News of Friday, 24th May 2024
મુનસ્પેશ એવન્યુમાં રેરાના નિયમોનું ઉલંઘન
લાઇટ, પાણી, સફાઇ જેવી સુવિધાઓમાં અનેક ક્ષતિ સામે ફલેટ હોલ્ડરોમાં ભારે અસંતોષ

રાજકોટ તા. ૨૪ : સનસીટી એન્કલેવ પાસે, રામાપીર ચોકડી, ૧૫૦ ફુટ રીંગ રોડ ઉપર આવેલ મુનસ્પેશ એવન્યુ નામથી બનાવાયેલ બહુમાળી બિલ્ડીંગમાં બિલ્ડરો અને ડેવલોપરો દ્વારા રેરાના નિયમોનું ઉલંઘન કરી સુવિધાઓમાં અનેક ક્ષતિ રાખી દેવામાં આવી હોવાનો અસંતોષ ફલેટ ધારકોએ વ્યકત કર્યો છે અને આ અંગે ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરી છે.
'અકિલા' ખાતે વિગતો વર્ણવતા ફલેટ ધારકોએ જણાવ્યુ હતુ કે મુનસ્પેશ એવન્યુના નામથી બહુમાળી બિલ્ડીંગ મેસર્સ મુનસ્પેશ વેન્ચરના નામથી ચાલતી ભાગીદારી પેઢીના ભાગીદારો- ડેવલોપર્સ જયપ્રકાશ બાલુભાઇ વિઠલાણી, જમીન માલીક, વિરલ કિશોરકુમાર શાહ, ભરત અમૃતલાલ ગણાત્રા, કલાબેન ભરતભાઇ ગણાત્રા, વિશાલ જયપ્રકાશ વિઠ્ઠલાણી, ભાર્ગવ જયપ્રકાશ વિઠ્ઠલાણી દ્વારા બનાવવામાં આવેલ. તેનું રેરામાં રજીસ્ટ્રેશન હોવા છતા રેરા કાયદાની જોગવાઇઓનો સરેઆમ ભંગ કરવામાં આવ્યો છે.બિલ્ડીંગની સફાઇ, પાણી, ઇલેકટ્રીસીટી, વોચમેન, કોમન સુવિધામાં અનેક ક્ષણીઓ રાખી દીધી છે. પાણીવેરો, લાઇટબીલ પણ ભરેલ નથી. ફલેટ હોલ્ડરોને વહીવટ સોંપેલ નથી. મેન્ટેનન્સની રૂ.૨૩,૫૦,૦૦૦ જેવી રકમ પચાવી પાડવામાં આવી છે. રેરાના પ્લાન મુજબ એસ્ટીમેન્ટ તેમજ સ્પેસીફીકેશન મુજબ સુવિધાઓ અપાઇ નથી. પાર્કીંગની પણ પુરી વ્યવસ્થા નથી. કોમન પ્લોટમાં ઓરડીઓ બનાવી દેવાઇ છે.
આ બાબતે ફલેટ હોલ્ડરોએ ગાંધીનગર સુધી રજુઆતો કરી છે. ફલેટ હોલ્ડરોના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવામાં આવે તેવી માંગણી ઉઠાવવામાં આવી છે. તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા ફલેટ હોલ્ડરો વિનોદભાઇ મહેતા, સુર્યભગવાન ગજેરા, જનકરાય જોષી, અમિત ચતવાણી, મેહુલ મકવાણા, કિશન રાજા, જયેશભાઇ મોકરીયા વગેરે નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(4:48 PM IST)










