તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૫, મંગળવાર
News of Friday, 24th May 2024
હીરાસર એરપોર્ટના ટેક્સી ચાલક જયદિપ પર ‘હપ્તા' મામલે હુમલોઃ તેના ભાઇ અને પિતાને પણ ઘવાયા
રામપર બેટીનો જયદિપ મકવાણા કહે છે-અમે એરપોર્ટથી મુસાફર ભરી બહાર આવીએ એટલે ફેરા દીઠ રૂા. ૫૦૦ લાલજી નામનો શખ્સ ઉઘરાવે છેઃ મેં વાંધો ઉઠાવતા હુમલો કરાયો

રાજકોટ તા. ૨૪: ઇન્ટરનેશનલ એરપોર્ટ હીરાસર ખાતેથી મુસાફરોને રાજકોટ તથા અન્ય આસપાસના ગામો, શહેરોમાં મુકવા જવા માટે ખાનગી ટેક્સીચાલકો મોટી સંખ્યામાં ફલાઇટ આવવાના સમયે પહોંચી જતાં હોય છે. દરમિયાન રામપર બેટી ગામના એક ટેક્સીચાલકે ગઇકાલે પોરબંદરના બે મુસાફરનું ભાડુ બાંધતા તેનો ડ્રાઇવર ટેક્સી લઇને બહાર આવતાં જ એક શખ્સે તમને ભાડુ મળ્યું એટલે અમને હપ્તો આપવો પડશે તેમ કહી રૂપિયા પાંચસો માંગતા ના પાડતાં બોલાચાલી કરી હુમલો કરવામાં આવતાં આ યુવાનને બચાવવા પિતા, ભાઇ વચ્ચે પડતાં તેને પણ પાઇપથી ફટકારાતાં ઇજા થઇ હતી.
રામપર બેટી ગામે રહેતો જયદિપ જગદીશભાઇ મકવાણા (ઉ.વ.૨૦), તેનો ભાઇ સંજય જગદીશભાઇ મકવાણા (ઉ.વ.૧૭) અને પિતા જગદીશભાઇ લાલજીભાઇ મકવાણા (ઉ.વ.૩૯) અમદાવાદ હાઇવે પર જીવાપરના પાટીયા પાસે હતાં ત્યારે લાલજી અને વિક્રમ સહિતે પાઇપથી માર મારતાં ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ભાવેશભાઇ મકવાણા દ્વારા એરપોર્ટ પોલીસને જાણ કરવામાં આવી હતી.
જયદિપ મકવાણાએ આક્ષેપો સાથે જણાવ્યું હતું કે હું એરપોર્ટમાં મારી ટેક્સી ચલાવુ છું. સામે લાલજી સહિતની પણ પાંચ છ ટેક્સીઓ ચાલે છે. અમને બહારગામના ભાડા મળે તો તેના એક ફેરા દીઠ રૂપિયા પાંચસોનો હપ્તો લાલજી તરફથી માંગવામાં આવે છે. ગઇકાલે મને એરપોર્ટથી પોરબંદરનું ભાડુ મળતાં મારો ડ્રાઇવર ટેક્સી લઇને મુસાફરોને બેસાડીને નીકળ્યો હતો. આ વખતે લાલજી સહિતે મારી પાસે પાંચસો રૂપિયા માંગ્યા હતાં. જે બાબતે બોલાચાલી થતાં ત્યાં મારી ટેક્સી પણ ઉભી હોઇ મુસાફરો પણ જતાં રહ્યા હતાં. એ પછી લાલજી સહિતે પાઇપથી હુમલો કરતાં મને ઇજા થઇ હતી. મારા પિતા અને ભાઇ વચ્ચે પડતાં તેને પણ ઇજા પહોંચી હતી. પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.
(4:28 PM IST)










