<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

કોઠારીયામાં તાલુકા મામલતદારની નોટીસો : ૭મી જૂને ડીમોલીશન

મામલતદાર મકવાણાની સૂચના બાદ નાયબ મામલતદાર ગોહિલ ગઇકાલે સાંજે રૂબરૂ દોડી ગયાઃ નોટીસો ફટકારી... : સ્‍વાતિ પાર્ક મેઇન રોડ આસપાસ સર્વે નં. ૧૬૩ ની પ૦ કરોડની ૧૬ હજાર ચો.મી. જમીન પર વંડા-દૂકાનો-ગેરેજ-ર૦ મકાનોનું દબાણ... : કલેકટરના અધ્‍યક્ષપદે સવારે ૧૧-૩૦ વાગ્‍યાથી R.O. મીટીંગ શરૂઃ દબાણો-ધાર્મીક દબાણો-અધધધ પેન્‍ડીંગ ફાઇલો-મતગણત્રી-કોર્ટ કેસો-પુરવઠા વિધવા-વિધૂર સહાય-પાણીનો દેકારો સહિતના રર જેટલા મુદ્દાઓ અંગે થઇ રહેલી સમીક્ષા...

રાજકોટ તા. ર૪: રાજકોટ કલેકટર શ્રી પ્રભવ જોષીના અધ્‍યક્ષપદે આજે સવારે ૧૧-૩૦ વાગ્‍યાથી રેવન્‍યુ ઓફીસરોની મીટીંગ શરૂ થઇ છે, તેમાં તમામ મામલતદાર-પ્રાંત ઓફીસરો-ડે. કલેકટરો-DSO તથા અમૂક મહત્‍વની બ્રાંચના કર્મચારીઓ-અધકારીઓ હાજર રહ્યા છે.

અધીકારી સૂત્રોના કહેવા મુજબ R.O. મીટીંગમાં સરકારી જમીનો પરના દબાણો, ધાર્મિક દબાણો, ચૂંટણીને કારણે ઢગલાબંધ પેન્‍ડીંગ ફાઇલો-કામો, ૪ જૂને યોજાનાર મતગણત્રી-કોર્ટ કેસો, મહેસૂલ-અપીલ-બીનખેતીના પેન્‍ડીંગ કેસો-જમીનની માંગણી અંગેની ફાઇલો-પુરવઠા-વિધવા-વિધૂર સહાય, પાણીનો દેકાર, ગામડાઓમાં નહિ મળતું પાણી, સહિતના રર જેટલા મુદાઓ અંગે સમીક્ષા શરૂ થઇ છે.

દરમિયાન કલેકટરની સીધી સૂચના બાદ તાલુકા મામતલદાર શ્રી મકવાણાએ ખાસ સર્વે બાદ પોતાની કચેરીના નાયબ મામલતદાર શ્રી રઘુવીરસિંહ ગોહીલ અને તેમની ટીમને ગઇકાલે સાંજે કોઠારીયા મેઇન રોડ પર આવેલ સ્‍વાતિ પાર્ક આસપાસ મોકલી સરકારી જમીન સર્વે નં. ૧૬૩ ઉપર અંદાજે ૪૦ જેટલા દબાણો ખડકાઇ જતા તમામને કલમ ર૦ર હેઠળ નોટીસો ફટકારી તા. ૬ જૂન સુધીમાં ખાલી કરી દેવા નહિં તો ૭ જૂને ડીમોલીશન હાથ ધરાશે. તેવી ચેતવણી આપી દીધી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે કૂલ ૪ એકર એટલે કે ૧૬ હજારથી વધુ ચો.મી. જમીન ઉપર પાકા વંડાઓ-દુકાનો-ગેરેજવાળા-ઝૂપડાઓ-કાચા પાકા ૧પ થી ર૦ મકાનો ઉભા થઇ ગયા છે, આ બધુ તોડી પડાશે અને પ૦ કરોડથી વધુની કિંમતની જમીન ખુલ્લી કરાવાશે.

સાધનોએ જણાવેલ કે આમાં હાલ કોઇ માથાનું દબાણ છે કે નહિ તે વિગતો બહાર આવી નથી, પરંતુ તંત્ર હવે આ દબાણોમાં કોણ મોટું માથું સંડોવાયું છે, કોણ વેંચાણ કરી રહ્યું છે, તેનું નામ   શોધી કલેકટરને રીપોર્ટ કરનાર છે.

બપોરે ૩ વાગ્‍યાથી  મતગણતરી અંગે  ૭૦૦ કર્મચારીઓની તાલીમ

દરમિયાન આજે બપોરે ૩ વાગ્‍યાથી ૪ જૂને યોજાનાર રાજકોટ લોકસભા બેઠકની ગણત્રી અંગે પ્રમુખ સ્‍વામી ઓડીટોરીયમ રૈયા રોડ ખાતે ૭૦૦ કર્મચારીઓની તાલીમ યોજાઇ છે, જેમાં તમામ મામલતદારો-તમામ ડે. કલેકટરો-ARO-પ્રાંત અધીકારીઓ અને તેમની કચેરીના સ્‍ટાફને પણ બોલાવાયા છે, એડી. કલેકટરશ્રી નારણ મૂછાર પણ પોતે ખાસ હાજર રહેશે.

(2:46 PM IST)