News of Friday, 24th May 2024
મનપા હસ્તકની મિલ્કતોમાં બોર રિચાર્જ વેગવંતુઃ ૮ જગ્યાએ જળસંચય
વોર્ડ નં. ૨,૩,૭,૧૪ તથા ૧૭માં કામગીરીઃ અન્ય સ્થળો પણ આવરી લેવાશે

રાજકોટ,તા.૨૪: મહાનગરપાલિકા દ્વારા જળ સંચયની પ્રવૃત્તિને વેગ મળે અને વધુ ને વધુ નાગરિકો પણ બોર રિચાર્જ કરે તે માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાએ આ જળ સંચય અભિયાન હેઠળ પોતાના હસ્તકના તમામ બિલ્ડિંગોમાં તથા શહેરમાં સ્થળોએ પણ પાણીને જમીનમાં ઉતારવાની કામગીરી શરૂ કરેલી છે.
આ અભિયાન અંતર્ગત અલગ અલગ સ્થળો પર બોર રીચાર્જની કામગીરી કરવામાં આવી હતી. વોર્ડ નં.૨માં બજરંગવાડી સર્કલની બાજુમાં, વોર્ડ નં.૩માં તોપખાના, સરકારી વસાહત પાસે, વોર્ડ નં.૭માં ઉદ્યોગનગર કોલોનીમાં, વોર્ડ નં.૧૪માં શ્રમજીવી-૪,ગોપાલનગર -૧,જયરાજ પ્લોટ- ૯/૧૩,જયરાજ પ્લોટ -૮/૧૩ અને વોર્ડ નં.૧૭માં આનંદનગર મે.રોડ શાળા નં.૬૩ ખાતે સ્થિત હેન્ડ પંપને રિચાર્જ કરવામાં આવેલ છે. જેનાથી ચોમાસા દરમ્યાન વરસાદી પાણી બોરમાં ઉતરશે. વધુ ને વધુ બોર રિચાર્જની કામગીરીમાં જોડાશે એમ જમીનમાં જળ સ્તર ધીમે ધીમે ઉપર આવશે.
સમગ્ર ચોમાસાના ચાર માસ દરમ્યાન સારા વરસાદના દિવસો માત્ર આશરે ૮ થી ૧૦ જેટલા જ હોય છે. વરસાદની પેટર્ન પણ બદલાઈ રહી છે. દિવસે ને દિવસે બોરનો ઉપયોગ વધી રહ્યો છે અને જમીનમાં જળસ્તર વધુ ને વધુ નીચું ઉતારી રહ્યું છે ત્યારે ચોમાસા પૂર્વે જ તમામ લોકોએ પોતાના મકાનના ધાબાનું પાણી બોરમાં ઉતારવા માટેની વ્યવસ્થા કરી જાહેર સામાજિક હિતમાં પોતાનું યોગદાન આપવું જોઈએ. રાજકોટ મહાનગરપાલિકાના તમામ બિલ્ડીંગ,ᅠપમ્પિંગ સ્ટેશન,ᅠફિલ્ટર પ્લાન્ટ,ᅠસ્વિમિંગ પૂલ કેમ્પસ,ᅠવગેરે સ્થળોએ બોર રિચાર્જના આયોજનને આગળ ધપાવી રહી છે. જળ સંચયની પ્રવૃત્તિને વેગ આપવા માટેના સમગ્ર આયોજનમાં ગીર ગાય સંસ્થા,ᅠસદભાવના ટ્રસ્ટ,ᅠસેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ વગેરે જેવી જુદીજુદી સંસ્થાઓનો સહયોગ સાંપડી રહ્યો છે. જળ સંચય,ᅠપર્યાવરણ,ᅠસ્વચ્છતા વગેરે જેવી બાબતોમાં સમાજના સહયોગ વગર ઈચ્છિત પરિણામ મેળવી શકાય નહીં. માટે સૌ નાગરિકો જળ સંચયની પ્રવૃત્તિમાં વધુ ને વધુ જાગૃત બને તે વર્તમાન સમયની માંગ છે.
બોરમાંથી જેટલું પાણી ખેંચીએ છીએ તેની સરખામણીએ આપણે બોર રિચાર્જ મારફત જમીનમાં જે પાણી ઉતારીએ છીએ તેનું પ્રમાણ ખુબ જ ઓછું છે. પરમ્પરાગત જ્ઞાન અને આધુનિક ટેકનોલોજીનો સમન્વય કરીને જળ સંચયની પ્રવૃત્તિને પુરતો વેગ આપવાની આવશ્યકતા છે.
(3:27 PM IST)










