News of Friday, 24th May 2024
ધોમધખતા તાપમાં ૬૩ વર્ષના શાંતિલાલ કાલાવડ રોડ પર શાકભાજીના થડા પાસે ઢળી પડયા : મોત
અવધના ઢાળ પાસે વીર સાવરકરનગર ક્વાર્ટરમાં રહેતાં હતાં: લૂ લાગી ગયાની અથવા હાર્ટએટેક આવી ગયાની શક્યતા : બકાલુ વેંચતા મહિલા સહિતે સીપીઆર આપવા પ્રયાસ કર્યોઃ માથાકુટની વાત વહેતી થતાં તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ ડી. એમ. હરિપરા અને ટીમ પહોંચીઃ મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરાવાયું: વડિલના મૃત્યુથી પરિવારમાં શોક

તસ્વીરમાં જ્યાં ઘટના બની તે સ્થળે પીઆઇ ડી. એમ. હરિપરા અને ટીમ, વૃધ્ધનો નિષ્પ્રાણ દેહ, ફાઇલ ફોટો અને એકઠા થયેલા લોકો જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)
રાજકોટ તા. ૨૪: શહેરમાં એકાએક ઢળી પડયા બાદ મૃત્યુની ઘટનાઓ વધી ગઇ છે. બપોરે વધુ એક આવો બનાવ બન્યો છે. કાલાવડ રોડ પર જડ્ડુસ ફૂડ ફિલ્ડ રેસ્ટોરન્ટ સામેના ભાગે બપોરે શાકભાજીના થડા નજીક એક વૃધ્ધ વિસામો લેવા બેઠા બાદ ઉભા થતી વખતે એકાએક ઢળી પડતાં શાકભાજી વેંચી રહેલા મહિલા સહિતના લોકોએ તેમને સીપીઆર આપવા પ્રયાસ કર્યો હતો. ૧૦૮ પણ બોલાવાઇ હતી. જો કે તેના તબિબે વૃધ્ધને મૃત જાહેર કર્યા હતાં. માથાકુટ થયાની વાતો વહેતી થતાં તાલુકા પીઆઇ ડી. એમ. હરિપરા સહિતની ટીમ તાબડતોબ પહોંચી હતી. જો કે ઘટના આકિસ્મક મૃત્યુની હોવાનું સ્પષ્ટ થયું હતું.
જાણવા મળ્યા મુજબ જડ્ડુસ નજીક શાકભાજીના થડા પાસે એક વૃધ્ધ એકાએક ઢળી પડતાં ૧૦૮ બોલાવાઇ હતી. પરંતુ વૃધ્ધમાં જીવ બચ્યો ન હોઇ તબિબે પોલીસને જાણ કરી હતી. બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. આ વૃધ્ધ પડી ગયા એ વખતે જ નજીકમાં કોઇ બે જણા વચ્ચે બોલાચાલી થઇ રહી હોઇ કોઇએ આ વૃધ્ધને પણ માથાકુટ થયાની વાત વહેતી કરી દેતાં તત્કાળ તાલુકા પીઆઇ ડી. એમ. હરિપરા અને ટીમે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
પોલીસની ટીમે મૃતકની ઓળખ મેળવવા તપાસ આરંભતા તેમની પાસેથી મળેલા નંબર, કાર્ડ સહિતે આધારે આ વૃધ્ધ અવધના ઢાળ પર વીર સાવરકર ક્વાર્ટરમાં રહેતાં શાંતિલાલભાઇ પોપટભાઇ આંબલીયા (ઉ.વ.૬૩) હોવાનું સ્પષ્ટ થતાં તેમના સગા પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.
મૃત્યુ પામનાર શાંતિલાલભાઇ આંબલીયા હાલ નિવૃત જીવન જીવતાં હતાં. અગાઉ તે ગ્લાસ ફટીંગનું કામ કરતાં હતાં. પોતે છ ભાઇ અને એક બહેનમાં વચેટ હતાં. સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર છે. પરિવારજનોના કહેવા મુજબ ક્યારેક ક્યારેક તેઓ ઘરેથી આટો મારવા નીકળતાં હતાં. બાદમાં રજપૂતપરા તરફ કોઇ કામ માટે ગયા હતાં. ત્યાંથી જડ્ડુસ પાસે આવી સગાને તેડી જવા ફોન કર્યો હતો. ત્યારબાદ બકાલાના થડા પાસે પહોંચ્યા હતાં અને ઢળી પડયા હતાં. તડકો લાગી ગયો હોવાની અથવા હાર્ટએટેક આવી ગયાની શક્યતા પરિવારજનોએ જણાવી હતી. મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. આ બનાવને પગલે આંબલીયા પરિવારમાં શોક છવાઇ ગયો હતો. (૧૪.૧૧)

બકાલુ વેંચતા મહિલાએ કહ્યું-અમારા થડા પાસે એ બાપા બેઠા'તા, ઉભા થ્યા એ ભેગા જ પડી ગ્યા
ઞ્જ જ્યાં આ બનાવ બન્યો એ સ્થળે બકાલુ વેંચી રહેલા મહિલાએ કહ્યું હતું કે બાપા અમારા થડા પાસે આવીને બેઠા હતાં. બાદમાં એ ઉભા થ્યા એ ભેગા જ પડી ગ્યા હતાં. અમે છાતી દબાવીને શ્વાસ ચાલુ કરવા પ્રયાસ કર્યો હતો. પછી કોઇએ ૧૦૮ બોલાવી હતી અને ડોક્ટરે બાપામાં જીવ નથી એમ કીધુ હતું.
(2:46 PM IST)










