તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 25th May 2024
રાજકોટમાં ‘લૂ' લાગી જતાં વૃધ્ધનો જીવ ગયો
રામવન પાસેથી લાશ મળીઃ આશરે ૬૦ વર્ષના મૃતકના વાલીવારસ હોય તો આજીડેમ પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૨૫: આકાશમાંથી સતત આગ વરસી રહી છે. દેશભરમાં લૂ લાગી જતાં મૃત્યુના બનાવો બની રહ્યા છે. આ વચ્ચે રાજકોટ શહેરમાં પણ એક વૃધ્ધનું લૂ લાગી જવાથી મોત થયું છે. આજીડેમ નજીક રામવન પાસેથી એક આશરે ૬૦ વર્ષના વૃધ્ધની લાશ મળી આવી છે. બીનવારસ એવા આ વૃધ્ધને લૂ લાગી જતાં મૃત્યુ થયાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
જાણવા મળ્યા મુજબ આજીડેમ ચોકડી નજીક રામવન પાસે અજાણ્યા વૃધ્ધની લાશ પડી હોવાની જાણ ૧૦૮ મારફત થતાં આજીડેમ પોલીસ સ્ટેશનના પીએસઆઇ સોલંકી, દિગપાલસિંહ સહિતના સ્ટાફે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસે તપાસ કરતાં વૃધ્ધની ઉમર આશરે ૬૦ વર્ષ જણાઇ હતી. તેમણે દુધીયા રંગનો અડધી બાંહનો શર્ટ અને બ્લુ પેન્ટ તથા પગમાં ચપ્પલ પહેર્યા હતાં. તેમના મૃતદેહ નજીકથી એક સ્ટીક મળી હતી. મૃતકની ઓળખ થઇ શકે તેવી કોઇ ચીજવસ્તુ મળી આવી નહોતી.
પોલીસે પંચનામુ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. લૂ લાગી જવાને કારણે મૃત્યુ થયું હોવાની શક્યતા જણાઇ આવી હતી. તસ્વીરમાં દેખાતા મૃતક વૃધ્ધના કોઇ વાલીવારસ હોય તો આજીડેમ પોલીસનો ફોન-૬૩૫૯૬ ૨૯૮૮૬ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
(11:00 AM IST)










