News of Friday, 24th May 2024
સંગીત એ મારા આત્માનો ખોરાક છે : ભગીરથ ભટ્ટ
સૌરાષ્ટ્રના સિતાર સાધક ભગીરથભાઇ ભટ્ટ ‘મહારાષ્ટ્ર ગૌરવ પુરસ્કાર'થી સન્માનિત : સોનુ નિગમ, હૃદયનાથ મંગેશકર, ઉસ્તાદ અમજદ અલી ખાન, રૂપકુમાર રાઠોડ વગેરેને મળ્યો છે મહારાષ્ટ્ર ગૌરવ પુરસ્કાર : જેમાં સિતાર વાદ્યમાં આ એવોર્ડ સન્માન ગુજરાતના સિતારવાદક તરીકે ભગીરથભાઇને મળ્યું : મને ભગવાને બધુ આપ્યું છે જેથી અભરખા કોઇજ નથી : બધું બહુ સહજ રીતે ચાલી રહ્યું છે : જયાં સુધી સાધક ભાવ હશે ત્યાં સુધી આગળ વધી શકવાની સંભાવના : છે, પણ જયારે આવડી ગયું એ ભાવ આવે ત્યારે પૂર્ણવિરામ મુકાઈ જશે : ભગીરથભાઈએ સૌપ્રથમ સિતાર પર ઓફિશિયલ બોલીવુડ કવર સોંગ મૂકેલું હતું : સંગીત એ અનંત યાત્રા છે એટલે જયાંથી જ્ઞાન મળે તેટલું મેળવું છું : આજના યુગ પ્રમાણે સંગીત એ જ છે પણ પેકેજીંગ બદલતા રહે છે : સિતારમાં ગરબાની ધૂન વગાડી લોકોને ગરબા રમવા વિવશ કરી દીધા

સ્વોત્સવ એટલે એવો વિસામો જયાં ભાવક કૃષ્ણ છે અને કલાકાર સુદામાં. સિતાર જેવા મધમીઠા તંતુવાદ્યના નાદ આવર્તનને હવામાં ગુંજતા સાંભળી એને આત્માના ઉંડાણ સુધી પહોંચાડી સમાધિની અવસ્થા અનુંભવવી એ એક વિરલ અનુભૂતિ છે. આવીજ અનુભૂતિ મૂળ જામનગરના અને સૂરત સ્થાઇ થયેલા સિતારવાદક - સાધક ભગીરથ ભટ્ટના વાદનથી અનુંભવાય છે. આ યુવા કલા સાધકને તાજેતરમાં ‘મહારાષ્ટ્ર ગૌરવ પુરસ્કાર' મળ્યો છે જે સમગ્ર ગુજરાતને ગર્વ લેવા જેવી બાબત છે. ભગીરથભાઇ ભટ્ટ ૨૫ વર્ષથી સંગીત સાધના કરી રહ્યા છે. ‘અકિલા' સાથે થયેલ ટેલિફોનીક વાર્તાલાપમાં તેમણે પોતાની સંગીતયાત્રા થી લઇ મહારાષ્ટ્ર ગૌરવ પુરસ્કાર સુધીની સફરને વર્ણવી હતી.
એક ગુજરાતી તરીકે મહારાષ્ટ્ર ગૌરવ પુરસ્કાર મળ્યો તેની અનુભૂતિ આપને કેવી થાય છે? ભગીરથભાઇ ભટ્ટે જણાવ્યું કે, હું તો સુરતમાં રહું છું પણ મારી કર્મભૂમિ સુરત અને મહારાષ્ટ્ર એટલે કે મુંબઈ છે. મહારાષ્ટ્રમાં મારા કામની નોંધ લઇ મને તે લોકોએ મહારાષ્ટ્રનો ગણ્યો તેનાથી વિશેષ ગર્વની વાત હોય જ ન શકે. ખાસ મ્યુઝિક કેટેગરીની વાત કરીએ તો એવા ઘણા દિગ્ગજ છે જેમને આ સન્માન પ્રાપ્ત થયું છે. જેમાં પદ્મશ્રી સોનુ નિગમ, પદ્મશ્રી હૃદયનાથ મંગેશકરજી, પદ્મવિભૂષણ ઉસ્તાદ અમજદ અલી ખાન, રૂપકુમાર રાઠોડ વગેરે સામેલ છે. જેમાં સિતાર વાદ્યમાં આ એવોર્ડ સન્માન ગુજરાતના એક સિતાર વાદક તરીકે મને મળ્યું તેનો સવિશેષ આનંદ છે. આ એવોર્ડ માત્ર સંગીતકારની શ્રેણી પૂરતો મર્યાદિત ન હોય અભિનેતા, ચિત્રકારો, પ્રભાવકો, પત્રકારો, આર્કિટેક્ટ જેવા વિવિધ ક્ષેત્રો માટે પણ અપાય છે.
આપની સંગીતની યાત્રા ક્યારથી શરૂ થઈ અને સિતારને શા માટે પસંદ કર્યું? ભગીરથભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે, હું છ વર્ષનો હતો ત્યારથી સિતાર શીખી રહ્યો છું. શરૂમાં જામનગરમાં શ્રી ચેતનભાઇ શાસ્ત્રી પાસેથી સિતારની તાલીમ મેળવી. ત્યારબાદ ૧૩ વર્ષની ઉંમરે મુંબઈ જઈ અને ઉસ્તાદ અબ્દુલ હલીમ જાફર ખાન તેમજ મેવાતી ઘરાનાના ઉસ્તાદ અસદ ખાનજી પાસેથી સિતાર ને કલાને સાધવાનો પ્રયત્ન કર્યો. ભગીરથભાઈ કહે છે, અલગ અલગ ઘરાના ની તાલીમ લઈએ એટલે આપણા હાથમાં વિવિધ ઘરાનાની બાબતો પણ આવે. આમ પણ સંગીત એ અનંત યાત્રા છે એટલે જયાંથી જ્ઞાન મળે તેટલું મેળવું છું.
સંગીતની આ યાત્રામાં ભગીરથભાઈના પ્રેરણાસ્ત્રોત રહ્યા છે તેમના પિતા શ્રી પંકજકુમાર ભટ્ટ કે જેવો છેલ્લા ૪૫ વર્ષથી પૂજય મોરારિબાપુ સાથે તબલાવાદનની અને ગાવાની સેવા આપે છે. ભગીરથભાઈ ચાર વર્ષના હતા ત્યારથી પિતા પાસેથી તબલા વાદનની અને ગાવાની તાલીમ પણ લેતા. પિતાએ સ્વર અને તાલનો સંગમ પુત્રમાં જોતા તેને આગળ જતાં સિતાર શીખવા પ્રેરણા આપી.
તમારી પસંદગી નો રાગ કયો? ભગીરથ ભાઈએ જણાવ્યું કે, જે રાગ ઉપર આપણો રિયાઝ વધારે ચાલતો હોય તે આપણો પ્રિય થાય. તેમ છતાં બાગેશ્રી, જિંજોટી, કિરવાણી, માલકૌંસ, યમન વગેરે મારા પ્રિય રાગો છે. શુદ્ધ શાષાીય સંગીત તરફ ન વળતા બોલિવૂડમાં સિતાર વગાડવાનું કારણ શું? ભગીરથભાઈએ ખુબ સુંદર જવાબ આપતા જણાવ્યું કે, હું શુદ્ધ શાષાીય સંગીત શીખેલો છું અને હજી શીખી રહ્યો છું. પણ મારું માનવું એવું છે કે આજકાલ લોકો ઇન્ડિયન ઇન્સ્ટ્રુમેન્ટથી વિપરીત જઈને વિદેશી ઇન્સ્ટ્રુમેન્ટ તરફ આકર્ષાઈ રહ્યા છે. બોલીવુડ સંગીત તરફ વધારે ખેંચાઈ રહ્યા છે. જો હું સિતાર પર ફયુઝન વગાડું અને બોલીવુડ ટ્યુન વગાડું તો લોકોને એક આકર્ષણ થાય કે ઇન્ડિયન ઇન્સ્ટ્રુમેન્ટ પર કેટલું સુંદર લાગે છે અને આ પણ શીખવું જોઈએ. હું જોઈ રહ્યો છું કે ગુજરાત આખામાં સિતાર વાદકોની સંખ્યા ધીમે ધીમે વધતી જાય છે. આવકની દ્રષ્ટિએ પણ સિતાર વાદકોને મહેનતાણું મળતું થયું છે. ઉલ્લેખનીય છે કે ભગીરથભાઈએ સૌપ્રથમ સિતાર પર ઓફિશિયલ બોલીવુડ કવર સોંગ મૂકેલું હતું. આ જોઈ લોકો એ તરફ પ્રેરિત થયા. ગર્વની વાત એ છે કે આ માટેનો શ્રેય લોકો ભગીરથભાઈને જ આપે છે.
ભગીરથભાઇ ભટ્ટ જયારે પણ સિતાર વગાડે છે ત્યારે તેમના પગ ઉપર સત્ય, પ્રેમ, કરુણા લખેલી શાલ અચૂક રાખે છે જે પૂ.બાપુએ આપેલી પ્રસાદી છે. તેઓ કહે છે, સત્યનું આચરણ કરવું, બીજાને પ્રેમ આપવો અને દરેક પ્રત્યે કરુણા દાખવી. એ સતત અનુસરણ કરવાનું મને યાદ આવે અને લોકો સુધી એક સારો મેસેજ પણ પહોંચે માટે હું પગ પર શાલ રાખું છું. હવે લોકો પણ આ શાલથી મને ઓળખી જાય છે.
આપ નવું શું લાવ્યા છો કે લાવવાના છો જે અન્ય લોકો નથી આપી શક્યા? ભગીરથભાઈ નું કહેવું છે કે, આપણા વડીલોએ બહુ સરસ કામ કર્યું છે અને ઘણું બધું આપ્યું છે. આજના યુગ પ્રમાણે વસ્તુઓ એ જ બધી હોય છે પણ પેકેજીંગ બદલતા રહે છે. સંગીત હોય, લિરિક્સ હોય કે કોઈપણ ફિલ્ડ હોય આપણે માત્ર તેનું પેકેજીંગ બદલી શકીએ પણ વસ્તુ તો એ જ છે અને રહેવાની.
બંગાળી લોકો જેમ ખૂબ સરળતાથી પોતાની ધુન લોકો સુધી પહોંચાડે છે તેમ ભગીરથભાઈ એ પણ આપણા ગુજરાતના ગરબા ને સિતારના માધ્યમથી રજૂ કર્યા છે. ગુજરાતી સંગીત પણ ખૂબ સમૃદ્ધ હોય તો સિતાર થકી તે લોકો સુધી કેમ ન પહોંચી શકે? એટલે તેમણે સિતારમાં ગરબાની ધૂન વગાડી લોકોને ગરબા રમવા વિવશ કરી દીધા હતા. ગરબામાં ફલ્યુટ, ક્લેરોનેટ, સેક્સોફોન વગેરેનો ઉપયોગ થાય છે. તો સિતાર નો ઉપયોગ કેમ ન થાય? તે વિચાર સાથે ભગીરથભાઈએ તેનો અમલ કર્યો અને આજે લોકો સિતાર પર પણ ગરબે ઘુમે છે.
છેલ્લા ૨૫ વર્ષથી સિતાર સાધના કરી રહેલા ભગીરથભાઇ ભટ્ટે યુએસએ, યુકે, સ્વિટ્ઝર્લેન્ડ, ઓમાન, દુબઈ, દક્ષિણ કોરિયા, શ્રીલંકા, દુબઇ, ઓમાન, રશિયા, મોરેશિયસ, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને બીજા ઘણા વિવિધ દેશોમાં લાઈવ ઈન્ડિયન ક્લાસિકલ શો, ફયુઝન શો અને બોલિવૂડ મ્યુઝિક શો કર્યા છે અને વર્તમાન સંગીતના વલણમાં સિતારને ઘણું આગળ વધાર્યું છે. તેઓ કહે છે, મને ભગવાને બધુ આપ્યું છે જેથી અભરખા કોઇજ નથી. બધું બહુ સહજ રીતે ચાલી રહ્યું છે.
રિયાઝ વિશે તેઓ કહે છે, રિયાઝની વ્યાખ્યા મારી અલગ છે. કોઇ પ્રોગ્રામમાં વગાડવું કે કોઇ મિત્રો સાથે બેસીને વગાડવું એ રિયાઝ નથી. જે ન આવડતુ હોય તેનીજ સતત પ્રેક્ટીસ કરી તેને એકાંતમાં ઘુંટવું એને હું રિયાઝ કહું છું. સાધના હંમેશા એકાંતમાં જ હોય જે અનેક ગણું ફળ આપે છે. સાચી દિશાનો રિયાઝ કરવાથી તમે સારા કલાકાર બની શકો છો. મારી દ્રષ્ટીએ સંગીત એ મારા આત્માનો ખોરાક છે. જો હું આખા દિવસમાં સિતાર ન વગાડું તો બેચેની અનુંભવું. કોઇને મળવા કે સોશ્યલ ગેધરીંગમાં પણ હું સિતાર સાથે લઇને જ જાઉં છું.
પિતા-માતાના આશીર્વાદ તેમજ પત્નિ કૃતિબેન અને દિકરી બાગેશ્રીના સહયોગથી જ હું આગળ આવ્યો છું. ભગીરથભાઇ કહે છે, પરિવારના સહયોગ વિના કોઇપણ ફિલ્ડમાં આગળ ન આવી શકાય.
ભગીરથભાઈ ભટ્ટ કહે છે કે, હું નાનો હતો ત્યારે એક સ્પર્ધામાં ભાગ લીધો હતો કારણ મારા પિતાનો માનવું હતું કે કોઈ નંબર માટે નહીં પણ એ બહાને હું તૈયારી કરીશ. એ વખતે યુવક મહોત્સવમાં સૌરાષ્ટ્રમાં પહેલો નંબર, ગુજરાતમાં પહેલો નંબર અને ભારતમાં બીજો નંબર આવેલો ત્યારે મારી ઉંમર ૧૫ વર્ષની હતી. જયારે જે વ્યક્તિનો પહેલો નંબર આવેલો તેઓ ૩૨ વર્ષના હતા. એ મારા માટે ટર્નિંગ પોઇન્ટ હતો. એ વખતે જ મેં મારી કારકિર્દી સિતારમાં કરવાનું નક્કી કરી લીધું. બે વર્ષ પછી ફરી મેં ભાગ લીધો ત્યારે ભારતમાં પ્રથમ નંબર આવેલો. એટલે હું યુવાનોને ચોક્કસ કહેવા માગીશ કે તમે કોઈ પણ કલાને સાધનાના રૂપમાં લેશો તો તેનું ચોક્કસ ફળ મળશે. ત્રણ વર્ષ રિયાઝ કરીને અમુક રકમનું કામ મળશે જ એવું સંગીતમાં નથી. પણ જયારે સાધનાના ભાવથી કરશો ત્યારે ફળ ચોક્કસ મળશે. જયાં સુધી સાધક ભાવ હશે ત્યાં સુધી આગળ વધી શકવાની સંભાવના છે. પણ જયારે આવડી ગયું એ ભાવ આવે ત્યારે પૂર્ણવિરામ મુકાઈ જશે.
સુરતમાં શરૂ કર્યો છે બાગેશ્રી સ્ટુડિયો...
પ્રખ્યાત સિતારવાદક ભગીરથભાઇ ભટ્ટે તાજેતરમાં સુરત ખાતે પોતાનો બાગેશ્રી નામનો સ્ટુડિયો શરૂ કર્યો છે. તેમણે જણાવ્યું કે, હું સંગીતમાં કમ્પોઝિશન અને મ્યુઝિક એરેન્જમેન્ટ કરું છું પણ તેના માટે મારી પોતાની કોઈ સ્પેસ ન હતી. આથી પ્રોફેશનલી રીતે મેં બાગેશ્રી સ્ટુડિયો શરૂ કર્યો છે. મે ૨૦૨૪ માં જ સ્ટુડિયો ની શરૂઆત થઈ છે. સુરતના અડાજણ ની બાજુમાં શરૂ થયેલા સ્ટુડિયોને ખૂબ જ સારો પ્રતિસાદ સાંભળ્યો છે. કિર્તીદાનભાઈ, ઓસમાણભાઈ, આસિતભાઇ દેસાઈ સહિતના અનેક લોકોએ આ સ્ટુડિયો માટે અભિનંદન પાઠવી પોતાનો રાજીપો વ્યક્ત કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે બાગેશ્રી સ્ટુડિયોનું જેના પરથી નામ રખાયું છે તે નામ ભગીરથભાઈની સાડા ચાર વર્ષની દીકરી નું નામ પણ છે. આ નામ પૂજય મોરારિબાપુ એ જ આપેલું છે.
બોલિવૂડ અને હોલિવૂડમાં ભગીરથભાઇનો દબદબો છે
ભગીરથભાઇ ભટ્ટ નાનપણથી રિયાઝ કરતા આવ્યા છે. આ માટે તેઓ મુંબઈ અને પુણે પણ ગયા હતા. પોતાના પિતા પંકજભાઈ ભટ્ટ પાસેથી તેઓ સંગીત કળા શીખ્યા છે. એટલું જ નહીં તેઓ બોલિવૂડમાં પણ અનેક માસ્ટર પીસ આપી ચૂક્યા છે. બોલીવુડની વાત કરવામાં આવે તો તેઓ પદ્માવતી, રોબર્ટ ૨.૦, હમ દો હમારે દો, એક થા વિલન, મલાલમાં પોતાની કળા બતાવી ચૂક્યા છે. બોલીવુડ જ નહીં તેઓએ હોલિવૂડમાં પણ અમેરિકન ગાંધી, બેન્ડિક્સ, કોટા ફેક્ટરી, ગુલક, હીરા મંડીમાં સિતાર વાદન કરી વિશ્વને અચંબિત કરી ચૂક્યા છે! વધુમાં તેઓ ઇન્ડિયન આઇડલ, સારેગામાપા, એમટીવી સુપર સ્ટાર, કોક સ્ટુડિયો, હાલ ચાલી રહેલા સુપર સ્ટાર સીંગર, કેબેસી વગેરેમાં પણ પરફોર્મ કરી ચૂક્યા છે. તેઓએ એ.આર રહેમાન, સોનુ નિગમ, અમિત ત્રિવેદી, અરિજિત સિંગ, શંકર મહાદેવન, શ્રેયા ઘોષાલ સાથે પણ કામ કર્યું છે. ભગીરથજીએ હિન્દી ફિલ્મ શ્નસમીરઙ્ખમાં પણ આસીસ્ટન્ટ બેકગ્રાઉન્ડ સ્કોરર તરીકે સંગીત આપેલું છે. ગુજરાતી ઘણી ફિલ્મોમાં પણ સિતારવાદન કર્યું છે. ઉપરાંત અજય-અતુલ સાથે મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. મહારાષ્ટ્ર સાહિર ફિલ્મ આવેલી તેમાં પણ સિતાર વગાડી હતી. ભગીરથભાઇ ભટ્ટ કહે છે, હું આ બધા મહાન કલાકારોને ટીવીમાં જોતો હતો ત્યારે વિચાયું પણ નહોતું કે આમની સાથે કામ કરીશ. બધા સાથેનો અલગ અલગ અનુંભવ પણ ખુબ સુંદર રહ્યો. બધા પાસેથી ઘણું શિખવા મળ્યું, પ્રેરણા મળી. છેલ્લે બેંગ્લોરમાં શ્રેયા ઘોષાલ સાથે પર્ફોમ કર્યું ત્યારે તેઓ રિહર્સલમાં આવ્યા અને વિનમ્રતાથી મળ્યા અને પોતાની કંઇ ભૂલ હોય તો કહેજો તેવું કહેતા ત્યારે શિખવા મળ્યું કે આટલી ઉંચાઇ પર ગયા પછી કેટલું
ચાર પેઢીઓથી પરિવારમાં છે સંગીત
ભગીરથભાઇ ભટ્ટ જેવા પ્રખ્યાત સિતાર વાદકના પરિવારમાં ચાર પેઢીઓથી સંગીત ચાલ્યું આવે છે. ભગીરથભાઈ ના પિતા પંકજકુમાર ભટ્ટના દાદા શિવશંકરભાઈ ભટ્ટ સંગીતમય હરિ કથાઓ કરતા. જયારે ભગીરથભાઈના દાદા દિનેશચંદ્ર ભટ્ટ એક શિક્ષક હતા તેમ જ ગરબામાં તબલા અને હાર્મોનિયમ વાદન કરતા. જયારે પિતા પંકજકુમાર ભટ્ટ પૂજય મોરારિબાપુની કથામાં ગાયન અને તબલા વાદન કરે છે. જયારે ચોથી પેઢી એટલે કે ભગીરથભાઈ ભટ્ટ આજે સિતારવાદન થકી અનેકના હૈયામાં પોતાનું સ્થાન બનાવી ચૂક્યા છે. ટૂંકમાં ભટ્ટ પરિવારમાં સંગીત અને આધ્યાત્મનો સમાગમ પેઢી દર પેઢી ચાલ્યો આવે છે.
સંજલીલા ભણસાલીની હીરામંડી વેબસીરિઝના ૫ ગીતોમાં ભગીરથભાઇએ સિતારવાદન કર્યું અને...
હીરામંડીની થઈ રહી છે તેટલી જ પ્રશંસા તેના ગીતોની પણ કરવામાં આવી રહી છે. આ વેબસીરિઝના ગીતો તમને વર્ષો જૂના પરંપરાગત અને સાંસ્કૃતિક સંગીતની દુનિયામાં લઈ જાય છે. શાષાીય સંગીતની અનુભૂતિ માટે આ વેબસીરિઝમાં સિતાર વાદનને બહુ મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. જેનું વાદન સુરતના સિતાર સાધક ભગીરથભાઇ ભટ્ટ દ્વારા કરાયું છે.
તેઓ કહે છે, સંજયલીલા ભણસાલીએ મને આ ખાસ તક આપી. હું પ્રથમવાર જયારે બેગ્રાઉન્ડ મ્યુઝિક માટે ગયો ત્યારે પ્રથમ સીરિઝનું શૂટિંગ ચાલી રહ્યું હતું. મારા જે બેગ્રાઉન્ડ સ્કોરર હતા તેઓના જણાવ્યા મુજબ હું સિતાર વગાડી રહ્યો હતો. જયારે ત્રીજુ કે ચોથુ સેશન શરૂ થયું ત્યારે મેં સિતાર વાદન સમયે જણાવ્યું કે, અમે આ અગાઉ વગાડી ચૂક્યા છીએ. પરંતુ તેઓએ જણાવ્યું કે સંજય લીલા ભણસાલીને પસંદ આવ્યું ન હતું. જેથી તેમણે એ સ્ક્રેપ કરી ફરીથી કરવા માટે કીધું છે. આજ સંજય લીલા ભણસાલીની ખાસિયત છે. તેઓ પરફેક્ટ કામ કરે છે. તેમજ દરેક નાની બાબતમાં ધ્યાન આપે છે. અમે ફરી આખું વાદન કર્યું અને તેનો ગીતોમાં ઉપયોગ થયો. આવુંજ પદ્માવતમાં થયેલું જેમાં મેં ત્રણ ગીતોમાં સિતાર વગાડેલ.
આ રીતે થયું બ્રહ્માંડ બેન્ડનું સર્જન
પ્રખ્યાત સિતાર વાદક ભગીરથભાઇ ભટ્ટ બ્રહ્માંડ નામનું બેન્ડ પણ ચલાવે છે. બ્રહ્માંડ બેન્ડના સર્જનની વાત કરતા તેઓ કહે છે કે, જયારે હું સુરત રહેવા આવ્યો ત્યારે સારા સારા આર્ટીસ્ટો અલગ અલગ બેન્ડમાં વગાડતા હતા. અમે મળ્યા અને નવું કંઈક ક્રિએટિવ કરવા વિચાર્યું. ફયુઝનના હેતુથી જ આ બેન્ડનું સર્જન કર્યું છે. આ બેન્ડ નું બ્રહ્માંડ નામ રાખવા પાછળનું પણ કારણ છે. જેમાં ભગીરથભાઇ ભટ્ટની સાથે કલાકારોમાં દર્શન, મહેન્દ્ર, સતીશ અને મોન્ટુ જેવા શ્રેષ્ઠ કલાકારો છે. આ બધાના શબ્દના ઈનિશિયલ માંથી બ્રહ્માંડ શબ્દ બન્યો છે. જેમાં બધાનો એક એક અક્ષર આવી જાય છે. માર્ચ ૨૦૨૪ માં અકિલા ગુજરાત્રી દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભગીરથભાઇ ભટ્ટનું બ્રહ્માંડ બેન્ડ હતું જેણે જમાવટ કરી દીધી હતી.
(3:41 PM IST)










