News of Friday, 24th May 2024
પીડીયુ સિવિલ હોસ્પિટલે આ વર્ષમાં પીએમજેએવાય અને મા યોજના હેઠળ ૧૨ કરોડ મેળવ્યાઃ રાજ્યમાં પહેલો નંબર
આરોગ્ય વિભાગે ગઇકાલે ખાસ નોંધ લઇ પીડીયુ સિવિલ હોસ્પિટલ ટીમની કામગીરી વખાણી : નોડલ ઓફિસર ડો. મહેન્દ્ર ચાવડા, ડો. અલ્પા જેઠવા, ડો. હર્ષા પટેલની ટીમે બે વર્ષમાં જ આવક ૧૨ કરોડે પહોંચાડીઃ તબિબી અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદીએ પણ અભિનંદન આપ્યા : એક જ વર્ષમાં ૧૨ કરોડ મળ્યા તેમાંથી દર્દી માટે દવા, સાધનો ખરીદી શકાશેઃ સરકાર પાસેથી ગ્રાન્ટ નહિ લેવી પડેઃ પીએમજેએવાય વિભાગ આગામી સમયમાં ૨૪ કલાક ધમધમશે : સરકાર યોજના અંતર્ગત કાર્ડ દિઠ રૂા. ૩૦ વીમા કંપનીને ચુકવેઃ વીમા કંપની દર્દી જે હોસ્પિટલમાં સારવાર લે ત્યાં પેકેજ મુજબ રકમ ચુકવેઃ જો કાર્ડનો ઉપયોગ થાય તો વીમા કંપની જે રકમ ચુકવે તે હોસ્પિટલને મળેઃ કાર્ડનો ઉપયોગ ન થાય તો વીમા કંપની કમાય

રાજકોટ તા. ૨૪: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (પીએમજેએવાય) અને મુખ્યમંત્રી અમૃતમ (મા યોજના)માં સોૈથી વધુ રજીસ્ટ્રેશન સાથે રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલ ગુજરાતની તમામ મેડીકલ કોલેજો, હોસ્પિટલોથી આગળ નીકળી ૭૯૦૩ કેસ સાથે વર્ષ ૨૦૨૩-૨૪માં પ્રથમ નંબરે આવી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ ૪૭૭૭ કેસ સાથે ચોથા નંબરે છે. પીડીયુ સિવિલ હોસ્પિટલ દ્વારા આ વર્ષમાં પીએમજેએવાય અને મા અમૃતમ યોજના કાર્ડની કામગીરી દ્વારા વીમા કંપની પાસેથી ૧૨ કરોડની આવક રળવામાં આવી છે. આ તમામ રકમ દર્દીઓના લાભાર્થે વાપરવામાં આવશે. દવા, સાધનો સહિતની ખરીદી માટે હોસ્પિટલને રાજ્ય સરકાર પાસેથી ગ્રાન્ટ લેવી નહિ પડે.
જાણવા મળ્યા મુજબ ૧૮ નવેમ્બર ૨૦૧૮ના રોજ પ્રધાનમંત્રી દ્વારા પીએમજેએવાય યોજના અમલમાં મુકવામાં આવી હતી. આ યોજના અંતર્ગત એક કાર્ડ દિઠ રૂપિયા ૩૦ સરકાર દ્વારા વીમા કંપનીને ચુકવવામાં આવે છે. ત્યારબાદ વીમા કંપની દર્દી જે હોસ્પિટલમાં સારવાર લે તે હોસ્પિટલને પેકેજ પ્રમાણે નિયત કરેલી રકમ ચુકવે છે. આ એક મેડીક્લેઇમ જેવી સ્કીમ છે. જેમાં સરકાર ફિક્સ રકમ વીમા કંપનીને આપીને લાભાર્થીનો મેડીક્લેઇલમ કરાવે છે.
જો કાર્ડનો ઉપયોગ કરવામાં આવે તો વીમા કંપની જે તે હોસ્પિટલને પૈસા ચુકવે છે, અને જો કાર્ડનો ઉપયોગ ન થાય તો વીમા કંપની ઇન્સ્યોરન્સના પૈસા કમાય છે. તેનો લાભ ન તો દર્દીને થાય કે ન તો સરકારને. ૨૦૨૦થી ૨૦૨૨ સુધી કોરોનાને કારણે આ યોજના હેઠળ પીડીયુ સિવિલ હોસ્પિટલમાં નહિવત દર્દીઓને લાભ આપી શક્યા હતાં. દરમિયાન માર્ચ-૨૦૨૨થી પીએમજેએવાય/ મા યોજના હેઠળ નોડલ ઓફિસર તરીકે ડો. મહેન્દ્ર ચાવડા અને ત્યારબાદ ડો. અલ્પાબેન જેઠવા, ડો. હર્ષાબેન પટેલને જરૂરિયાત મુજબ કામગીરી સોંપવામાં આવી હતી. એ પછી વર્ષ ૨૦૨૧-૨૨માં ૨૮૪૨ દર્દીના કાર્ડ (કેસ) સામે રૂા. ૩,૦૫,૫૩,૧૭૮ રૂપિયા હોસ્પિટલને મળ્યા હતાં. ત્યારબાદ વર્ષ ૨૦૨૨-૨૩માં ૫૨૯૪ કેસથી ૫,૧૯,૩૮,૪૯૩ રૂપિયા અને આ વર્ષે ૨૦૨૩-૨૪માં ૭૯૦૩ કેસ દ્વારા કરી અધધધ ૧૧,૬૦,૨૩,૦૬૨ રૂપિયાની કામગીરી કરવામાં આવી છે.
આમ ૨૦૨૨થી શરૂ કરાયેલી આ કામગીરી દરમિયાન માત્ર બે જ વર્ષમાં ૩ કરોડથી લઇ ૧૨ કરોડ સુધીની કામગીરી આ ટીમે પહોંચાડી છે અને ૭૯૦૩ કરતાં વધુ દર્દીઓને અત્યંત સરળ ફ્રી સારવાર આપવામાં આવી છે. આ રીતે પીડીયુ સિવિલ હોસ્પિટલને એક વર્ષમાં જ આશરે ૧૨ કરોડ રૂપિયાની આવક થઇ છે. આ રકમનો ઉપયોગ દર્દીઓના લાભાર્થે, દવા તેમજ જરૂરી સાધનો ખરીદવા માટે કરી શકાશે. જેના માટે સરકાર પાસેથી ગ્રાન્ટ લેવાની જરૂર રહેશે નહિ. પીએમજેએવાય વિભાગ ઓપીડી બિલ્ડીંગમાં પહેલા માળે બેસે છે. આ વિભાગ આરંભે માત્ર ૬ ઓપરેટરથી શરૂ કરાયો હતો. આજની તારીખે ૧૫ ઓપરેટરો સવારે ૯ થી રાતે ૧૨ સુધી સેવા આપે છે. ટુંક સમયમાં આ વિભાગ ૨૪ કલાક ધમધમતો રહે અને પીએમજેએવાય તથા મા અમૃતમ કાર્ડના લાભાર્થીઓને ચોવીસ કલાક સેવાનો લાભ મળતો રહે તેવા પ્રયાસો થઇ રહ્યા છે. આવતા વર્ષે ચોવીસ કલાક સેવા સાથે ૨૫ કરોડ સુધી ક્લેઇમ કરીને યોજનાનો લાભ દરેક દર્દીને મળે તે માટે સમગ્ર ટીમ પ્રયત્નશીલ હોવાનું જણાવાયું છે. તબિબી અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદીની રાહબરી હેઠળ આ ટીમ કામ કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે ગઇકાલે જ રાજ્યના તમામ તબિબી અધિક્ષકની વિડીયો કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં આરોગ્ય વિભાગ તરફથી રાજકોટનો પીએમજેએવાય અને મા કાર્ડની કામગીરીમાં પ્રથમ નંબર આવ્યો તે બદલ પીડીયુ સિવિલ હોસ્પિટલ ટીમને શુભેચ્છા આપવામાં આવી હતી.
(3:24 PM IST)










