તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 25th May 2024
હૃદય બંધ પડી જવાથી રાજકોટના ધનસુખભાઇ વાગડીયા, જેન્તીભાઇ રાઘવાણી અને મેટોડાના નિરજભાઇ જોષીના મૃત્યુ
ત્રણેયને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા બાદ દમ તોડયોઃ ઓમનગર પાસેની પ્રિયદર્શન સોસાયટી, મોરબી રોડના તિરૂપતીનગર અને મેટોડા પાસે વાજડીમાં રહેતાં પરિવારજનોમાં શોક

રાજકોટ તા. ૨૫: હૃદય રોગના હુમલાથી મૃત્યુના બનાવો યથાવત રહ્યા છે. શહેરના બે પ્રોૈઢ અને મેટોડાના એક વૃધ્ધનું હૃદય બેસી જવાને કારણે મૃત્યુ થતાં તેમના સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો.
જાણવા મળ્યા મુજબ મવડી ઓમનગર સર્કલ પાસે ૪૦ ફુટ રોડ પર પ્રિયદર્શન સોસાયટી-૧માં રહેતાં ધનસુખભાઇ કવાભાઇ વાગડીયા (ઉ.વ.૫૦) સાંજે ઘરે હતાં ત્યારે છાતીમાં દુઃખાવો ઉપડતાં અને શ્વાસ લેવામાં તકલીફ થવા માંડતાં તુરત જ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.
મૃત્યુ પામનાર ધનસુખભાઇ બે ભાઇ અને બે બહેનમાં વચેટ હતાં. સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. તેઓ હીરા ઘસવાનું કામ કરતાં હતાં. મુળ ઉનાના વતની હતાં. હાર્ટએટેકથી મૃત્યુ થયાનું જણાવાયું હતું.
બીજા બનાવમાં મોરબી રોડ તિરૂપતીનગરમાં રહેતાં જેન્તીભાઇ જાદવજીભાઇ રાઘવાણી (ઉ.વ.૫૦)ને સવારે ડ્રાઇવીંગ કામની નોકરીએ જવાનું હોઇ પત્નિ રસોડાના કામે બહારગામ ગયા હોઇ દિકરી નિશા તેમને જગાડવા જતાં તે ન જાગતાં બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ૧૦૮ના ભાવેશભાઇ વાઢેર અને રાજુભાઇએ ખસેડયા હતાં. પરંતુ અહિ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો. જેન્તીભાઇ ત્રણ ભાઇમાં વચેટ હતાં. સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. પોતે નમકીનના ટ્રકના ડ્રાઇવર તરીકે નોકરી કરતાં હતાં. હાર્ટએટેક આવી ગયાનું પરિવારજનોએ જણાવ્યું હતું.
ત્રીજા બનાવમાં મેટોડા જીઆઇડીસી પાસે વાજડીમાં શિવાલય એપાર્ટમેન્ટ બીજા માળે ફલેટ નં. ૨૦૪માં રહેતાં નિરજભાઇ બળવંતભાઇ જોષી (ઉ.વ.૭૧) સાંજે આઠેક વાગ્યે મેટોડા ગેઇટ નં. ૩ પાસે ઉભા હતાં ત્યારે એકાએક ઢળી પડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેમના દિકરા દ્વારકા રહે છે અને દિકરી જુનાગઢ છે. પોતે અહિ પત્નિ સાથે રહેતાં હતાં અને મેટોડા ગેઇટ-૩ સામે આવેલા મણીદ્વીપ મંદિરમાં સેવાપૂજા કરતાં હતાં. હાર્ટએટેક આવી ગયાનું સ્વજનોએ કહ્યું હતું.
ત્રણેય બનાવમાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ધર્મેન્દ્રભાઇ હુદડ અને તોૈફિકભાઇ જુણાચે તાલુકા, બી-ડિવીઝન અને મેટોડા પોલીસને જાણ કરી હતી.
બેભાન હાલતમાં લક્ષ્મીના ઢોળાના ગોવિંદભાઇનું અને વાવડીના મહેશભાઇ તંતીના મૃત્યુ
અન્ય બે બનાવમાં બેભાન હાલતમાં બે મૃત્યુ થયા હતાં. મોટા મવા લક્ષ્મીના ઢોળા પાસે રહેતાં ગોવિંદભાઇ કાળુભાઇ પરમાર (ઉ.વ.૪૨) સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પણ મૃત્યુ થયું હતું. તેમને કેન્સરની બિમારી હતી. સંતાનમાં એક પુત્રી છે. પોતે ત્રણ ભાઇ અને એક બહેનમાં નાના હતાં તથા કારખાનામાં કામ કરતાં હતાં.
અન્ય બનાવમાં વાવડી અંજલી પાર્ક-૨માં રહેતાં મહેશભાઇ ભગવાનભાઇ તંતી (ઉ.વ.૫૦)ને ઘરે હતાં ત્યારે બ્રેઇન સ્ટ્રોક આવતાં બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તે પુઠાના કારખાનામાં કામ કરતાં હતાં. હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)
(10:45 AM IST)










