News of Tuesday, 21st May 2024
નાગેશ્વર ભવાની ચોકમાં કરિયાણાના વેપારી અને વિસ્તારના રહેવાસી વચ્ચે મારામારી
એક બીજા પર છરી-કડા-કાતરથી હુમલોઃ ઇમર્જન્સી વોર્ડમાં પણ ધમાલ

રાજકોટ તા. ૨૧: જામનગર રોડ નાગેશ્વર સોસાયટી ભવાની ચોકમાં રહેતાં ધવલભાઇ રાજેશભાઇ શાહ (ઉ.વ.૩૫) બપોરે દોઢેક વાગ્યે પોતે નાગેશ્વરમાં રાજ જનરલ સ્ટોર નામની પોતાની દૂકાને હતાં ત્યારે ધર્મેશ ચુડાસમા અને નિકુંજ ચુડાસમાએ આવી ઝઘડો કરી માથામાં છરી અને કડાથી હુમલો કરી ઇજા પહોંચાડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
ધવલભાઇના કહેવા મુજબ તેણે ધર્મેશના માતા ગીતાબેનને એક વર્ષ પહેલા બે હજાર રૂપિયાનું કરીયાણુ ઉધારમાં આપ્યું હતું. આ રકમની ગયા રવિવારે ઉઘરાણી કરી હતી. આ બાબતે માથાકુટ થઇ હતી. તેનો ખાર રાખી આજે હુમલો કરાયો હતો.
સામા પક્ષે કોન્ટ્રાક્ટ રાખી કામ કરતાં ધર્મેશભાઇ મગનભાઇ ચુડાસમા (ઉ.વ.૨૬) પણ પોતાને ધવલે કાતર મારી દીધાની રાવ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો. ધર્મેશભાઇના કહેવા મુજબ તેના માતા પાસેથી ઉઘરાણી કરી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરાયા હતાં. પોતે પાંચસો રૂપિયા ગૂગલ પેથી ચુકવી પણ દીધા હતાં. પંદરસો હજુ દેવાના બાકી હતાં. તેની ઉઘરાણી મામલે ધવલભાઇએ હુમલો કર્યો હતો. એ દરમિયાન સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી વોર્ડમાં પણ બંને પક્ષે વચ્ચે ચડભડ થઇ હતી.
(5:12 PM IST)










