ અગાઉથી તડામાર તૈયારીઓ કરાય છે.

રામેષ્ઠના આ 'સરિસ્કા ટાઈગર રિજર્વ' અર્થાત 'સરિસ્કા વાઘ અનામત અભિયારણ'ની અંદર ગીચ જંગલની વચ્ચે આવેલા ઐતિહાસિક 'પાંડુપોલ હનુમાનજી મંદિર' સુધી પહોંચવા માટે રાજસ્થાન સ્ટેટ રોડવેઝની ટિકિટ દરના ૫૦% ડીસ્કાઉન્ટ સાથે ૮૦ થી વધુ બસો જનતા માટે ખાસ આ મેળામાં જવા માટે 'સરિસ્કા રાષ્ટ્રીય ઉધાન'ના મુખ્ય દરવાજા સુધી પહોંચવા અને ત્યાંથી પરત આવવા માટે ફાળવવામાં આવે છે અને ત્યાંથી ૨૨ કિલોમીટર દૂર જંગલમાં અંદર આવેલા ફાલ્ગુનસખાના આ મંદિર સુધી પહોંચવા માટે ૪૦ થી પણ વધારે બસો ખાસ જંગલના માર્ગે વનની અંદરના સાંકડા માર્ગો પર ચલાવવામાં આવે છે જે ભકતોને અને શ્રદ્ઘાળુઓને જંગલની વચ્ચે પિંગાક્ષના આ મંદિર પાસે ભરાયેલા મેળા સુધી લઈ જઈને ત્યાંથી પરત મૂકી જાય છે. મેળાના દિવસે અહીં રામલીલા, ભજન કીર્તન, ભંડારો, પૂજાપાઠ, હોમ હવન, હનુમાન ચાલીસ તેમજ સુંદરકાંડ જેવા અમિતવિક્રમના સેંકડો ધાર્મિક કાર્યક્રમો આ વિસ્તાર વનનો હોવાથી માત્ર સંધ્યા આરતિ સુધીજ ચાલુ રાખવામા આવે છે.     

આ ઉપરાંત ઉદીધીક્રમણ શ્રી 'પાંડુપોલ હનુમાનજી મંદિર'માં નવરાત્રિ, રામનવમી અને હનુમાન જયંતિના દિવસે અહીં મહાપ્રસાદ સહિતના વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાય છે જેમાં હાજર રહેવા માટે દેશભરના અલગ અલગ રાજયોમાંથી ખુબજ મોટી સંખ્યામાં એટલે કે આશરે પચાસ હજાર કરતા પણ વધારેની સંખ્યામાં ભકતો અને શ્રદ્ઘાળુઓ આ સીતાશોકવિનાશક શ્રી પાંડુપોલ હનુમાનજીના મંદિરમાં લક્ષ્મણ પ્રાણદાતાના દિવ્ય દર્શનાર્થ માટે આવે છે અને દસગ્રીવદરપાહાના દર્શને આટલી મોટી સંખ્યામાં આવતા ભકતો અને શ્રદ્ઘાળુઓના મુખેથી સતત વહેતો જય શ્રી રામ જય બાલાજીના નારાનો પ્રવાહ બુલંદ અવાજ સાથે આ ચિક્કાર મેદનીનું એક સૂર બનીને આખા જંગલનું વાતાવરણ પવિત્ર સંગીતમય, ધાર્મિકમય, ભકિતમય અને મંગલમય બનાવી દે છે.    શ્રી 'પાંડુપોલ હનુમાનજીના મંદિર'માં મારુતિ શ્રી હનુમાનજીની નિંદ્રાધીન પ્રતિમા છે કારણકે ભીમને જે સ્વરૂપમાં હનુમાનજી મળેલા તે સૂતેલી અવસ્થામાં હતા અને આખા વિશ્વમાં એવા માત્ર ત્રણજ મુખ્ય મંદિરો છે કે જયાં હનુમાનજીની પ્રતિમા સૂતેલી અવસ્થામાં છે. આ ત્રણ મંદિરોમાં પ્રથમ પાંડુપોલ હનુમાનજી મંદિર, અલવર રાજસ્થાન ખાતે આવેલું છે અને બાકીના બે મંદિરો અનુક્રમે ભદ્ર મારુતિ મંદિર, ખૂલતાબાદ, ઓરંગાબાદ ખાતે અને ત્રીજું મંદિર મધ્ય પ્રદેશના છિન્દવાડા ખાતે જામસાવલી હનુમાનજી મંદિરના નામથી આવેલુ છે.

શ્રી 'પાંડુપોલ હનુમાનજી મંદિર' કિલ્લાઓના રાજય ગણાતા રાજસ્થાનના અલ્વર જીલ્લામાં અલ્વર જયપુર રોડ પર ૮૮૧ કિલોમીટર એટ્લે કે ૩૪૦ ચોરસ માઈલના વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલા 'વાઘ અનામત અભ્યારણ' તરીકે જગ વિખ્યાત થયેલા 'સરિસ્કા વાઘ અનામત અભિયારણ' અથવા સરિસ્કા રાષ્ટ્રીય ઉધાનના પ્રવેશદ્વારથી જંગલની અંદર આશરે ૨૨ કિલોમીટરના અંતરે આવેલું છે જે હિન્દુ ધર્મનું એક મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ છે જે શ્રદ્ઘાળુઆ' તેમજ ભકતોના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે. અહી આવનારા ભકતોને કુદરતનુ સાનિધ્ય, પ્રકૃતિક સુંદરતા, આધ્યાત્મિક આશ્વાસન તેમજ મનની શાંતિ અને આશીર્વાદ બધુ એકસાથે પ્રાપ્ત થાય છે.

આવો દિવ્ય ઇતિહાસ ધરાવતા મહાવીરના આ 'પાંડુપોલ હનુમાનજી મંદિર' સુધી હવાઈમાર્ગે પહોંચવા માટે નજીકનું હવાઈમથક જયપુર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે જે મંદિરથી આશરે ૧૦૭ કિલોમીટરના અંતરે આવેલું છે જયારે નજીકનું રેલ્વે સ્ટેશન અલ્વર જંકસન રેલ્વે સ્ટેશન છે જે મંદિરથી આશરે ૫૭ કિલોમીટરના અંતરે આવેલું છે તેમજ અલ્વર બસ સ્ટેન્ડથી મંદિરની દૂરી આશરે ૫૫ કિલોમીટર જેટલી છે.

રામદૂતના આ 'પાંડુપોલ હનુમાનજી મંદિર' સુધી પહોંચવા માટે ટુ વહીલર અને ફોર વહીલર પ્રાઈવેટ વાહનોને માત્ર મંગળવાર અને શનિવારના દિવસેજ વન વિભાગ દ્વારા તેમની નિર્ધારિત ફી રૂ. ૨૫૦ વસૂલીને વન પ્રવેશનો પાસ આપી પ્રવેશ આપવામાં આવે છે. બાકીના દિવસોમાં મંદિર સુધી જવા માટે ફોરેસ્ટ ખાતાની જીપો અને કંટરમાં બેસીને જંગલ સફારીની મોજ માણવા સાથે મંદિર સુધી પહોંચી શકાય છે.      આ ઉપરાંત કુદરતના સાનિધ્યમાં પૃકૃતિનો ખોળો ખૂંદવા આવનારા કેટલાક ટ્રેકર્સ અને માનેલી માનતાઓ પૂરી કરવા આવનારા ભકતો અને શ્રદ્ઘાળુઓ પગપાળા ચાલીને પણ આ મંદિર સુધી આવી પહોંચે છે અને જે કોઈ ભકતની અહીંયા માનેલી માનતા કે મનોકામના પૂરી થાય છે તેઓ શ્રી પાંડુપોલ હનુમાનજીને સવા મણ પ્રસાદનો ભોગ ચડાવે છે જેને સવામણી પણ કહેવાય છે. આ સવામણી ત્યારબાદ દર્શનાર્થે આવતા ભકતોને લંગરમાં બેસાડીને પ્રસાદીરૂપે પતરાળમાં અન્ય પ્રસાદીની સાથે પીરસવામાં આવે છે.

'પાંડુપોલ હનુમાનજી મંદિર'ના નામમાં 'પાંડુપોલ' એ 'પાંડવ' શબ્દ પરથી ઉતરી આવ્યું છે અને 'હનુમાન' શબ્દ ભગવાન હનુમાનનો મહિમા દર્શાવે છે.

સંકટમોચન શ્રી પાંડુપોલ હનુમાનજીના પ્રાગટ્યનું કથાનક કઇંક એવું છે કે દ્વાપર યુગમાં મહાભારતના સમયમાં પાંચ પાંડવો, માતા કુંતી અને પાંચાલી દ્રોપદી ૧૨ વર્ષનો વનવાસકાળ પૂરો કરીને એક વર્ષનો અજ્ઞાતવાસ પૂરો કરવા માટે ચાલતા ચાલતા પ્રાચીન ભારતના હસ્તિનાપુરથી સાલવાના વિરાટનગર (એટ્લે કે હાલના ભારતના દિલ્લીથી અલવરના સરિસ્કા)સુધી આવી પહોંચે છે. આ વિસ્તાર ચારેબાજુથી ઊંચી અને હારબંધ આવેલી અરાવલ્લી પર્વતમાળાથી ઘેરાયેલો હતો અને દૂર દૂર સુધી માત્ર ને માત્ર ઊંચા ઊંચા પહાડો સિવાય અન્ય બીજુ કશુજ દેખાતું ના હતું અને આથી ના છૂટકે આગળ વધવા માટે ફરજિયાતપણે સામેના કોઈપણ પહાડને ઓળંગવો અત્યંત જરૂરી હતો.     

આખા રસ્તે સતત ચાલી ચાલીને ખુબજ થાકી ગયેલા માતા કુંતી અને પાંચાલી દ્રોપદી બંને માટે હવે ચાલીને પહાડ ઓળંગવો એ ખુબજ કઠીન કાર્ય હતું આથી તેમણે ભીમને નજીકમાંજ કોઈક રસ્તો શોધવાનું કાર્ય સોંપ્યું. માતાની આજ્ઞા થતા જ કુંતીપુત્ર ભીમે જયેસ્ટ ભ્રાતાશ્રી યુધિસ્ટિરની રજા લઈને પોતાની પાસેના પર્વત પર ગદાથી એક એવો જોરદાર પ્રહાર કર્યો કે પહાડમાં એક પોલ એટ્લે કે સુરંગ જેવુ બાકોરૃં બનીને બહાર જવાનો રસ્તો બની ગયો. પર્વતમાં પડેલી આ પોલ ત્યારથી પાંડુપોલના નામથી ઓળખાય છે. 

પહાડમાં પડેલી આ પોલ એટ્લે કે સુરંગના રસ્તે પાંચેય પાંડવો માતા કુંતી અને પાંચાલી દ્રોપદી પર્વતની પેલે પાર જઈને એવી સુરક્ષિત જગ્યાએ પહોંચી જાય છે કે જયાં તેમને દુર્યોધનના સૈનિકો એક વર્ષના તેમના અજ્ઞાતવાસ દરમ્યાન શોધી શકતા નથી.

ભીમે જે પર્વત પર ગદાથી પ્રહાર કરેલો તે પહાડના પેટાળમાંથી પાણીની સરવાણી ફૂટી નીકળેલી જે ઝરણુ બનીને પહાડની નીચેના ભાગ તરફ વહેવા લાગેલુ અને આ પાણી જમીન પર જયાં એકઠું થયેલું ત્યાં એક કુંડ બની ગયું જે પવિત્ર પાણીથી ભરાયેલા કુંડ તરીકે ઓળખાય છે જે આજની તારીખે પણ કાયમ પાણીથી ભરેલું રહે છે. શ્રદ્ઘાળુઓમાં એવું માનવામાં આવે છે કે આ પવિત્ર કુંડમાં ડૂબકી લગાવવાથી ડૂબકી લગાવનાર વ્યકિતની આધ્યાત્મિક રીતથી કાયાકલ્પ થઈ જાય છે. 

     પાંડુપોલની આજ જગ્યાએ ગદાધારી ભીમને પર્વતમાં છેદ કરવા બદલ પોતાની શકિત પર અભિમાન થયેલું અને ભગવાન શ્રી ક્રુષ્ણના કહેવાથી ભીમનુ મદ ઉતારવા માટે હનુમાનજી પાંડુપોલથી એક કિલોમીટર દૂર વનના સાંકડા રસ્તાની વચ્ચે વૃદ્ઘ વાનર બનીને પોતાની પૂંછડી માર્ગ પર ફેલાવીને સૂઈ ગયેલા. 

     પાંડવો જયારે ત્યાંથી પસાર થયા ત્યારે રસ્તા વચ્ચે પડેલા વાનરની પૂછને ઓળંગીને જવાનું તેમને યોગ્ય ના લાગ્યું આથી ભીમે તોછડાઈથી  તે વૃદ્ઘ વાનરને તેની પૂછડી હટાવવા કહ્યું. પરંતુ વાનરે તેની પૂછ હટાવવામાં અસમર્થતા દર્શાવી ભીમને તેની પૂછ ઉઠાવી એકબાજુ રાખી દેવાની વિનંતી કરી. 

પોતાની તાકાતના મિથ્યાભિમાનમાં છકી ગયેલા ભીમે વૃદ્ઘ વાનરની પૂછ ઉઠાવવા તનતોડ મહેનત કરી પરંતુ તે રસ્તા વચ્ચે પડેલા તે વૃદ્ઘ વાનરની પૂંછને ઉઠાવવાનું તો દૂર તેને હલાવી પણ ના શકયો અને ત્યારે તેનુ અભિમાન ઓગળી ગયુ અને તેને સમજાયું કે આ કોઈ સાધારણ વાનર નથી. પાંડવોની વિનંતીથી હનુમાનજી તેમની સામે તેમના અસલી સ્વરૂપમાં પ્રગટ થયા અને તેમને અજ્ઞાતવાસની સફળતા માટેના આશીર્વાદ આપ્યા.

આમ પાંડવોને જે જગ્યાએ શ્રી હનુમાનજીનો સાક્ષાત્કાર થયેલો તે જગ્યાએ પાંડવોએ હનુમાનજીનું મંદીર બનાવેલુ જે વખત જતા 'પાંડુપોલ હનુમાનજી મંદિર'ના નામથી પ્રખ્યાત થઈ ગયું. સમય જતા મહાભારતનું ઇતિહાસનું સૌથી ભીષણ અને વિનાશકારી યુદ્ઘ થયું અને ત્યારબાદ દ્વાપર યુગનો અંત આવ્યો એ સાથેજ 'શ્રી પાંડુપોલ હનુમાનજી મંદીર' કાળની કોખમાં કયાંક ગરકાવ થઈ ગયું.                          

આમ દ્વાપર યુગની સમાપ્તિના બે હજાર વર્ષો પછી અને આજથી આશરે પાંચ હજાર વર્ષો પહેલા હનુમાનજીના એક ભકત સંત નિર્ભયા દાસજી મહારાજને હનુમાનજી સ્વપ્નમાં આવ્યા અને તેમણે જંગલની વચ્ચે આવેલા 'શ્રી 'પાંડુપોલ હનુમાનજી મંદીર'ને શોધી કાઢીને તેનો જીર્ણોદ્ઘાર કરાવ્યો અને ત્યારથી 'શ્રી પાંડુપોલ હનુમાન મંદિર' માત્ર ધાર્મિક કેન્દ્ર તરીકે જ નહીં પરંતુ પ્રકૃતિ પ્રેમીઓ અને આધ્યાત્મિક સાધકો માટે એક શાંત અને એકાંત સ્થળ તરીકે ખુબજ લોકપ્રિય થયું છે.

મંદિરનું ઐતિહાસિક મહત્વ તેના નયનરમ્ય કુદરતી મનોહર વાતાવરણ સાથે જોડાયેલું છે જે રાજસ્થાનના સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસાને અન્વેષણ કરતા લોકો માટે મુલાકાત લેવા માટેનું એક આવશ્યક સ્થળ બનાવે છે જે તેમને એક જ સમયે અરણ્ય અને આધ્યાત્મિકતાનો  બેવડો આનંદ લેવા સાથે અલૌકિક અનુભવ પણ કરાવે છે.(૨૧.૧૮)કમલ જારોલી

એડવોકેટ એન્ડ નોટરી

રાજકોટ

મો. ૮૧૬૦૩ ૧૧૦૧૬

(4:39 PM IST)