News of Saturday, 25th May 2024
ગુજસીટોકના ગુનામાં એક વર્ષથી ફરાર નામચીન સરતાજને એસઓજીએ પકડયો
હત્યાની કોશિષ, આર્મ્સ એક્ટ, જૂગાર, મારામારી સહિત ૧૨ ગુનામાં સંડોવણી ભીસ્તીવાડનો શખ્સ પોતાનું લોકેશન ન મળે એટલે મોબાઇલ રાખતો નહિ, કોઇપણ સ્થળે પાંચ મિનીટથી વધુ રોકાતો નહિઃ પીઆઇ જે. એમ. કૈલા અને ટીમે પકડી લીધો એએસઆઇ ફિરોઝભાઇ શેખ, હેડકોન્સ. ઉપેન્દ્રસિંહ ઝાલા અને કોન્સ. વિરદેવસિંહ જાડેજાની બાતમી

રાજકોટ તા. ૨૫: ગુજસીટોકના ગુનામાં વચગાળાના જામીન પર છુટયા બાદ છેલ્લા એક વર્ષથી ફરાર ભીસ્તીવાડના નામચીનની છાપ ધરાવતાં શખ્સ સરતાજ ઉર્ફે રાજન હમીદ ખીયાણી (ઉ.વ.૪૨)ને શહેર એસઓજીની ટીમે ઝડપી લીધો છે. આ શખ્સ અગાઉ એક ડઝન જેટલા ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.
જાણવા મળ્યા મુજબ સરતાજ ઉર્ફે રાજન અને ભીસ્તીવાડના અન્ય શખ્સો વિરૂધ્ધ ૨૦૨૦ની સાલમાં પ્ર.નગર પોલીસ મથકમાં ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો હતો. જેમાં સરતાજ ઉર્ફે રાજનને વચગાળાના જામીન મળ્યા હતા. ત્યારબાદ તે હાજર ન થઈ ભાગી ગયો હતો. છેલ્લા એકવર્ષથી તે સતત વોન્ટેડ હતો. આખરે તેને એસઓજીના એએસઆઇ ફિરોઝભાઇ આઇ. શેખ અને હેડકોન્સ. ઉપેન્દ્રસિંહ ઝાલા તથા કોન્સ. વિરદેવસિંહ જાડેજાની બાતમી પરથી તેના ઘર નજીક જંકશન પ્લોટ-૮માંથી પકડી લઇ જેલહવાલે કરાયો હતો.
પોલીસના કહેવા મુજબ આરોપી સરતાજ ઉર્ફે રાજન લાંબો ગુનાઈત ઈતિહાસ ધરાવે છે. તેના વિરૂધ્ધપ્ર.નગર, બી-ડિવીઝન અને ભક્તિનગર પોલીસ મથકમાં ગુજસીટોક, આર્મ્સ એકટ, ખુનની કોશીષ, મારામારી, હૂમલા, જુગારધારા સહિતના ૧૨ ગુના નોંધાયેલા છે. પીઆઇ જે. એમ. કૈલાએ જણાવ્યા મુજબ સરતાજ ઉર્ફ રાજન ફરાર રહ્યો તે એક વર્ષ દરમિયાન જુદા-જુદા સ્થળોએ રખડતો-ભટકતો રહ્યો હતો. એટલું જ નહીં મોબાઈલ પણ રાખતો ન હોવાથી તેનું લોકેશન મળતું ન હતું. આ ઉપરાંત કોઈપણ સ્થળે પાંચ મિનિટ કરતાં વધુ સમય સુધી રોકાતો ન હોવાથી અત્યાર સુધી હાથમાં આવતો ન હતો.
પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જેસીપી વિધી ચોૈધરી, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ જે. એમ. કૈલા, એએસઆઇ ફિરોઝભાઇ શેખ, હેડકોન્સ. ઉપેન્દ્રસિંહ ઝાલા અને કોન્સ. વિરરદેવસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી.
(2:23 PM IST)










