<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th May 2024

રાજકોટની યુવતી સામે હનીટ્રેપની ફરિયાદ: ભુજના યુવાન સાથે શરીર સંબંધ બાંધી ૬ લાખ માંગ્યા

યુવતીએ વળતી બળાત્કારની ફરિયાદ નોંધાવી, ઈન્સ્ટાગ્રામ દ્વારા ત્રણ દિ' ની ફ્રેન્ડશીપમાં નજીક આવ્યા અને....

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૫ : સોશ્યલ મીડિયા દ્વારા બંધાતી બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ ની ફેન્ડશીપ બાદ બન્ને પક્ષે વધતાં જતાં દુરુપયોગના કિસ્સાઓ સમાજ સામે લાલબત્તી ધરી રહ્યા છે. ભુજની ભાગોળે આવેલા માધાપર ગામની પોલીસ ચોકીમાં હનીટ્રેપ અને તેની સામે વળતી બળાત્કારની  ફરિયાદ એ ચકચાર સાથે ચર્ચા સર્જી છે. માધાપરમાં રહેતા અને બાજુના સુખપર ગામે સ્ટીલની દુકાન ધરાવતા ૩૧ વર્ષીય યુવાન ડિકેશપુરી રામપુરી ગોસ્વામીએ રાજકોટની ૨૨ વર્ષીય ફીઝા મીર નામની યુવતી સામે શરીર સબંધ બાંધી બ્લેકમેઇલ કરી ૬ લાખ રૂ. ની ખંડણી માંગવાની હનીટ્રેપ અંગે ફરિયાદ નોંધાવી છે. ગયા રવિવારે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા કૉમેન્ટ કરી પરિચયમાં આવનાર આ યુવતીએ વાતચીત કર્યા બાદ વિડિયો કોલ કરી રૂબરૂ મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પોતે બુધવારે કામકાજ માટે ગાંધીધામ આવે છે અને બાદમાં ભુજ આવતી હોવાનું જણાવ્યું હતું. યુવાને માધાપર આવે ત્યારે ફોન કરવાનું કહેતાં સાંજે ૫ વાગ્યે એ પોતાની થાર જીપ દ્વારા માધાપરના બસ સ્ટેન્ડ એ પહોંચી યુવતીને ઉતારી અને નજીકની હોટલે ચા પાણી પી એ બન્ને માધાપરમાં જ આવેલ ભગુજી હોટેલના રૂમ નં. ૨૦૫ માં પહોંચ્યા હતા. અહીં યુવતીએ પોતાને મોહજાળમાં ફસાવી શરીર સબંધ બાંધ્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. ત્યાર બાદ તરત જ યુવતી પોતાનો મિત્ર આવે છે એવું કહી નીકળી ગઈ હતી. અડધો કલાક થયો યુવતી પરત ન આવી તેમ જ મેસેજ જોઈ જવાબ ન આપ્યો એટલે ફરિયાદી યુવાન ઘરે ચાલ્યો ગયો હતો. તરત જ બીજે દિ યુવતીએ ફરિયાદીને મેસેજ કરી પોતે બળાત્કારનો કેસ કરશે નહીં તો સમાધાન માટે રૂ. ૬ લાખ અને છેલ્લે ૫ લાખ માંગ્યા હતા. યુવતીની ધમકી થી ડરી ગયેલા યુવાને મિત્રની સલાહ લેતાં અંતે મામલો પોલીસ દ્વારે પહોંચ્યો હતો. દરમ્યાન પોલીસે કાર્યવાહી કરી રાજકોટની એ યુવતીને ઝડપી કોર્ટમાં રજૂ કરી પાલારા જેલ હવાલે કરી હતી. જોકે, આ મામલે યુવતીએ વળતી બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.

(9:37 AM IST)