<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

કલેકટર તંત્રના હુકમને હરામખોરો ઘોળીને પી ગયા : શાસ્ત્રીમેદાનના દરવાજા તોડી નાંખ્યા

વચ્ચેનો મુખ્ય દરવાજો - તાળુ ભાંગી નાંખ્યા : છેલ્લો દરવાજો વાળી નાંખ્યો : તંત્રને કોઇ ખબર નથી !!

રાજકોટ : રાજકોટ કલેકટરના હુકમથી સીટી પ્રાંત-૧ અને પશ્ચિમ મામલતદારે શાસ્ત્રી મેદાન ખાલી કરાવી, ત્રણ દરવાજા લગાવી કોઇ ઘુસણખોરી ન થાય, મેદાન ચોખ્ખુ રહે તથા ગેરકાયદેસર પ્રાયવેટ બસો, અન્ય વાહનો મેદાનની અંદર ખડકાઇ જતા તે બંધ થાય તે માટે ઓપરેશન હાથ ધરી તમામને બહાર કાઢી તાળા મારી દિધા હતા, તેમજ સિકયુરીટી પણ મૂકી દેવાઇ હતી.

અત્રે એ નોંધનીય છે કે આ એ જ શાસ્ત્રી મેદાન છે, જ્યાં વર્ષો સુધી લોકમેળો ભરાયો, ૧૫ ઓગસ્ટ - ૨૬મી જાન્યુઆરીની ઉજવણી થઇ, વિખ્યાત રાજકીય નેતાઓની જાહેરસભા થઇ, બાદમાં તંત્રે કોઇ પગલા નહિ લેતા મેદાન ઉપર દબાણો થઇ ગયા.

આ પછી રાજકોટ કલેકટરે કડક પગલા લીધા, શાસ્ત્રીમેદાનમાંથી બધુ કલીયર કરાવી, લોખંડના તોતીંગ દરવાજાઓ મુકી તાળા મારી દીધા પરંતુ કલેકટરના હુકમને હરામખોરો ઘોળીને પી ગયા અને મેદાનના લોખંડના દરવાજાના ભૂક્કા બોલાવી દિધા છે, વચ્ચેનો મુખ્ય દરવાજો અને તાળુ તોડી નાંખી દરવાજાને જમીન સપાટ કરી નાંખ્યા તે નજરે પડે છે, તો બીજી તસ્વીરમાં એક દરવાજો આખો બેન્ડવાળી તોડી નાંખ્યો છે, મેદાનની અંદર વાહનો જવા માંડયા છે, તંત્રને આવડી મોટી નુકસાની છે, પરંતુ એકપણ જવાબદાર અધિકારીને ખબર નથી, આ મેદાનનું ભાડુ પરિપત્ર મુજબ દર વર્ષે ૧૫ ડિસેમ્બરે ૧૦ થી ૧૫ ટકા વધે છે, મસમોટુ ભાડૂ વસુલતુ કલેકટર તંત્ર આ ઐતિહાસિક મેદાનનું બરોબર ખ્યાલ નથી રાખતું તે તસ્વીર બોલતો પૂરાવો છે, બપોર બાદ તંત્ર ટીમો મોકલે અને દરવાજા તોડનાર સામે કડક પગલા ભરે તેવી લોકમાંગણીઓ છે. (તસ્વીર : સંદીપ બગથરિયા)

(4:30 PM IST)